બૉર્નિયો : પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલા સુંદા ટાપુઓ પૈકીનો એક ટાપુ. મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં વહેંચાયેલ ટાપુ તરીકે પણ તે અદ્વિતીય છે. ભૌગોલિક સ્થાન : તે 00° 30´ (વિષુવવૃત્ત) અને 114° 00´ પૂ. રે.ની આજુબાજુનો સબાહ, સારાવાક, બ્રુનેઈ અને કાલીમાન્તાન(બૉર્નિયો)ના મોટાભાગનો સમાવેશ કરતો આશરે 7,54,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ગ્રીનલૅન્ડ અને ન્યૂ ગિનીના ટાપુઓને બાદ કરતાં દુનિયાભરમાં તે ત્રીજા ક્રમે આવતો મોટો ટાપુ છે. તે ઈસ્ટ ઇન્ડીઝમાં સિંગાપુરની પૂર્વમાં આશરે 640 કિમી.ને અંતરે આવેલો છે. તેનો આશરે 75 % ભાગ ઇન્ડોનેશિયન પ્રજાસત્તાકથી અને આશરે 25 % ભાગ બ્રુનેઈ તેમજ મલેશિયાના ભાગથી બનેલો છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : બૉર્નિયો મુખ્યત્વે પહાડી અને ગીચ જંગલોવાળો પ્રદેશ છે. અહીં અન્યોન્ય જોડાયેલી બે પર્વતમાળાઓ બૉર્નિયોને વીંધીને પસાર થાય છે. મધ્યમાં કાપુઆસ અને દક્ષિણ તરફ શ્વાનેર હારમાળા છે. 4,094 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ કિનાબાલુ અહીંનું સર્વોચ્ચ શિખર છે. દરિયાકાંઠા નજીકનો મોટો વિસ્તાર કળણોથી છવાયેલો છે. ભરતીજન્ય કાંપકાદવને કારણે ઘણી નદીઓ દરિયાને મળતાં અગાઉ અવરોધાય છે. એ જ સ્થિતિ બંદરોની પણ થાય છે. ઉત્તર કિનારા પર આવેલું ‘બ્રુનેઈ બે’ નામનું બંદર અહીંનું શ્રેષ્ઠ બારું બની રહેલું છે. તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહત્વના જાપાની નૌકામથક તરીકે ઉપયોગમાં લેવાયેલું. અહીંની મુખ્ય નદીઓમાં સારાવાકની રાજાંગ નદી, પશ્ચિમ ઇન્ડોનેશિયન બૉર્નિયોમાંની કાપુઆસ નદી, દક્ષિણમાં બારિતો નદી તથા પૂર્વ તરફ મહાકામ નદીનો સમાવેશ થાય છે. છીછરા જળમાં ઓછો ભાર વહન કરતી નૌકાઓ આ નદીઓમાં તેમના મુખથી અંદરના ભૂમિભાગ તરફ લગભગ 160 કિમી.ના અંતર સુધી હેરફેર કરી શકે છે. પર્વતપ્રદેશોમાં ઘણા ધોધ પણ આવેલા છે. પર્વતોની આજુબાજુના ઘણા ભાગો ટેકરાળ ઉચ્ચપ્રદેશોથી વીંટળાયેલા છે, પરંતુ તે બધા દરિયાઈ નજીક નીચાણવાળા બની રહેલા છે.
બૉર્નિયોની આબોહવા અયનવૃત્તીય મોસમી પ્રકારની છે. અહીં વર્ષાઋતુ નવેમ્બરથી એપ્રિલ સુધીની ગણાય છે, વરસાદનું પ્રમાણ 2,500 મિમી.થી 5,330 મિમી. સુધીનું રહે છે, પરંતુ તેની સરેરાશ આશરે 3,050 મિમી.ની ગણાય છે. વર્ષ દરમિયાન ઋતુભેદે તાપમાન 21°થી 35° સે.ના ગાળાનું રહે છે, જેની સરેરાશ 27°ની ગણાય છે.
સંપત્તિ : દુનિયાના કેટલાક સમૃદ્ધ તેલભંડારો પૈકી બૉર્નિયોની પણ ગણના થાય છે. અહીંના ઘણા ભાગોમાં હીરાની ખોજ પણ કરવામાં આવેલી છે. ઇન્ડોનેશિયાના વાસીઓ બૉર્નિયોને કાલીમાન્તાન (હીરાની નદી) તરીકે ઓળખાવે છે. જોકે અહીંના હીરાઓમાં પીળી ઝાંય જોવા મળે છે, તેથી તે આફ્રિકી હીરાની અપેક્ષાએ ઓછા મૂલ્યવાન ગણાય છે. આ ઉપરાંત અહીં તાંબું, સોનું, કલાઈ, લોહ અને મૅંગેનીઝ પણ મળી આવે છે. ગીચ જંગલોમાંથી 50 કરતાં વધુ જાતનાં લાકડાં મળે છે. આ જંગલપેદાશો પૈકી સાગનું લાકડું અતિ મૂલ્યવાન ગણાય છે. બૅન્ઝોઇન, કપૂર, રેટન અને કાથો તેમજ ગુંદર સમકક્ષ મૅંગ્રોવની છાલપેદાશ (જે ચામડું કમાવવાના ઉપયોગમાં લેવાય છે તે) અહીંનાં જંગલોમાંથી એકઠી કરવામાં આવે છે. આ ટાપુનો પશ્ચિમ કંઠારપ્રદેશ ઇન્ડોનેશિયાની આશરે 8% જેટલી નિકાસનું રબર પેદા કરે છે. અહીંની અન્ય નિકાસી વસ્તુઓમાં લવિંગ, જાયફળ, તજ, મરી, રૂ, ડાંગર, ખાંડ, કૉફી અને તમાકુનો સમાવેશ થાય છે. આ ટાપુવાસીઓનો મુખ્ય ખોરાક ચોખા છે. તેનું આ ટાપુ પર લગભગ બધે જ વાવેતર થાય છે. આ ઉપરાંત ફળો, સાબુદાણા, શેરડી અને સૂરણ પણ અહીં સ્થાનિક ઉપયોગ માટે ઉગાડવામાં આવે છે.
લોકો : બૉર્નિયોની વસ્તી (1991) 1.2 કરોડ જેટલી છે. તે પૈકીની 73 % વસ્તી ઇન્ડોનેશિયન બૉર્નિયોમાં, 25 % વસ્તી મલેશિયન વિસ્તારોમાં અને 2 % વસ્તી બ્રુનેઈમાં રહે છે. બૉર્નિયોના મોટાભાગના નિવાસીઓ દ્યાક (Dyak) જાતિના છે, તેઓ એશિયાઈ ભૌગોલિક જાતિની એક શાખામાંથી ઊતરી આવેલા છે અને કાંઠાવિસ્તારો તેમજ પહાડી પ્રદેશોમાં વસે છે. કાંઠા પર વસતા આ લોકો ચીનાઓ તથા અન્ય એશિયાઈ લોકો સાથે મિશ્ર થઈ ગયા છે. આ દ્યાક લોકો તેમની સ્થાનિક પરંપરાને અનુસરે છે. તેમણે તેમની પ્રાચીન હુન્નરકલાને પણ જાળવી રાખેલી છે. તેઓ કાષ્ઠકોતરણી કરી સુંદર ચીજવસ્તુઓ બનાવે છે.
ઇન્ડોનેશિયન બૉર્નિયોના લોકોનો મોટો ભાગ ઇસ્લામધર્મી છે. ચીનાઓ બંજરમસીન, કુચિંગ અને પોંટિયાનાક શહેરોમાં રહે છે. કેટલાક યુરોપિયનો બ્રુનેઈ, સારાવાક અને સબાહમાં રહે છે. અહીંના ઉદ્યોગો મુખ્યત્વે ખનિજતેલ અને રબર-ઉત્પાદન પર આધારિત છે. ખનિજતેલનાં મથકો બાલિકપપાન અને તારાકન ખાતે આવેલાં છે. ચૂઇંગ ગમમાં વપરાતું ગુંદર જેવું દ્રવ્ય ચિકલ (chicle) પણ બૉર્નિયોમાં થાય છે. અહીંની સ્ત્રીઓ સુતરાઉ કાપડનું વણાટકામ કરે છે અને વિવિધરંગી સુંદર ચટાઈઓ પણ બનાવે છે.
પરિવહન : બૉર્નિયોમાં આશરે 177 કિમી.ના રેલમાર્ગો અને 4020 કિમી.ના સડકમાર્ગો આવેલા છે. અહીં મોટાભાગના માલસામાનની હેરફેર નદીઓ દ્વારા થાય છે. અહીં ભારવહન અને હેરફેરના સાધન તરીકે ભેંસો(water buffalo)નો ઉપયોગ થાય છે.
વહીવટ : ઇન્ડોનેશિયન બૉર્નિયોને અહીંની સરકારે ચાર પ્રાંતોમાં વહેંચી નાખેલો છે : પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને પૂર્વ કાલીમાન્તાન પ્રાંતો. ઇન્ડોનેશિયન કૅબિનેટ-નિયુક્ત ગવર્નર આ પ્રાંતોનો વહીવટ કરે છે. દરેક પ્રાંતમાં સરકાર-નિયુક્ત 40થી 60 સભ્યોની કાઉન્સિલ હોય છે. ઇન્ડોનેશિયન બૉર્નિયોના અંતરિયાળ ભાગોમાં પરંપરાગત સ્થાનિક સરકારી તંત્ર વહીવટ કરે છે. સબાહ અને સારાવાક એ મલેશિયાના ભાગો છે, જ્યારે બ્રુનેઈ સુલતાન દ્વારા શાસિત સ્વતંત્ર દેશ છે.
ઇતિહાસ : એશિયામાં સર્વપ્રથમ યુરોપીય લોકોનો પગપેસારો થયો તે અગાઉ બૉર્નિયોના પશ્ચિમ કિનારે એશિયાઈ વેપારી મથકો અસ્તિત્વ ધરાવતાં હતાં. બ્રુનેઈની સલ્તનત તેરમી સદીથી ચાલી આવે છે. ચૌદમી સદીની હિન્દુ-જાવાનીઝ વસાહતોના અવશેષો હજી આજે પણ બૉર્નિયોમાં જોવા મળે છે. યુરોપીય અભિયાનકારો સર્વપ્રથમ સોળમી સદીમાં બૉર્નિયોમાં આવેલા. 1600ના અરસામાં ડચ, પૉર્ટુગીઝ અને સ્પૅનિશ વેપારીઓ પણ આવેલા. સત્તરમી સદીમાં લશ્કરી કુમકોની મદદથી નેધરલૅન્ડે મોટાભાગનું બૉર્નિયો કબજે કરેલું. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં બ્રિટિશ લોકોએ વાયવ્ય ભાગનો કબજો મેળવેલો. 1841માં બ્રુનેઈના સુલતાને તેના પ્રદેશનો દક્ષિણ ભાગ–સારાવાક–અંગ્રેજ જેમ્સ બ્રુકને સોંપી દીધેલો. બ્રુકે તેને તેના પ્રદેશમાં ફાટી નીકળેલો બળવો શમાવવામાં મદદ કરેલી, તેથી તેમની વચ્ચે મિત્રતા થયેલી. 1846માં બ્રિટિશ સરકારે લેબુઅન ટાપુને પોતાના કબજા હેઠળના ભાગમાં ભેળવી દીધેલો. બ્રિટિશ સરકારે 1888માં ઉત્તર બૉર્નિયો, સારાવાક અને બ્રુનેઈને પોતાના રક્ષિત પ્રદેશો બનાવ્યા. શ્વેત રાજાઓ કહેવાતા બ્રુક અને તેના અનુગામીઓએ બ્રિટિશ રક્ષિત પ્રદેશ સારાવાક પર બીજા વિશ્વયુદ્ધ સુધી શાસન કરેલું. 1891માં ડચ અને બ્રિટિશ સરકારોએ બૉર્નિયોની પ્રાદેશિક સરહદો સત્તાવાર રીતે સ્થાપિત કરેલી.
સ્વાતંત્ર્ય પૂર્વે આ ટાપુ ડચ અને બ્રિટિશ સંસ્થાનવાદના પ્રભાવ નીચે હતો. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન જાપાને 1941–42માં બૉર્નિયો પર આક્રમણ કર્યું અને બ્રિટિશ તથા ડચ દળોને આ ટાપુ ખાલી કરવા ફરજ પાડી. યુદ્ધની સમાપ્તિ બાદ 1945માં આ બંને સત્તાઓએ તે પાછો મેળવ્યો. જુલાઈ 1946માં સારાવાક અને સબાહ(ઉત્તર બૉર્નિયો)ને બ્રિટિશ સંસ્થાન જાહેર કરવામાં આવ્યાં. 1949 સુધી આ ટાપુનો ઘણો મોટો ભાગ ડચ અંકુશ નીચે હતો. ડચ બૉર્નિયોમાં જ્યારે જ્યારે રાષ્ટ્રવાદી ભાવનાઓ ફેલાતી ત્યારે ત્યારે ડચ અને ઇન્ડોનેશિયન દળો વચ્ચે સંઘર્ષ થતો.
રાજકીય સ્થિતિ : 1950માં રિપબ્લિક ઑવ્ ઇન્ડોનેશિયાની સ્થાપના થઈ અને તેના નવા બંધારણમાં ડચ બૉર્નિયોને ઇન્ડોનેશિયન પ્રજાસત્તાકનો ભાગ જાહેર કરવામાં આવ્યો. કાલીમંથન તરીકે ઓળખાતો તેનો સૌથી મોટો ભાગ ઇન્ડોનેશિયા સાથે જોડાયેલો છે. 1963માં સબાહ અને સારાવાક વિસ્તારો પરથી બ્રિટિશ સાર્વભૌમત્વ ઉઠાવી લેવામાં આવ્યું અને આ વિસ્તારો હવે મલેશિયાના સમવાયતંત્રના ભાગ બન્યા છે. બ્રુનેઈ તરીકે ઓળખાતો તેનો નાનો વિસ્તાર હવે એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવે છે. બ્રુનેઈ પર રાજાશાહી શાસનવ્યવસ્થા છે અને ત્યાંના સુલતાન તેના વડા છે.
1962માં બ્રુનેઈના કેટલાક વિસ્તારો મલેશિયા સાથે જોડાવાની તજવીજ થતાં બ્રુનેઈ પીપલ્સ પાર્ટીએ આ જોડાણનો વિરોધ કર્યો, જેના પરિણામે ત્યાં એક સપ્તાહ જેટલો લાંબો વિદ્રોહ ચાલ્યો. આ વિદ્રોહના અંતે બ્રિટિશ સરકારના એક હુકમનામા દ્વારા વંશપરંપરાગત સુલતાનને ત્યાંનું શાસન સોંપવામાં આવ્યું. 1971માં ત્યાં સુલતાનની સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા ધરાવતી સ્વશાસિત સરકારની સ્થાપના કરવામાં આવી અને સુલતાનને વ્યાપક સત્તાઓ આપવામાં આવી. 1984માં તેને પૂર્ણ સ્વતંત્રતા બક્ષવામાં આવી. જોકે અપવાદ રૂપે તેલ અને ગૅસનાં ક્ષેત્રોની જાળવણી માટે બ્રિટનને ત્યાં થોડાં લશ્કરી દળો રાખવાની છૂટ આપવામાં આવી છે. 1986માં સુલતાન ઓમરનું અવસાન થતાં બ્રુનેઈમાં નૅશનલ યુનાઇટેડ પાર્ટીની સ્થાપના થઈ અને કૅબિનેટનાં ચાવીરૂપ સ્થાનો પર પ્રથમ વાર બિનશાહી સભ્યોને નીમવાની પ્રથાની શરૂઆત થઈ.
બ્રુનેઈ સામેનો સૌથી મોટો ભય મોટા અને શક્તિશાળી પડોશીઓનો – વિશેષે મલેશિયા અને ઇન્ડોનેશિયાનો છે. તેનાથી સંરક્ષણ મેળવવા માટે બ્રુનેઈએ ‘એસિયન’ (ASEAN) OIC (Organization of Islamic Conference) અને યુનાઇટેડ નેશન્સનું સભ્યપદ સ્વીકાર્યું છે. ઇન્ડોનેશિયાને મોટી આર્થિક સહાય આપી મિત્રદેશ બનાવી લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ દેશમાં વારંવાર ઊભા થતા રાજકીય અજંપાથી તેની રાજાશાહી ક્ષુબ્ધ છે. ત્યાંનો શિક્ષિત અગ્રવર્ગ વિકાસલક્ષી પરિવર્તનોને ઉત્તેજન આપી રહ્યો છે. રાજ્યની સનદી સેવાઓમાં ટૅકનોક્રેટ્સ ક્રમશ: વધુ ને વધુ શક્તિશાળી બનતા જાય છે.
પેટ્રોલિયમ-ઉદ્યોગના ઝડપી વિકાસને કારણે કલ્યાણરાજ્યની વિભાવના મજબૂત થતી જાય છે. અલબત્ત, આ પ્રવૃત્તિઓનો વિશેષ લાભ ‘મલય’ પ્રજાને મળે છે, ચીની પ્રજાજનોને નહિ. ‘મલય’ પ્રજા વસ્તીનો 20 % ભાગ હોવા છતાં તે ‘બિનનાગરિક’નો દરજ્જો ધરાવે છે. મલયો આર્થિક રીતે સુખી પણ રાજકીય રીતે વંચિત રહ્યા છે.
ગિરીશભાઈ પંડ્યા
રક્ષા મ. વ્યાસ