બોત્તિચેલ્લી, સાન્દ્રો (જ. 1445, ફ્લૉરેન્સ; અ. 1510) : રેનેસાંના એક મહત્વના ઈટાલિયન ચિત્રકાર. અભ્યાસમાં તેઓ ઘણા જ નબળા હોવાથી પિતાએ તેમને એક સોનીને ત્યાં કામે લગાડ્યા. આખરે 1460માં પ્રારંભિક રેનેસાંના મહત્વના ચિત્રકાર ફ્રા ફિલિપ્પો લિપ્પી પાસે તેઓ ચિત્રકળા શીખવા રહ્યા. 1466 પછી તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર-શિલ્પી આન્દ્રેયા દેલ વેરોકિયો પાસે ચિત્ર શીખવા રહ્યા. ત્યાં તેમના સહાધ્યાયી તરીકે પછીથી પ્રસિદ્ધિ પામનાર મહાન વિચારક, ચિત્રકાર અને શિલ્પી લિયોનાર્દો દ વિન્ચી પણ હતા.

બોત્તિચેલ્લીનાં ચિત્રો તેમના ઉપર દર્શાવેલ બંને ગુરુઓની શૈલીથી પ્રભાવિત છે. તેમની પ્રારંભિક સમયની મહત્વની કૃતિ ‘મેડૉના ઍન્ડ ચાઇલ્ડ વિથ યંગ સેન્ટ જૉન ઍન્ડ ટૂ એન્જલ્સ’માં બંને ગુરુઓની શૈલીનાં લાવણ્ય, માનવદેહની નજાકત, ત્વચાની કામુકતા અને માંસલ મૃદુતા જોવા મળે છે.

1470 પછી બોત્તિચેલ્લી ઇટાલીના નામાંકિત અને અત્યંત ધનિક અને કલાપ્રેમી મેડિચી પરિવારના સંપર્કમાં આવ્યા. આ પરિવાર માટે બોત્તિચેલ્લીએ ‘પ્રિમાવેરા’, ‘મેડૉના ઑવ્ ધ મૅગ્નિફિક્ટ’ અને ‘ઍડોરેશન ઑવ્ મેજી’ જેવાં ચિત્રો તૈયાર કર્યાં.

1481માં બોત્તિચેલ્લીને પોપ સિક્સ્ટ્સ ચોથાએ રોમ બોલાવ્યા અને નવા બંધાયેલા સિસ્ટાઇન ચૅપલની કલાસજાવટની કામગીરીમાં સાંકળી લીધા. અહીં ચિત્રકાર પેરુજિનોના માર્ગદર્શન હેઠળ ‘ધ યૂથ ઑવ્ મોઝિઝ’, ‘ધ પનિશમેન્ટ ઑવ્ કૉરાહ’ અને ‘ધ ટેમ્પ્ટેશન ઑવ્ ક્રાઇસ્ટ’ ચિત્રોનું સર્જન કર્યું.

1494માં મેડિચી પરિવારની ફ્લૉરેન્સમાંથી હકાલપટ્ટી કરવામાં આવી. આને પરિણામે બોત્તિચેલ્લીની કારકિર્દીમાં ઓટ આવી; કારણ કે તેમનાં ચિત્રોના મહત્વના ખરીદનાર હવે રહ્યા નહિ; પણ ફ્લૉરેન્સમાં હવે સત્તા પર આવનાર જિરોલામો સાવોનારોલાએ તેમની પાસે ‘મિસ્ટિક નેટિવિટી’ અને ‘પિયેતા’ તૈયાર કરાવ્યાં. આમ છતાં મેડિચી પરિવારની ગેરહાજરીને કારણે બોત્તિચેલ્લીને જીવનનાં છેલ્લાં વર્ષોમાં પારાવાર ગરીબી અને દુ:ખ વેઠવાં પડ્યાં. 1501માં લિયોનાર્દો ફ્લૉરેન્સમાં સ્થાયી થતાં બોત્તિચેલ્લી ઉપેક્ષાનો ભોગ બન્યા. ફ્લૉરેન્સમાં બોત્તિચેલ્લીની અસર તેમના શિષ્ય અને ગુરુપુત્ર ફિલિપ્પિનો લિપી દ્વારા સોળમી સદી સુધી જળવાઈ રહી. આ ઉપરાંત બ્રૉન્ઝિનો અને પોન્ટૉર્મોએ પણ બોત્તિચેલ્લીની ચિત્રશૈલી અપનાવી.

અમિતાભ મડિયા