બૉશ, હિરોનિમસ (જ. 1450, સેર્ટોજેન, ઉત્તર નેધરલૅન્ડ્ઝ; અ. 1516) : અરૂઢ કલ્પનો દ્વારા ગૂઢ અને બિહામણાં ભાસતાં ધાર્મિક ચિત્રો સર્જનાર ડચ ચિત્રકાર. ધાર્મિક પ્રસંગો અને કથાનકોનું રહસ્યમય નિરૂપણ કરવામાં તે પાશ્ચાત્ય કલાના ઇતિહાસમાં અજોડ છે. તેમનાં ચિત્રોમાં યોજાયેલ પ્રતીકોનો અર્થ હજી સુધી પૂરો સ્પષ્ટ થયો નથી. તેમનાં ચિત્રોમાં માનવી પર ગુજરતા ત્રાસ અને ઓથારનાં ર્દશ્યો દર્શકને બેબાકળો બનાવી શકે છે. આશરે છેલ્લાં 100 વરસથી કલાના વિવિધ ઇતિહાસકારો અને મનોવૈજ્ઞાનિકો માટે બૉશ એક રસપ્રદ કોયડો બની રહેલ છે.
તેઓ સંપત્તિવાન હતા. તેમનાં ચિત્રોની માંગ પણ ઘણી હતી. નેધરલૅન્ડ્ઝના તે વખતના રાજા હેન્રી ત્રીજા અને અન્ય ધનિકો તેમનાં ચિત્રો ખરીદતા હતા.
બૉશના જીવનકાળ દરમિયાન નેધરલૅન્ડ્ઝમાં ઇટાલીના નવજાગરણની ચેતના પ્રસરવી શરૂ થઈ ચૂકી હતી; પરંતુ આ ચેતનાને પરિણામે તેમના ઇટાલિયન સમકાલીનો લિયૉનાર્દો દ વિન્ચી, માઇકલૅન્જેલો, ટિશ્યાં અને રફાયેલ મનુષ્ય તથા પ્રકૃતિનું વૈજ્ઞાનિક નિરૂપણ કરવા અને જીવન પ્રત્યે રચનાત્મક વલણ અપનાવવા પ્રેરાયા; પરંતુ બૉશ તો ધાર્મિક માન્યતા, પરંપરા અને વિધિની સાર્થકતા તરફ શંકા ઉઠાવવા તરફ વળ્યા. ઉત્તર યુરોપમાં ચર્ચની સત્તા સામે પડકાર ઊભા થઈ રહ્યા હતા; છાપકામની શોધ થઈ ચૂકી હતી અને સાક્ષરતાના પ્રચારને કારણે જનસામાન્ય પણ તાર્કિક ર્દષ્ટિથી મુલવણી કરતો થઈ ગયો હતો. બૉશ પોતાની સમર્થ કલ્પના વડે સર્જેલ ધાર્મિક કથાનકોનાં ચિત્રો દ્વારા તત્કાલીન અંધશ્રદ્ધા ઉપર કટાક્ષ કરે છે તેવી એક સર્વવ્યાપક માન્યતા છે. બૉશનાં ચિત્રોમાં નરકનાં યાતનાસભર ર્દશ્યો તુરત જ ધ્યાન ખેંચે છે. ‘ગાર્ડન ઑવ્ અર્થલી ડિલાઇટ્સ’ અને ‘હેવન’ – એ બે બૉશની સૌથી મહત્વની ચિત્રકૃતિઓ છે. દુનિયાના ભૌતિક આનંદપ્રમોદ અને ભોગવિલાસ સામે બૉશ લાલબત્તી ધરતા હોય તેવું અહીં જણાય છે. ક્ષણભંગુર આનંદ માટે દર્દ કે શિક્ષા ભોગવવી પડે છે. આળસ, પ્રમાદ, ખાઉધરાવૃત્તિ, કામવાસનાનો અનૈતિક આનંદ, લાલચ ઇત્યાદિ પાપના કારણે ભોગવવી પડતી શિક્ષાનાં ર્દશ્યો આ બે ચિત્રોમાં છે. આ ચિત્રોમાંની ઘણી આકૃતિઓ અને ર્દશ્યોના અર્થ હજી સુધી અસ્પષ્ટ રહ્યા છે. દાખલા તરીકે, સૂતેલા નગ્ન પુરુષને ગળી રહેલો વિરાટ દેડકો; ઊંધા પડેલા પુરુષના ગુદાદ્વારમાં ખીલી ઊઠેલાં પુષ્પો, અને પાણીના પરપોટામાં કામક્રીડા કરતું યુગલ. ‘ગાર્ડન ઑવ્ અર્થલી ડિલાઇટ્સ’માં ડાબે ખૂણે ઈસુ આદમ અને ઈવને સાચે રસ્તે શાંતિપૂર્વક જીવવાનો ઉપદેશ આપી રહેલ જણાય છે.
વીસમી સદીમાં માનસચિકિત્સકો અને પરાવાસ્તવવાદી લેખકો-ચિત્રકારો માટે બૉશ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. તેઓ જનસમાજના પણ પ્રિય કલાકાર રહ્યા છે.
અમિતાભ મડિયા