બોકાચિયો, જિયોવાની
January, 2000
બોકાચિયો, જિયોવાની (જ. 1313, પૅરિસ; અ. 21 ડિસેમ્બર 1375, સરટાલ્ડો, ટસ્કની, ઇટાલી) : માનવતાવાદી ઇટાલિયન સાહિત્યકાર. નવલકથાના મૂળ સ્વરૂપ ‘નૉવેલા’ અને પ્રાચીન મહાકાવ્યને ઘરગથ્થુ ભાષામાં પ્રયોજનાર ઇટાલીના પ્રથમ લેખક. ફ્લૉરેન્સના એક વેપારીના અનૌરસ પુત્ર. માતા ભદ્ર કુટુંબનાં ફ્રેન્ચ સન્નારી. ઉછેર ફ્લૉરેન્સમાં. કિશોરવયે અભ્યાસ માટે નેપલ્સમાં રહ્યા. હિસાબને બદલે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના અભ્યાસમાં વિશેષ રુચિ. શિષ્ટ અને વૈજ્ઞાનિક વિષયોનું સાંગોપાંગ વાચન. નેપલ્સના રાજા રૉબર્ટ દ’ આન્યુના દરબારમાં સક્રિય. કહેવાય છે કે રાજાની પુત્રી મારિયા દ કોન્તિ દ’ ઍક્વિનોના ગળાબૂડ પ્રેમમાંથી તેમને સાહિત્યસર્જનની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. તેમનાં લખાણોમાં અમર થયેલ ફિયામ્મેત્તા તે જ મારિયા.
1340ના અરસામાં બોકાચિયો ફ્લૉરેન્સની નગર-સરકારમાં મુત્સદ્દી તરીકે ફરજો બજાવતા હતા. ઇટાલીના વિખ્યાત કવિ પેટ્રાર્કના તેઓ પરમ મિત્ર હતા. જીવનના ઉત્તરાર્ધમાં ધર્મચિંતક દાન્તે વ્યાખ્યાનશ્રેણીના વ્યાખ્યાતા. માંદગી અને પછી અવસાનને લીધે એમની એ શ્રેણી અધૂરી રહેલી.
તેમની સુદીર્ધ કાવ્યરચનાઓ, નવલકથાઓ, રૂપકકથા, દાન્તેનું જીવન અને વિવેચન તેમજ લૅટિન લખાણો નોંધપાત્ર છે. ‘ઇલ ફિલોકૉલો’ (આશરે 1336) ગદ્યમાં લખાયેલી પ્રેમશૌર્યકથા છે. ‘લામૉરૉઝા-ફિયામ્મેત્તા’ (ઍમોરસ ફિયામ્મેત્તા – 1343–44) પ્રેમની નિષ્ફળતાનું વૃત્તાંત છે. ‘ઇલ કૉર્બેશિયો’ (ધી ઓલ્ડ ક્રો, આશરે 1354) આ પ્રકારનું ગદ્યલખાણ છે. ‘ઇલફિલોસ્ત્રેતો’ (આશરે 1338) અને ‘તેઝીડ’ (1340–41) ઑટાવા રીમા છંદમાં રચાયેલાં કાવ્યો છે. ચૉસરના ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રિસીડ’ કાવ્યની મૂળ પ્રેરણા ‘ફિલોસ્ત્રેતો’માં છે. આમાંની લગભગ 2,700 જેટલી પંક્તિઓનો સીધો અનુવાદ ચૉસરે તેના કાવ્યમાં પ્રયોજ્યો છે. ચૉસરને તેની ‘નાઇટ્સ ટેલ’ની પ્રેરણા ‘તેઝીડ’માંથી મળી છે. ‘ઍમોરસ ફિયામ્મેત્તા’ તેના સર્જકનું આત્મવૃત્તાંત છે.
બોકાચિયોની વિદ્વત્તાનો પરિચય કરાવનાર પુસ્તકોમાં ‘લાઇફ ઑવ્ દાન્તે’ અને દાન્તે ઉપરનું વિવેચન કરતું ‘કમેન્તો અલા ડિવિના કૉમેડિયા’ છે. આ ઉપરાંત તેમણે લૅટિન ભાષામાં ‘દ કેસિબસ વાયરોરમ ઇલસ્ટ્રિબસ’ (ધ લાઇવ્ઝ ઑવ્ ગ્રેટ મેન), ‘દ ક્લેરિસ મુલીઅરીબસ’ (એબાઉટ ફેમસ વિમેન), ‘દ જિનિયાલોજિયા ડેકોરમ જેન્ટિલિયમ’ (ધ જિનિયૉલોજી ઑવ્ ધ જેન્ટાઇલ ગૉડ્ઝ) અને ‘દ મોન્ટિબસ, સિલ્વિસ, લેસિબસ એટસેટરા’ (ધ બુક ઑવ્ રિવર્સ ઍન્ડ લેક્સ)માં દંતકથાઓ અને હકીકતોનો સંગ્રહ કર્યો છે.
બોકાચિયોનું સર્વશ્રેષ્ઠ સર્જન ‘ઇલ ડિકૅમરોન’ (1348–1353) (ટેન ડેય્ઝ વર્ક – અનુ., 1620) છે. તેમાં વિનોદી, અતિઉત્સાહી 100 વાર્તાઓને આધારભૂત માળખામાં વણવામાં આવી છે. સાત સન્નારીઓ અને ત્રણ સજ્જનોનું પૈસેટકે સુખી એવું મિત્રવૃંદ પ્લેગનો રોગચાળો થતાં ફ્લૉરેન્સમાંથી દૂર ખુલ્લી હવામાં આવેલા કોઈ આલીશાન નિવાસસ્થાનમાં સ્થળાંતર કરે છે. ત્યાં દસ દિવસ માટે એકમેકને મિજબાની આપવાનું આયોજન થયું છે. સાથે-સાથે પ્રત્યેક મિત્રને વારાફરતી વાર્તા કહેવાનું નિમંત્રણ અપાયું છે. પ્રત્યેક દિવસે વાર્તાકથનને અંતે ગીત (canzone) ગવાય છે. બોકાચિયોનાં કેટલાંક શ્રેષ્ઠ ઊર્મિકાવ્યો તરીકે આ ગીતોની ગણના થાય છે. સો વાર્તાઓ દસ દિવસમાં પૂરી થતાં સૌ નગરમાં પરત થાય છે. ઇટાલીના પ્રબુદ્ધકાળનું એ સૌપ્રથમ ગદ્યલખાણ છે. એકમેકથી ભિન્ન વાર્તાઓ, કરુણરસસભર અને વચ્ચે વચ્ચે ર્દષ્ટિગોચર થતો હાસ્યરસ અને તે બધીની ફૂલગૂંથણીનો કસબ અને પાત્રાલેખનની કળા, બોકાચિયોનું ફ્રેન્ચ, ગ્રીક, લૅટિન ભાષાઓનું જ્ઞાન તથા લોકસાહિત્ય અને સમકાલીન ઇટાલિયન સમાજનું વાસ્તવિક દર્શન વગેરેને લીધે તેના ‘ડિકૅમરોન’ને જગતસાહિત્યમાં શિષ્ટ સ્થાન મળ્યું છે.
બોકાચિયોનો પ્રભાવ ચૉસર, શેક્સપિયર, ડ્રાયડન, કીટ્સ, લૉન્ગફેલો અને ટેનિસન પર છે.
મોહન વ. મેઘાણી
વિ. પ્ર. ત્રિવેદી