બોત્સવાના : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં મધ્યમાં આવેલો દેશ. સત્તાવાર નામ બોત્સવાનાનું પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 17o 50´થી 27o 0´ દ. અ. અને 20# 00´થી 29# 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 5,81,730 ચોકિમી. જેટલું છે, ઉત્તર–દક્ષિણ અંતર 1,006 કિમી. અને પૂર્વ–પશ્ચિમ અંતર 950 કિમી. છે. તેની ઉત્તરે કેપ્રિવી પટ્ટી અને ઝામ્બિયા, વાયવ્યમાં કેપ્રિવી પટ્ટી સહિત એંગોલા, ઈશાન તથા પૂર્વ તરફ ઝિમ્બાબ્વે, પૂર્વ, અગ્નિ, દક્ષિણ તથા નૈર્ઋત્ય તરફ દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ તરફ નામિબિયાના આફ્રિકી દેશોની સરહદો છે.

ભૂપૃષ્ઠ : બોત્સવાના વિશાળ ઉચ્ચપ્રદેશીય ભૂમિ પર આવેલું છે. સરેરાશ ઊંચાઈ 1,000 મીટર જેટલી છે. ઓત્સ અહીંનો ઊંચોમાં ઊંચો પર્વત છે, તેનું સર્વોચ્ચ શિખર 1,489 મીટરની ઊંચાઈ ધરાવે છે; નીચામાં નીચું સ્થાન શાશે (Shashe) અને લિમ્પોમ્પો નદીઓના સંગમ નજીક 513 મીટરની ઊંચાઈ ધરાવે છે. પૂર્વ ભાગ પહાડી ભૂપૃષ્ઠવાળો છે, જ્યારે પશ્ચિમતરફી બાકીનો બધો જ ભાગ મેદાની અથવા આછા ઢોળાવ સહિત અસમતળ છે. પૂર્વ ભાગમાં જમીનો ખૂબ જ ફળદ્રૂપ હોવાથી દેશની લગભગ 80 % વસ્તી ત્યાં વસે છે. ઉત્તરના કેટલાક ભાગોમાં જંગલો આવેલાં છે. અહીં પથરાયેલું કલહરીનું રણ મધ્યનો તેમજ નૈર્ઋત્યનો લગભગ બધો જ ભાગ આવરી લે છે. રણમાં નાના છોડવા તથા ઘાસ ઊગે છે, પણ નૈર્ઋત્યનો ભાગ રેતીના ઢૂવાઓવાળો છે. વનસ્પતિજીવન તદ્દન નજીવા પ્રમાણમાં જોવા મળે છે.

એંગોલામાંથી નીકળીને આવતી ઓકાવેંગો નદી બોત્સવાનાના વાયવ્ય ભાગમાં થઈને વહે છે. અહીં પ્રવેશ્યા બાદ તે નાની નાની શાખાઓમાં વહેંચાઈ જઈ કળણભૂમિ અને પંકભૂમિના પ્રદેશોમાં ફેરવાઈ જાય છે. આ વિભાગ વન્ય પ્રાણીઓથી ખૂબ જ સમૃદ્ધ છે.

આધુનિક ભવનોના નિર્માણથી સુવિકસિત, બોત્સવાનાના પાટનગર ગેબોરોનનો હાર્દભાગ

આબોહવા : બોત્સવાનાના દક્ષિણ મધ્યભાગમાંથી મકરવૃત્ત પસાર થાય છે. તે દરિયાથી દૂર ખંડના અંદરના ભૂમિભાગમાં આવેલું હોવાથી તેમજ અહીં કલહરીનું રણ આવેલું હોવાથી સૂકી, ઉપઅયનવૃત્તીય આબોહવા ધરાવે છે. આ પ્રકારની આબોહવા વિશેષે કરીને ઑક્ટોબરથી એપ્રિલ (ઉનાળાની ઋતુ) સુધી પ્રવર્તે છે. ત્યારે દૈનિક સરેરાશ તાપમાન 38o સે. સુધી પહોંચી જાય છે. શિયાળાની ઋતુ હૂંફાળી રહે છે, પરંતુ ત્યારે રાત્રિઓનું તાપમાન ઘણી વાર શૂન્યથી પણ નીચે જતું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ પૂર્વ તરફ 560 મિમી. અને પશ્ચિમ તરફ 300 મિમી. જેટલો રહે છે. દુકાળની પરિસ્થિતિ અહીં સામાન્ય ઘટના ગણાય છે.

અર્થતંત્ર : બોત્સવાનાની ગણના દુનિયાના ગરીબ દેશોમાં થાય છે, પરંતુ હવે તેનું અર્થતંત્ર ઝડપથી વિકસી  રહ્યું છે. ખાણઉદ્યોગ અને ઢોરોનું પશુપાલન એ બે અહીંના મુખ્ય ઉદ્યોગો છે. તાંબા, હીરા અને નિકલના વિપુલ જથ્થા અહીં 1960–80 દરમિયાન શોધી કાઢવામાં આવેલા છે. કોલસા અને કોબાલ્ટના જથ્થાઓ પણ છે. આ ખનિજસંપત્તિનો વિકાસ થઈ રહ્યો છે. અહીં કોઈ ખાસ ઉત્પાદકીય એકમો વિકસ્યા નથી, તેથી સરકાર તરફથી સ્થાનિક ખાનગી સાહસોને તથા વિદેશી રોકાણોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. કૃષિ-પેદાશોમાં ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, કપાસ, ડુંગળી, નારંગી, મગફળી તથા દૂધનો સમાવેશ થાય છે. અહીંથી નિકાસ કરવામાં આવતા માલમાં ગોમાંસ, હીરા તથા અન્ય ખનિજ પેદાશો, ખાલ અને ચામડાં તથા કાપડનો અને આયાત કરવામાં આવતા માલમાં રસાયણો, ખાદ્યપદાર્થો, ઇંધન, યંત્રસામગ્રી તથા તકનીકી કૌશલ્યનો સમાવેશ થાય છે. અહીંની બધી જ નિકાસ-આયાત દક્ષિણ આફ્રિકાના રેલમાર્ગ દ્વારા બંદરો સુધી પહોંચાડાય છે.

પરિવહન : દેશમાં 15,000 કિમી. લંબાઈના રસ્તાઓ છે તે પૈકી મોટાભાગના રસ્તા કાચા છે. ગેબેરોન, ફ્રાન્સિસટાઉન તથા બીજા શહેરી વિસ્તારો માટે હવાઈ સેવાની સુવિધા છે. ગેબેરોન તથા ફ્રાન્સિસ-ટાઉનમાં થઈને પસાર થતો રેલમાર્ગ ઝિમ્બાબ્વે તથા દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલો છે.

લોકો : બોત્સવાનાની વસ્તી 14 લાખ (1994) જેટલી હતી, જે 1996માં 15,79,000 જેટલી થવાનો અંદાજ હતો. કુલ વસ્તી પૈકી 76 % ગ્રામીણ અને 24 % શહેરી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી.એ માત્ર બે જ વ્યક્તિની છે. મોટાભાગના લોકો પૂર્વ બોત્સવાનામાં રહે છે, બાકીના લગભગ બધા જ વિસ્તારમાં કલહરીનું રણ પથરાયેલું છે. ગેબેરોન (વસ્તી : 1,33,468 – 1991) દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ આવતા જાય છે. દેશના મોટાભાગના નિવાસીઓ અશ્વેત આફ્રિકનો છે, તે ‘ત્સ્વાના’ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્ય આઠ સમૂહોમાં વહેંચાયેલા છે, મુખ્ય જાતિસમૂહ ‘બામાન્ગવાટો’ તરીકે ઓળખાય છે અને દેશની કુલ વસ્તીનો 33 % ભાગ  આવરી લે છે. મોટાભાગના ત્સ્વાનાઓ ગામડાંઓમાં વસે છે અને ખેતી કે પશુપાલન પર તેમનો જીવનનિર્વાહ કરે છે.

બોત્સવાનામાં ‘સાન’ નામથી ઓળખાતા આશરે 10,000 જેટલા બુશમૅન પણ રહે છે; તેમની ચામડીનો વર્ણ પીળાશપડતો કથ્થાઈ છે. તે પૈકીના કેટલાક હજી પણ હજારો વર્ષો પૂર્વેના તેમના પરાપૂર્વજોની જેમ જ ખોરાકની શોધમાં ભટક્યા કરે છે તથા શિકાર કરવા જાય છે; પરંતુ હવે તેમના પૈકી ઘણાને કાયમી વસવાટ કરવા ફરજ પડાય છે. કેટલાક હવે પશુપાલન-ક્ષેત્રોમાં કામ પણ કરે છે.

દેશમાં શ્વેત લોકોની વસ્તી પણ હજારોની સંખ્યામાં છે. મોટાભાગના તો ગ્રેટ બ્રિટન, ઝિમ્બાબ્વે તથા દક્ષિણ આફ્રિકામાંથી સ્થળાંતર કરી આવીને વસ્યા છે. અમુક શ્વેત લોકો ગોચરોની ભૂમિ પણ ધરાવે છે; અન્ય ખાણોમાં, ધંધાઓમાં કે સરકારી નોકરીઓમાં કામ કરે છે અને ઉચ્ચ હોદ્દાઓ ધરાવે છે. શ્વેત લોકોની આવકનું પ્રમાણ તથા જીવનધોરણ ઊંચું છે. આ તફાવતની પરિસ્થિતિમાંથી આંતરસંઘર્ષો ઊભા થતા રહે છે; પરંતુ સરકારને દેશના અર્થતંત્રના વિકાસ માટે શ્વેત લોકોના તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોવાથી તે સમાધાની વલણ દાખવે છે.

સરકારી વહીવટ : 1966માં બોત્સવાના પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે. અહીં પ્રમુખ દેશનો વડો ગણાય છે. અહીં 38 સભ્યોની બનેલી નૅશનલ ઍસેમ્બ્લી દેશની ધારાકીય સંસ્થા છે. દર પાંચ વર્ષે પ્રમુખ અને નૅશનલ ઍસેમ્બ્લીની ચૂંટણી થાય છે. 21 વર્ષના બધા જ નાગરિકો મતાધિકાર ભોગવે છે, તેઓ 34 સભ્યોની ચૂંટણી કરે છે અને નૅશનલ ઍસેમ્બ્લી બાકીના 4 સભ્યો ચૂંટીને ઉમેરે છે. ચૂંટાયેલા પ્રમુખ નૅશનલ ઍસેમ્બ્લીમાંથી કૅબિનેટની પસંદગી કરે છે. આ ઉપરાંત દેશના મુખ્ય જાતિસમૂહો પૈકીના અગ્રણી વરિષ્ઠ નાગરિકોનું સલાહકાર મંડળ જાતિસમૂહોને અસર કરતી બાબતોમાં સરકારને સલાહ આપે છે. દેશમાં ઘણા રાજકીય પક્ષો છે, પરંતુ અહીંનો લોકશાહી પક્ષ (Democratic Party) સમર્થ ગણાય છે.

ઇતિહાસ : પ્રાગ્ઐતિહાસિક કાળમાં આજના બોત્સવાનાના સ્થળે બુશમૅન લોકો રહેતા હતા. ઈસુ ખ્રિસ્તના સમયથી માંડીને ઈ. સ. 1000 સુધીના ગાળા દરમિયાન ઉત્તર તરફથી ત્સ્વાના જાતિસમૂહના લોકો અહીં આવતા ગયા. તેઓ પૂર્વના ફળદ્રૂપ વિસ્તારમાં વસ્યા અને બુશમૅનોને કલહરી વિસ્તાર તરફ ધકેલી દીધા.

ઓગણીસમી સદી દરમિયાન ત્સ્વાના લોકો અન્ય અશ્વેતો તથા દક્ષિણ આફ્રિકામાંથી આવેલા શ્વેત લોકો જોડે લડ્યા. તેમણે આ માટે યુરોપીય લોકોનું સમર્થન માગ્યું. ઓગણીસમી સદીના અંતભાગમાં ગ્રેટ બ્રિટને આ વિસ્તારને પોતાના રક્ષણ હેઠળ લીધો. 1895માં તત્કાલીન બેચુઆનાલૅન્ડ તરીકે ઓળખાતો આ પ્રદેશ આરક્ષિત (protectorate) રાજ્ય બન્યું. 1960ના દસકા સુધી બ્રિટને અહીં શાસન કર્યું. દક્ષિણ આફ્રિકાની સરકારે બ્રિટનને ઘણી વાર જણાવેલું કે તેઓ આ પ્રદેશને દક્ષિણ આફ્રિકાના રક્ષિત રાજ્ય તરીકે મૂકી આપે, પણ બ્રિટને એમ કરવાની ના પાડેલી.

છેવટે 1966ના સપ્ટેમ્બરની 30મી તારીખે બેચુઆનાલૅન્ડનું આરક્ષિત રાજ્ય બોત્સવાના પ્રજાસત્તાક તરીકે સ્વતંત્ર બન્યું ત્યારે સેરેત્સે ખામા તેના પ્રથમ પ્રમુખ બનેલા.

આજે (2000માં) બોત્સવાનાની મુખ્ય સમસ્યા દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો વિશેની છે. બોત્સવાનાનું અર્થતંત્ર ઝડપથી વિકાસ પામતું જતું હોવા છતાં નાણાં, પરિવહન, બજાર, માલની હેરફેર તથા તકનીકી કૌશલ્ય માટે તેને દક્ષિણ આફ્રિકા પર આધાર રાખવો પડે છે. દેશના અગ્રણીઓ દક્ષિણ આફ્રિકા જેવા સમર્થ પડોશી દેશ પર નિર્ભર રહેવાનું ઓછું કરતા જાય છે. આ જ કારણે આ દેશે અગોલા, મોઝામ્બિક, તાન્ઝાનિયા અને ઝામ્બિયા જેવા અશ્વેતશાસિત દેશો સાથે મીઠા સંબંધો કેળવ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા