બોથનિયાનો અખાત : બાલ્ટિક સમુદ્રનું ઉત્તરતરફી વિસ્તરણ. પૂર્વમાં તે ફિનલૅન્ડને અને પશ્ચિમમાં સ્વીડનને અલગ પાડે છે. ઉત્તરમાં તે સ્વીડિશ બંદર હાપારેન્ડાથી દક્ષિણ તરફના ઍલૅન્ડ ટાપુઓ સુધી 640 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. ઉત્તરમાં તેની પહોળાઈ 160 કિમી. અને દક્ષિણમાં 240 કિમી. જેટલી છે; પરંતુ મધ્યમાં તે સાંકડો છે અને માત્ર 80 કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તેની દિશાકીય ઉપસ્થિતિ (trend) નૈર્ઋત્ય-ઈશાનની છે, જે આ વિસ્તારની કેલિડોનિયન ગિરિનિર્માણ ઉપસ્થિતિ સાથેનો સહસંબંધ દર્શાવે છે. તેનું ઊંડાણ દર સો વર્ષે એક મીટરના દરથી છીછરું થતું જાય છે. છીછરા થતા જવાની તેની ઘટનાને ભૂસ્તરીય સ્તરભ્રંશ અથવા અહીંની હિમનદીઓથી થતા ભરાવા સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. વર્ષ દરમિયાન અહીં ચારથી પાંચ મહિના બરફ છવાયેલો રહે છે, પરિણામે તેનાં જળ ઓછા ક્ષારપ્રમાણવાળાં રહે છે. સ્વીડન-ફિનલૅન્ડની લગભગ બધી જ નદીઓ તેમનાં જળ આ અખાતમાં ઠાલવે છે. બંને બાજુના કિનારાઓ નજીક ઘણા ટાપુઓ પણ આવેલા છે.

ગિરીશભાઈ પંડ્યા