બૉક્સિંગ : એક પ્રકારની મુષ્ટિયુદ્ધની રમત. કદાચ તે સૌથી જૂની રમત છે. ઇતિહાસ બતાવે છે કે માનવ દુનિયામાં આવ્યો ત્યારથી આ રમત રમાય છે. મુષ્ટિયુદ્ધ દ્વારા પશુઓ અને દુશ્મનો સામે માનવ રક્ષણ મેળવતો હતો. 4,000 વર્ષ પહેલાં મિસરના સૈનિકો તેમાં નિપુણ હતા તે બાબત પ્રાચીન ચિત્રો પરથી જાણવા મળે છે. મિસરના લોકો પાસેથી આ કળા યુનાન શીખ્યું. યુનાનના પ્રાચીન ઓલિમ્પિક ઉત્સવમાં પણ બૉક્સિંગની હરીફાઈઓ થતી હતી. 20મા પ્રાચીન ઓલિમ્પિક ઉત્સવમાં બૉક્સિંગની હરીફાઈ શરૂ થયેલી. આ જમાનામાં બૉક્સરો જે ગ્લવનો ઉપયોગ કરતા તેમાં અણીદાર નાની નાની ખીલીઓ લગાડવામાં આવતી; જેને લીધે ઘણી વાર બૉક્સરો મૃત્યુ પણ પામતા હતા.

ત્યારપછી બૉક્સિંગના ગ્લવમાં ફેરફાર કરી ચામડા કે કૅન્વાસના ગ્લવ ઉપયોગમાં લેવાયા. પહેલાંના સમયમાં આ રમતમાં રાઉન્ડની પ્રથા ન હતી કે વજન અનુસારનું વર્ગીકરણ પણ ન હતું. ત્યારે તો જ્યાં સુધી બંને બૉક્સરો થાકે નહિ કે એક હાર ન માને ત્યાં સુધી સ્પર્ધા ચાલુ રહેતી હતી.

ઓલિમ્પિક સ્પર્ધામાં બૉક્સિંગને લગતા નિયમો સૌપ્રથમ ઓનોમાસ્તસે બનાવ્યા; પરંતુ એ નિયમો એવા જટિલ હતા કે ઘણી વાર બૉક્સરોનાં મૃત્યુ પણ થતાં હતાં. તેથી ઈ. સ. 394 પહેલાં રોમન સમ્રાટ થિયૉદૉસિયસે આ સ્પર્ધા બંધ કરી દીધી.

અત્યારે રમાતી બૉક્સિંગ રમતનો વિશ્વમાં ફેલાવો કરવાનું કામ આધુનિક ઓલિમ્પિકે કર્યું. 1904માં રમાયેલ ઓલિમ્પિકમાં સૌપ્રથમ અધિકૃત રીતે બૉક્સિગંની સ્પર્ધા યોજવામાં આવી અને વજનની કક્ષા પ્રમાણે ખેલાડીઓના દશ વર્ગો પાડવામાં આવ્યા. અત્યારે વિશ્વ-કક્ષાએ આ રમતનું સંચાલન આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ફેડરેશન કરે છે.

પરસ્પરને હંફાવવા મથી રહેલા બૉક્સિંગના  રમતવીરો

આ રમતમાં ભારતના અગ્રણી બૉક્સરોમાં ધર્મેન્દ્રસિંગ યાદવ, કોર સિંગ, સાંગવાન, ઝોરમ થાન્ગા, રાજકુમાર, બીરજુ શાહ અને વેંકટેશ દેવરાજન હરિસિંગનો સમાવેશ થાય છે.

નવીનચંદ્ર જાદવભાઈ ચનિયારા