બોકારો : બિહાર રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 23° 51´ ઉ. અ. અને 86° 02´ પૂ. રે. આજુબાજુનો 3,342.6 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બિહાર રાજ્યના છોટાનાગપુર ઉપવિભાગમાં આવેલો છે. તેની ઉત્તરે હઝારીબાગ, ગિરિદિહ અને ધનબાદ જિલ્લા; ઈશાન અને પૂર્વ તરફ ધનબાદ અને પુરુલિયા (પ. બં.) જિલ્લા; દક્ષિણે પુરુલિયા અને હઝારીબાગ જિલ્લા તથા પશ્ચિમે પણ હઝારીબાગ જિલ્લાની સરહદો આવેલી છે. જિલ્લાનું નામ બોકારો શહેર પરથી અપાયેલું છે.

બોકારો

પ્રાકૃતિક રચના : આ જિલ્લો અનિયમિત લંબચોરસ આકારનો છે, તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ઉત્તર-દક્ષિણ લંબાઈ કરતાં વધુ છે. તે મુખ્ય ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચાયેલો છે : (1) ઉત્તર અને વાયવ્યનો પહાડી પ્રદેશ, (2) કોલસાની ખાણો ધરાવતો ઊંચાણવાળો પ્રદેશ અને ઔદ્યોગિક વિસ્તાર, (3) દામોદર નદીથી દક્ષિણ તરફનો ઊંચાણવાળો પ્રદેશ અને મેદાની વિસ્તાર. મેદાની વિભાગ સમતળ છે, બોકારો પોલાદ-ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો અહીં વિકસ્યા છે.

ઉત્તરમાં પારસનાથ ટેકરીની શાખા તોપચાંચી વિભાગમાંથી તેમજ ધનબાદ જિલ્લાના ટુંડી વિભાગમાંથી પસાર થાય છે. જિલ્લાનો કેટલોક દક્ષિણ વિભાગ અસમતળ ભૂમિભાગવાળો છે. અહીંનો સામાન્ય ભૂમિ-ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. જિલ્લામાં ઉત્તર તરફ હઝારીબાગ અને ગિરિદિહ જિલ્લાઓની સરહદ નજીક જંગલવિસ્તાર છે, તેમાં સાલ, સીસમ, શિરીષ, પલાશ, મહુડો, જાંબુડો, સિમલ અને વાંસનાં વૃક્ષો જોવા મળે છે.

બોકારો ખાતેનો સ્ટીલ પ્લાન્ટ

જળપરિવાહ : દામોદર આ જિલ્લાની મુખ્ય નદી છે. તે પાલામૂ જિલ્લામાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહે છે. તેને બોકારો, કોનાર અને બારાકાર નદીઓ મળે છે. બોકારો અને હઝારીબાગ જિલ્લાની પશ્ચિમ સરહદ પર જમુરિયા નદી વહે છે. જમુરિયા અને દામોદર નદીઓનો સંગમ થયા પછીથી તે પ્રવાહ આગળ વધતાં તે દામોદર નદી તરીકે ઓળખાય છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : ડાંગર આ જિલ્લાનો મુખ્ય પાક છે; તેમ છતાં ઘઉં, શેરડી અને તેલીબિયાંનું વાવેતર પણ થાય છે. નદીઓ પર પહાડી પ્રદેશોમાં બંધ બાંધેલો છે, વરસાદનું પાણી જળસંચય-સ્થાનોમાં ભરી રાખવામાં આવે છે. બંધનાં જળાશયો તેમજ અન્ય તળાવોમાંથી નહેરો દ્વારા ખેતરોની સિંચાઈ થાય છે. અહીં ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર અને મરઘાંનો ઉછેર થાય છે. પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. જિલ્લાકક્ષાએ પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો તથા ઢોર-કલ્યાણ-કેન્દ્રોની સગવડો ઊભી કરવામાં આવેલી છે.

ઉદ્યોગ-વેપાર : ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગક્ષેત્રે બોકારો મહત્વનું સ્થાન ધરાવે છે. વળી BASF India Ltd. તથા મૅકનલ્લી ભારત એંજિનિયરિંગ કું. લિમિટેડ પણ અહીંના અગત્યના ઉદ્યોગો છે. અહીં થરમોકોલ, ચામડાં અને તેની સંલગ્ન ચીજવસ્તુઓ, કોલસો, લોખંડ-પોલાદ તેમજ સંબંધિત લોહપેદાશો, લાકડાનું રાચરચીલું વગેરેનું ઉત્પાદન લેવાય છે તથા તેની નિકાસ કરવામાં આવે છે; જ્યારે ખાદ્યાન્ન, ખાદ્યતેલ, દવાઓ, કઠોળ, ચોખા, ઘઉં, શાકભાજી અને પેટ્રોલની આયાત થાય છે.

પરિવહન : આ જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગો સારી રીતે વિકસેલા છે. ગ્રાન્ડ ટ્રંક રોડ અહીંથી પસાર થાય છે. ગોવિંદપુર–ચાસ–જમશેદપુર માર્ગ, રઘુનાથપુર–ચંદનકિયારી–ચાસ માર્ગ અને પથરદિહ–ચંદનકિયારી-બારામારિયા માર્ગ આ જિલ્લામાં થઈને પસાર થતા મુખ્ય માર્ગો છે. આ જિલ્લામાંથી પૂર્વીય રેલવિભાગનો ગ્રાન્ડ કૉર્ડ રેલમાર્ગ પસાર થાય છે.

પ્રવાસન : બાબુડી, બન્સા, થિંજિપહાડી અને તોપચાંચી અહીંનાં અગત્યનાં પ્રવાસમથકો છે. બાબુડી ખાતે 2 મીટર જાડી દીવાલોવાળો અને 3 મીટર વ્યાસવાળો 22 મીટર ઊંચો એક જૂનો ટાવર આવેલો છે. બન્સા ખાતે પથ્થરની દીવાલોવાળું 200 વર્ષ જૂનું સતીસ્થાન આવેલું છે. થિંજિપહાડી ગામમાં મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. તોપચાંચી ગામ ગ્રાન્ડ ટ્રંક માર્ગ પર આવેલું છે, પારસનાથ ટેકરી અહીં નજીકમાં જ છે. તોપચાંચી જળસંચયસ્થાન 214 એકર વિસ્તારમાં પથરાયેલું છે. તે અહીંનું ઘણું જાણીતું ઉજાણીસ્થાનક ગણાય છે. કાર્તિકી પૂર્ણિમા, મકરસંક્રાંતિ, વસંતપંચમી, દશેરા અને દિવાળીના તહેવારો નિમિત્તે અહીં મેળા ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી કુલ 14,47,870 જેટલી છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન તેમજ અન્યધર્મી લોકો વસે છે. જિલ્લાનાં લગભગ બધાં જ નગરોમાં તેમજ મોટાભાગનાં ગામડાંઓમાં પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણની પૂરતી સુવિધા છે. બોકારોમાં ઉચ્ચશિક્ષણની ત્રણ કૉલેજો/સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત જિલ્લાનાં બધાં જ નગરોમાં તબીબી સગવડો ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બોકારો ઉપવિભાગમાં અને ચાર સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. બોકારો શહેરની વસ્તી એક લાખથી વધુ છે, બોકારો પોલાદનગરની વસ્તી 4,15,686 જેટલી છે, જ્યારે ચાસ, ગોમોહ, અમલાબાદ, ભોજુદિહ એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.

ઇતિહાસ : જિલ્લા પુનર્રચના દરમિયાન મૂળ ધનબાદ જિલ્લાનું વિભાજન કરીને ધનબાદ અને બોકારો જિલ્લાઓની રચના કરવામાં આવેલી હોવાથી આ જિલ્લાનો ઇતિહાસ ધનબાદ જિલ્લાના ઇતિહાસ સાથે પણ સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા