બૉહમ બેવર્ક, યુજીન વૉન

January, 2001

બૉહમ બેવર્ક, યુજીન વૉન (જ. 2 ડિસેમ્બર 1851, વિયેના–ઑસ્ટ્રિયા; અ. 18 જુલાઈ 1914, વિયેના) : ઑસ્ટ્રિયન વિચારસરણીના નામથી ઓળખાતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખાના સૌથી વધુ જાણીતા બનેલા અર્થવિદ્. વિયેના યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જર્મનીની લાઇપઝિગ તથા જેના યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રનું અધ્યયન કર્યું. ત્યારપછી થોડાક સમય માટે ઇન્સબ્રુક યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું તથા દેશની મુલકી સેવાઓમાં નોકરી કરી. ત્યારબાદ ઑસ્ટ્રિયાની સરકારમાં નાણાખાતાના મંત્રી બન્યા, જ્યાં નવ વર્ષ સુધી સેવાઓ આપી (1895–1904). ઑસ્ટ્રિયન વિચારસરણી સાથે સંકળાયેલ બીજા જાણીતા અર્થશાસ્ત્રી ફ્રેડરિક વૉન વાઇઝર (1851–1926) વિયેના યુનિવર્સિટીમાંથી પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ 1904માં તે પદ પર બૉહમ બેવર્કની નિમણૂક થઈ, જ્યાં તેમણે અવસાન સુધી અધ્યાપનકાર્ય કર્યું (1909–1914). વ્યાજ અને મૂલ્યનિર્ધારણ અંગે તેમણે કરેલું વિશ્લેષણ તે પછીના તે અંગેના સિદ્ધાંતોની તારવણી માટે પાયારૂપ નીવડ્યું. હાયેક, હિક્સ, માઇઝેસ અને વિક્સેલ જેવા જાણીતા અર્થશાસ્ત્રીઓએ બૉહમ બેવર્કના વ્યાજના સિદ્ધાંતનો આધાર લઈ તેમના પછી વ્યાપારચક્રનો સિદ્ધાંત તારવ્યો હતો.

યુજીન વૉન બૉહમ બેવર્ક

વ્યાજના નિર્ધારણના ક્ષેત્રમાં મહત્વનું વિશ્લેષણાત્મક યોગદાન આપનાર બૉહમ બેવર્કે મૂડીનો માલિક મૂડીના ઉપયોગના બદલામાં તેમાંથી કાયમી સ્વરૂપની ચોખ્ખી આવક કેમ મેળવી શકતો હોય છે તેવા કોયડાના ઉકેલ રૂપે સાબિત કરી આપ્યું હતું કે જ્યારે જ્યારે ઉત્પાદનની પરોક્ષ પદ્ધતિ (roundabout method of production) દ્વારા મૂડીસાધનોનો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ત્યારે તે પ્રકારની ઉત્પાદનપ્રવૃત્તિમાં રોકાયેલી મૂડીના મૂળ કદના પ્રમાણમાં તેના માલિક પાસે અમુક અંશે અધિશેષ (surplus) ભેગો થતો જાય છે. બૉહમ બેવર્કના મત મુજબ આમ થવાનું કારણ એ છે કે ઉત્પાદનની પરોક્ષ પ્રક્રિયામાં મૂડીનો ઉપયોગ કરવાથી તેને લીધે ઉત્પન્ન થયેલ ચીજવસ્તુઓના જથ્થાનું મૂલ્ય તે ચીજવસ્તુઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન રોકાયેલા મૂડીમાલના મૂલ્ય કરતાં વધારે હોય છે. એટલે કે નિક્ષેપ (input) અને ઉત્પાદન (output) વચ્ચેના મૂલ્ય વચ્ચેનો તફાવત વધતો જાય છે. આ રીતે ઉદભવેલ અધિશેષમાંથી જ મૂડીના માલિકને વ્યાજરૂપી વળતર ચૂકવાતું હોય છે એવી બૉહમ બેવર્કની વિભાવના છે. બેવર્કના મત મુજબ, વ્યાજના અગાઉના કોઈ પણ સિદ્ધાંતમાં આડકતરી રીતે મૂડીનો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ થવાથી સર્જાતા અધિશેષનું વિશ્લેષણ કરવામાં આવ્યું ન હતું અને તેથી તે સિદ્ધાંતોની યથાર્થતા ઊણી ઊતરે છે.

બૉહમ બેવર્કે લખેલા ત્રણ ગ્રંથો વિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે : ‘હિસ્ટરી ઍન્ડ ક્રિટિસિઝમ ઑવ્ ઇન્ટરેસ્ટ થિયરી’ (1884), ‘આઉટલાઇન્સ ઑવ્ ધ થિયરી ઑવ કમૉડિટી વૅલ્યૂ’ (1886) અને ‘ધ પૉઝિટિવ વૅલ્યૂ ઑવ્ કૅપિટલ’ (1889).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે