બૉલ, લ્યૂસિલી (જ. 1911, સેલારૉન, ન્યૂયૉર્ક; અ. 1989) : વિખ્યાત હાસ્ય-અભિનેત્રી. શૈશવકાળથી જ તેમણે શોખ રૂપે અભિનય કરવા માંડ્યો હતો. ત્યારપછી તેમણે મૉડલ તરીકે અને સમૂહ ગાયકવૃંદમાં કામગીરી બજાવી.
ત્યારબાદ તેઓ હોલિવુડ ગયાં. ઉત્સાહથી થનગનતી આ યુવાપ્રતિભા, તેમના લાક્ષણિક કંઠની સાથોસાથ નિર્દોષ હાવભાવ કરી શકતાં. 1951માં તેમણે ટેલિવિઝનમાં કામ કરવાનો આરંભ કર્યો અને ‘આઇ લવ લ્યૂસી’ (1951થી 1955), ‘ધ લ્યૂસી–શો’ (1962થી 1968) અને ‘હિયર ઇઝ લ્યૂસી’ (1968થી 1973) જેવી કૌટુંબિક જીવનની કૉમેડીમાં અભિનય આપીને સૌ દર્શકોનાં પ્રીતિપાત્ર બની રહ્યાં. પછી તેમણે પોતાનો આગવો સ્ટુડિયો પણ ખરીદ્યો અને નિર્માતા તથા સંચાલક તરીકે પણ સફળ નીવડ્યાં. પ્રસંગોપાત્ત તેઓ ‘ધ ફેક્ટ્સ ઑવ્ લાઇફ’ (1960) અને ‘યૉર્સ, માઇમ ઍન્ડ અવર્સ’ (1968) જેવાં લોકભોગ્ય કૉમેડી-ચિત્રોમાં પણ અભિનય કરતાં રહ્યાં.
મહેશ ચોકસી