બૉડલે, ટૉમસ (સર) (જ. 1545, ઍક્સ્ટર, ડેવૉન, ઇંગ્લૅન્ડ; અ. 1613) : વિદ્વાન તેમજ રાજકારણી. તેમણે જિનીવામાં ભાષાઓ તથા ધર્મમીમાંસાનો અભ્યાસ કર્યો. તેમનો પરિવાર પ્રૉટેસ્ટન્ટપંથી હતો, આથી રાણી મેરી પહેલીની સામેના મુકદ્દમા દરમિયાન તેમના પરિવારને અને તેમને પોતાને જિનીવામાં આશ્રય લેવો પડ્યો હતો.

અભ્યાસ બાદ તેઓ 1558માં ઑક્સફર્ડની મૅગ્ડલન કૉલેજમાં જોડાયા અને 1564માં મેટ્રૉન કૉલેજમાં ગ્રીક ભાષાના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. રાણી એલિઝાબેથના શાસન દરમિયાન, તેઓ ડેન્માર્ક, ફ્રાન્સ તથા હોલૅન્ડ ખાતે રાજદૂત તરીકે નિમાયા હતા.

1557માં એક અતિશ્રીમંત વિધવા સાથે તેમણે લગ્ન કર્યાં. તે પછી તેમણે યુનિવર્સિટી ગ્રંથાલયના વિસ્તૃતીકરણ પાછળ પુષ્કળ નાણાં ખર્ચી તેને નવું અદ્યતન રૂપ આપ્યું. 1602માં નવેસર ખુલ્લું મુકાયેલું આ ગ્રંથાલય તેમના નામ પરથી ‘બૉડિલિયન લાઇબ્રેરી’ તરીકે ઓળખાવા  લાગ્યું.

1604માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી