બોડસ, ગણપતરાવ (જ. 2 જુલાઈ 1880, શેવગાંવ, જિ. અહમદનગર; અ. 23 ડિસેમ્બર 1965, પુણે) : મરાઠી રંગભૂમિના ખ્યાતનામ ગાયક નટ. પિતાનું નામ ગોવિંદ. તે પોતે પૌરાણિક નાટકોમાં ભૂમિકા ભજવતા. માતાનું નામ સગુણાબાઈ. શાળાનું શિક્ષણ પુણે ખાતે. શાળાના અભ્યાસ દરમિયાન પોતાની નિશાળના નાટ્યમંડળમાં તેઓ સક્રિય રહ્યા. ત્યારથી અભિનય પ્રત્યે રુચિ વધતી ગઈ. 1895માં ‘કિર્લોસ્કર સંગીત મંડળી’માં પ્રવેશ કર્યો. શરૂઆતમાં ગૌણ ભૂમિકા મળતી. સ્ત્રી-ભૂમિકાઓ પણ તેઓ કુશળતાપૂર્વક કરતા, જેને પરિણામે અભિનયકલામાં સતત વિકાસ કરતા રહ્યા. સમયાંતરે તે જમાનાનાં લોકપ્રિય મરાઠી નાટકોમાં તેમને પ્રમુખ ભૂમિકાઓ મળતી ગઈ; જેમાં ‘સૌભદ્ર’ નાટકમાં શ્રીકૃષ્ણની ભૂમિકા, ‘શારદા’ નાટકમાં કાંચનભટની ભૂમિકા, ‘મૂકનાયક’ નાટકમાં વિક્રાંતની ભૂમિકા તથા ‘માનાપમાન’ નાટકમાં લક્ષ્મીધરની ભૂમિકા ઉલ્લેખનીય હતી.
1913માં બાલગંધર્વ તથા ગોવિંદરાવ ટેંબેના સહયોગથી તેમણે ‘ગંધર્વ નાટક મંડળી’ની સ્થાપના કરી. આ કંપનીએ તે જમાનાના ઘણા અગ્રણી નાટ્યકારોની નાટ્યકૃતિઓ તખ્તા પર રજૂ કરી અને તેમાંના લગભગ દરેકમાં બોડસને પ્રમુખ ભૂમિકાઓ ફાળવવામાં આવતી. તેઓ અસાધારણ કૌશલ્યથી તેમાં અભિનય આપતા રહ્યા અને તે દ્વારા તેમણે અપાર લોકપ્રિયતા સંપાદન કરી. તેમાં ‘એકચ પ્યાલા’માં સુધાકરની ભૂમિકા અને ‘સંશયકલ્લોળ’માં ફાલ્ગુનરાવની ભૂમિકાએ તેમને લોકચાહનાના શિખરે મૂકી આપ્યા. 1930 પછીનો ગાળો થોડાંક વર્ષો માટે મરાઠી રંગભૂમિનાં વળતાં પાણીનો સાબિત થયો, જેને લીધે તેમણે નાટ્યક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યારબાદ એક-બે ચલચિત્રોમાં તેમણે અભિનય પણ કર્યો, પરંતુ નાટકના ક્ષેત્રમાં તેમણે જેટલો રસ કેળવ્યો હતો તેટલો રસ તેઓ ચલચિત્ર કે અન્ય કોઈ ક્ષેત્રમાં કેળવી શક્યા નહિ. તેથી નાટ્યક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી તેમણે તેમના સમયનો ઉપયોગ નાટ્યકલાના યુવાન શોખીનોને તાલીમ આપવા માટે કર્યો.
1940માં નાસિક ખાતે યોજાયેલ અખિલ ભારતીય મરાઠી નાટ્યસંમેલનના અધ્યક્ષપદે તથા 1956માં નાંદેડ ખાતે યોજાયેલ મરાઠવાડા નાટ્યસંમેલનના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી. 1956માં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમને સંગીતનાટક અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો. તે સિવાય પણ તેમને ઘણી સંસ્થાઓ તરફથી અવારનવાર માનસન્માન અને પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં.
1940માં તેમણે તેમની આત્મકથા ‘માઝી ભૂમિકા’ પ્રકાશિત કરી હતી, જેની સુધારેલી આવૃત્તિ 1964માં પ્રસિદ્ધ થયેલી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે