બોખારી, અહમદશાહ
January, 2000
બોખારી, અહમદશાહ : ઑલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ મહાનિયામક, (1943). અહમદશાહ બોખારી અને એમના ભાઈ ઝુલ્ફિકાર અલી બોખારી અવિભક્ત હિંદની પ્રસારણસેવાનાં પ્રારંભનાં વર્ષોના સફળ વહીવટકર્તા તરીકે પંકાયેલા છે. એ બંને બંધુઓ ઑલ ઇન્ડિયા રેડિયોના બ્રિટિશ બ્રૉડ્કાસ્ટિંગ કૉર્પોરેશન–બી.બી.સી.–થી આવેલા સફળ નિયામક લિયોનેલ ફિલ્ડેનના સાથી હતા. અહમદશાહ પહેલાં લાહોરમાં સરકારી કૉલેજમાં અંગ્રેજી ભણાવતા અને નાટકો કરતા. 1936માં એમને પ્રસારણ ઉપનિયામક તરીકે ફિલ્ડેનના સહાયક તરીકે નીમવામાં આવ્યા. એ વખતે ઝુલ્ફિકાર અલી બોખારી ઑલ ઇન્ડિયા રેડિયોના દિલ્હી કેન્દ્રના નિયામક હતા. 1938માં કૉંગ્રેસ પક્ષે નીમેલી જવાહરલાલ નહેરુ પ્રસારણસમિતિની એક પેટાસમિતિમાં અહમદશાહ બોખારી સભ્ય પણ હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીફ બ્રૉડ્કાસ્ટિંગ સેન્સર તરીકે અહમદશાહ બોખારીએ જવાબદારી સંભાળી અને એ દરમિયાન વિદેશી પ્રચાર સામે બ્રિટિશ કામગીરીનો બચાવ કરવામાં સફળ રહ્યા. બોખારી બંધુઓ પ્રસારણ માટે યોગ્ય કલાકારને પારખવામાં કુશળ હતા. વિવિધ ભાષાઓ માટે સારાસારા કલાકારોને ઑલ ઇન્ડિયા રેડિયોમાં લઈ આવી એમને પ્રસારણનું પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરી હતી. અહમદશાહ બોખારીએ નવોદિત પ્રસારકો માટે એક તાલીમ માર્ગદર્શિકા પણ લખી હતી. દેશના સ્વાતંત્ર્ય પછી તેઓ પાકિસ્તાન રેડિયોમાં જોડાયા, પરંતુ ત્યાં સુધીમાં એમના શિષ્યો ઑલ ઇન્ડિયા રેડિયોમાં પ્રસારણકલામાં ખૂબ માહિર થઈ ગયા હતા. માત્ર વહીવટકર્તા જ નહિ, પરંતુ નાટક, સંગીત, દસ્તાવેજી રૂપક, આંખે દેખ્યો અહેવાલ (running commentary), વાર્તાલાપ, મુલાકાતો નાટ્ય-શ્રેણીઓ વગેરે સર્વ કાર્યક્રમ-પ્રકારોના પ્રારંભના વિકાસમાં ઝુલ્ફિકાર અને અહમદશાહ બોખારીએ મહત્વનો ફાળો આપ્યો.
હસમુખ બારાડી