બોડિનેજ (boudinage) : તણાવનાં બળો દ્વારા ખડકસ્તર કે ખનિજશિરામાં ઉદભવતી ગૌણ સંરચના. મૂળ ફ્રેંચ શબ્દ ‘બૉડિન’ અથવા ‘સૉસેજ’ એટલે દબાયેલા ફુગ્ગા કે વાંકડિયા વાળ કે હારબંધ
ગોઠવેલા ઓશીકાના દેખાવને સમકક્ષ રચના માટે ‘બૉડિનેજ’ શબ્દ પ્રયોજાય છે. કોઈ પણ ર્દઢ કે સખત સ્તર તેની સ્તરસપાટી પર બે બાજુએથી તણાવનાં બળો દ્વારા ખેંચાતો જાય તો વચ્ચે વચ્ચેથી પાતળો થતો જઈને તૂટે છે અથવા ખેંચાયેલું વલણ ઉત્પન્ન કરે છે; દા.ત., ક્વાર્ટ્ઝ શિરા ર્દઢ ગુણધર્મ ધરાવતી હોવાથી જ્યારે તણાવનાં બળોની અસર હેઠળ ખેંચાતી જાય ત્યારે તણાવની લંબ દિશામાં આડી ફાટો ઉદભવે છે. શિરા વીક્ષાકાર સ્વરૂપી ખંડ-વિભાગોમાં તૂટે છે. આડી ફાટો (કે ફાટો જેવું વલણ) જે રેખીય દિશા દર્શાવે તેને બૉડિન-રેખા કહેવાય છે. વચ્ચે વચ્ચેના દબાયેલા કંઠ-વિભાગો ક્યારેક અન્ય દ્રવ્યોની પૂરણીથી ભરાઈ જઈ શકે છે અને સમાંતર દિશાકીય રેખીય સ્થિતિ (lineation) દર્શાવે છે. લંબગોળાકાર મણકાઓને દોરીથી પરોવ્યા પછી દેખાતા સ્વરૂપ જેવું આ શિરાખંડ-વિભાગોનું ર્દશ્ય જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા