બોટાદ : ભાવનગર જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22o 13´ ઉ. અ. અને 71o 41´ પૂ. રે.ની આજુબાજુનો 749.14 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અગાઉના વખતમાં તે ભૂતપૂર્વ ભાવનગર રાજ્યનો મહાલ અને તેનું મથક હતું. તેની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો, પૂર્વમાં અમદાવાદ જિલ્લો, દક્ષિણે વલભીપુર અને ગઢડા તાલુકાઓ તથા પશ્ચિમે રાજકોટ જિલ્લો આવેલા છે.
બોટાદ તાલુકાનો સમગ્ર વિસ્તાર સમતળ–સપાટ છે. તે સમુદ્રથી દૂર હોઈને તેની આબોહવા વિષમ છે. અહીંનું મે માસનું ગુરુતમ તાપમાન 40oથી 44o સે. વચ્ચેનું તથા જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 21oથી 26o સે. વચ્ચેનું રહે છે; સરેરાશ વાર્ષિક વરસાદ 440 મિમી. જેટલો પડે છે. વન્ય વિસ્તાર નજીવો છે. ઉતાવળી અને ગોમા નદીઓ આ તાલુકામાંથી પસાર થાય છે.
આ તાલુકાની જમીનો મધ્યમસરની કાળી છે. ઘઉં, કપાસ, મગફળી અને મરચાં અહીંના મુખ્ય પાક છે. કૂવાઓ અને તળાવો દ્વારા તેમજ ગોમા નદી પરના બંધ દ્વારા સિંચાઈ થાય છે. પશુધનમાં અહીં ગીર ઓલાદની ગાયો અને બળદો તથા જાફરાબાદી ભેંસો જોવા મળે છે. આ ઉપરાંત થોડી સંખ્યામાં ઘેટાં-બકરાં, ઘોડાં અને ગધેડાં પણ છે. અહીંની 29 જેટલી સહકારી દૂધમંડળીઓ મારફતે સારા પ્રમાણમાં દૂધ એકત્ર કરવામાં આવે છે.
અહીંના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. તેલમિલો, જિનિંગ અને પ્રેસિંગનાં તેમજ સાબુ અને બરફનાં કારખાનાં મુખ્યત્વે બોટાદ નગર પૂરતાં મર્યાદિત છે. અહીંનાં બધાં ગામોને વીજળીનો લાભ મળે છે. તાલુકામાં અમદાવાદ, સુરેન્દ્રનગર અને ગઢડાને જોડતો મીટરગેજ રેલમાર્ગ છે અને તેના પર બોટાદ જંક્શન ઉપરાંત અન્ય ચાર રેલમથકો આવેલાં છે. તાલુકામાં 310 કિમી.ના પાકા અને 147 કિમી.ના કાચા રસ્તા આવેલા છે.
તાલુકામાં બોટાદ અને પાળિયાદ બે નગરો ઉપરાંત 51 ગામડાં આવેલાં છે.
1991 મુજબ તાલુકાની વસ્તી 1,72,155 જેટલી છે. 72,813 લોકો બે નગરોમાં અને 99,342 લોકો ગામડાંઓમાં વસે છે. 36,599 લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે, તે પૈકી 21,945 પુરુષો અને 14,654 સ્ત્રીઓ છે. તાલુકામથક બોટાદ મહત્વનું વેપારી મથક છે. અહીં 9 વાણિજ્ય બૅંકો અને 4 સહકારી બૅંકોની સગવડ છે. તાલુકામાં 27 ટપાલ-કચેરીઓ અને 8 તાર-ટપાલ-કચેરીઓની સુવિધા પણ છે. અહીં પ્રાથમિક શાળા વિનાનું એક પણ ગામ નથી. કુલ 83 પ્રાથમિક શાળાઓ, 12 માધ્યમિક શાળાઓ, 1 કૉલેજ, 50 ગ્રંથાલયો અને 5 વાચનાલયો સહિતનાં ગ્રંથાલયો આવેલાં છે.
બોટાદની નજીક વાયવ્યમાં આવેલું આ તાલુકાનું પાળિયાદ નગર 1938, 1939 અને 1963માં ભૂકંપનો ભોગ બન્યું હતું.
બોટાદ (નગર) : ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનું મથક અને નગર. તે 22o 13´ ઉ. અ. અને 71o 41´ પૂ. રે. પર ઉતાવળી નદીના કાંઠે વસેલું છે. તે જિલ્લામથક ભાવનગરથી આશરે 92 કિમી. અંતરે વાયવ્ય તરફ આવેલું છે. તાલુકામથક હોવા ઉપરાંત તે તાલુકાનું મુખ્ય ઔદ્યોગિક મથક, વાણિજ્યમથક અને શૈક્ષણિક કેન્દ્ર પણ છે. બોટાદમાં તેલમિલો, જિન અને પ્રેસ, સાબુ અને બરફનાં કારખાનાં, અનાજ દળવાની ઘંટીઓ, અનેક લાટીઓ તથા કૃષિઓજારોનું સમારકામ કરતી અનેક દુકાનો છે. બોટાદના પટારા ગુજરાતભરમાં જાણીતા બનેલા છે.
બોટાદ ભાવનગર–સુરેન્દ્રનગર મીટરગેજ પરનું રેલ જંક્શન છે. રેલમાર્ગનો એક ફાંટો ગઢડા અને બીજો ફાંટો ધંધુકા થઈને અમદાવાદ જાય છે. રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગઢડા, ધંધુકા, પાળિયાદ તેમજ સૌરાષ્ટ્રનાં મહત્વનાં ઔદ્યોગિક અને વાણિજ્યકેન્દ્રો સાથે તે એસ.ટી. બસસેવા દ્વારા જોડાયેલું છે. બોટાદ શહેરમાં 11 કિમી.ના પાકા અને 35 કિમી.ના કાચા રસ્તાઓ છે. આજુબાજુનાં 50થી વધુ ગામોમાંથી કપાસ, મગફળી અને અનાજ અહીંના માર્કેટયાર્ડમાં આવે છે અને રૂની અમદાવાદ ખાતે નિકાસ થાય છે. લોકો તેમજ વેપારીઓની અનુકૂળતા માટે અહીં 6 વાણિજ્ય અને 2 સહકારી બૅંકોની સગવડ છે. બોટાદમાં 1 વિનયન-વાણિજ્ય કૉલેજ, 2 માધ્યમિક શાળાઓ, 9 પ્રાથમિક શાળાઓ, 2 બાલમંદિરો, તાલુકા-પુસ્તકાલય તેમજ શિવગંગા સંગીતશાળા આવેલાં છે. કુટુંબભાવના તથા ગૃહમાંગલ્યના અનન્ય ગાયક તથા માતૃસ્તોત્રના રચયિતા દામોદર ખુશાલદાસ બોટાદના વતની હતા અને ‘કવિ બોટાદકર’ નામે જાણીતા થયા હતા.
બોટાદમાં સંત મસ્તરામની સમાધિ, કૃષ્ણસાગર તળાવ, સાતહથ્થા હનુમાન, શૈવ, વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો, જૂની મસ્જિદ, પીર હમીદખાનની બિસ્માર દરગાહ વગેરે જોવાલાયક સ્થળો છે.
ધ્રાંગધ્રા દેશી રાજ્યના કોઢગામના જંગલ-તાલુકદારે આ બોટાદ વસાવ્યું હતું. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સત્તા નબળી પડતાં બોટાદ ખાચર શાખાના કાઠીઓના કબજામાં આવ્યું હતું. અઢારમી સદીના અંતમાં ભાવનગર દરબાર વખતસિંહે કાઠીઓને હરાવીને બોટાદ કબજે કર્યું હતું. રેલમાર્ગના વિકાસથી બોટાદ પણ વિકસ્યું છે.
શિવપ્રસાદ રાજગોર