બૉગ લોહખનિજ (bog-iron ore) : જલયુક્ત લોહધાતુખનિજ અથવા લિમોનાઇટનો મૃદુ છિદ્રાળુ પ્રકાર. પ્રાપ્તિસ્થિતિની ર્દષ્ટિએ તે મોટેભાગે પંકસરોવરો કે ખાડાઓમાં રેતીવાળી સપાટી પર પડ સ્વરૂપે કે નરમ ગઠ્ઠાને સ્વરૂપે જમાવટ પામેલો જોવા મળે છે. તેની સાથે મૅંગેનીઝ ધાતુખનિજોનાં પડ અને ચૂનાયુક્ત દ્રવ્ય પણ રહેલાં હોય છે. આ પ્રકારના નિક્ષેપોમાં શુદ્ધ લોહપ્રમાણ ઘણું જ ઓછું હોય છે, તેથી તેમનું આર્થિક મહત્વ પણ ઓછું અંકાય છે; કારણ કે તેની સાથે ફૉસ્ફરસ અને ગંધકની માત્રા પણ ભળેલી હોય છે.

સામાન્ય રીતે જળમાં ઓછાવત્તા પ્રમાણમાં લોહના ક્ષારો પણ રહેલા હોય છે. અનુકૂળ સંજોગો હેઠળ આ લોહક્ષારો ઑક્સાઇડ, હાઇડ્રૉક્સાઇડ, કાર્બોનેટ કે સિલિકેટ સ્વરૂપે જમાવટ પામતા હોય છે. કાર્બોનેટ ડાયૉક્સાઇડ નીકળી જવાથી બાયકાર્બોનેટનું લોહ કાર્બોનેટમાં રૂપાંતર થાય છે. આ ક્ષાર હવાના સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ઑક્સીભૂત થતો જાય છે. ઝરા-ઝરણાંનાં કે સરોવરોનાં પાણીમાં આ ક્ષાર હોય તો લોહ-હાઇડ્રૉક્સાઇડની પાતળી પોપડી બનતી રહે છે, જે તળ ઉપર અથવા કિનારા તરફ તરતી રહીને પહોંચે છે અને જમાવટ પામે છે. પરિણામે મૃદુ, કોષમય, છિદ્રાળુ લોહનિક્ષેપ બને છે. તેને બૉગ લોહનિક્ષેપ કહે છે.

સૂક્ષ્મ જીવાણુઓ જળમાં રહેલા લોહયુક્ત દ્રવ્યનો અવક્ષેપ તૈયાર કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. તૈયાર થતો જતો અવક્ષેપ કણિકાને સ્વરૂપે અરસપરસ ગૂંથાતો રહી રાસાયણિક અવક્ષેપ સાથે ભળતો રહે છે; તેથી રાસાયણિક અને જૈવિક અવક્ષેપો ઉત્પત્તિની ર્દષ્ટિએ અલગ પાડવાનું મુશ્કેલ બની રહે છે.

ફેરિક ઑક્સાઇડ અને ફેરસ સલ્ફાઇડ લીલ અને બૅક્ટેરિયા જેવા અમુક નિમ્ન કક્ષાના જીવાણુઓ દ્વારા અવક્ષેપિત થતા રહે છે. આમ જીવરાસાયણિક પ્રક્રિયા દ્વારા આ પ્રકારનો નિક્ષેપ બને છે. ઉપર જણાવ્યા પ્રમાણે ક્ષારવાળા જળમાંથી લોહકણો શોષવાની ક્ષમતા લીલમાં હોય છે, જે શોષીને તેમના કોષોની આજુબાજુ પડ તૈયાર કરે છે; તેથી તે છિદ્રાળુ લક્ષણ ધરાવે છે. આ રીતે અવક્ષેપની ક્રિયા દ્વારા લોહકણોની એકત્ર થવાની ક્રિયાથી જે જમાવટ તૈયાર થાય છે તેને લોહપંકનિક્ષેપ કહેવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા