બૉર્જે, જૉર્જ લૂઈસ

January, 2001

બૉર્જે, જૉર્જ લૂઈસ (જ. 24 ઑગસ્ટ 1899, બુએનોસ, આઇરિસ; અ. 1986) : આર્જેન્ટીનાના કવિ, નિબંધકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. દક્ષિણ અમેરિકામાં આધુનિક વિચારસરણી ધરાવતા એકાંતિક મતવાદી ચળવળના સ્થાપક. તેઓ પ્રથમ અંગ્રેજી અને પછી સ્પૅનિશ ભાષા શીખ્યા અને તેમના પિતાની લાઇબ્રેરીમાંથી સૌપ્રથમ ‘હક્સ લેબરી ફીન’, એચ. જી. વેલ્સની નવલકથા ‘ધ થાઉઝન્ડ ઍન્ડ વન નાઇટ્સ’ અને ‘ડૉન કિહોટે’ જેવા સાહિત્યનું વાચન કર્યું.

જૉર્જ લૂઈસ બૉર્જે

1914માં તેમના કુટુંબ સાથે જિનીવા ગયા. ત્યાં કૉલેજ દ જિનીવામાંથી બી.એ. થયા પછી એક વર્ષ સ્પેન જઈ ત્યાં એકાંતિક મતવાદી ચળવળના યુવાન લેખકોના જૂથમાં જોડાયા. 1921માં વતન પાછા ફરી તેનાં નૈસર્ગિક સૌંદર્ય વિશેનાં કાવ્યોમાં તેમના કલ્પનાશીલ ભૂતકાળ અને વર્તમાનકાળને વણી લીધા. 1923માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ફર્વર દ બુએનોસ આઇરિસ’ પ્રગટ કર્યો. આ સમય દરમિયાન તેમણે નિબંધ અને કાવ્યને લગતાં અનેક પુસ્તકો પ્રગટ કર્યાં. 1930માં ‘ઇવારિસ્તો કારિયાગો’ નામની આત્મકથા લખ્યા પછી નિર્મળ કથાસાહિત્ય રચવા માંડ્યું. તેમાં સૌપ્રથમ દુરાચારી વ્યક્તિઓનાં જીવનને અનુલક્ષીને ‘હિસ્ટૉરિયા યુનિવર્સલ દ લા ઇન્ફેમિયા’ જેવાં રેખાચિત્રો પ્રગટ કર્યાં. પોતાનો જીવનનિર્વાહ ચલાવવા સારુ 1938માં બુએનોસ આઇરિસ નામના પુસ્તકાલયમાં સારા હોદ્દાની કામગીરી સ્વીકારીને તે સતત 9 વર્ષ સુધી સંભાળી.

1938માં તેમના પિતાનું અવસાન થવાથી તેમને સખત માનસિક આઘાત પહોંચ્યો અને વિષાળુ લોહીની પીડાને પરિણામે વાચા બંધ થઈ ગઈ. તેમની કૃતિઓમાં આની ઊંડી અસર પ્રગટ થાય છે. બાકીનાં 8 વર્ષમાં તેમણે ઉત્તમ અપ્તરંગી વાર્તાઓની રચના કરી; તેનો સંગ્રહ ‘ફિક્સિઓનિસ’ શ્રેણી તરીકે ‘ધી અલેફ ઍન્ડ અધર સ્ટૉરીઝ’ (1933–69) શીર્ષક હેઠળ પ્રગટ થયો. 1942માં અન્ય લેખકની સાથે ‘એચ. બુસ્ટોસ ડૉમેક’ના તખલ્લુસથી ‘સિક્સ પ્રૉબ્લેમ્સ ફૉર ડૉન ઇસિડૉ પૅરડી’ નામની ડિટેક્ટિવ વાર્તાઓ પ્રગટ કરી.

1946માં જુઆન પૅરૉનની સરમુખત્યારી હેઠળ તેમને ઉચ્ચ સ્થાનેથી બરતરફ કરવામાં આવ્યા. તે દરમિયાન વ્યાખ્યાનો; સંપાદન અને લેખનકાર્ય દ્વારા જીવન નિભાવવું પડ્યું. 1952માં તેમણે ‘અધર ઇન્ક્વિઝિશન્સ’ (1937’ –52) નામનો નિબંધસંગ્રહ પ્રગટ કર્યો. 1955માં પૅરૉન પદભ્રષ્ટ કરાતાં તેમને નૅશનલ લાઇબ્રેરીના નિયામકના સન્માનનીય પદે તેમજ બુએનોસ આઇરિસ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના પ્રાધ્યાપક તરીકે નીમવામાં આવ્યા. ત્યારબાદ તેઓ સંપૂર્ણ અંધ બની ગયા. ત્યારે તેઓ શ્રુતલેખન કરાવીને કામ ચલાવતા. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને સૅમ્યુઅલ બૅકેટ સાથે ‘ફૉરમેન્ટૉર પ્રાઇઝ’ જેવું ઉચ્ચ સન્માન અપાયું હતું.

તેમના કાવ્યસંગ્રહોમાં ‘ફર્વર દ બુએનોસ આઇરિસ’ (1923); ‘લ્યુના દ એન્ફેન્ટે’ (1925); ‘કૉડેર્નો સાન માર્ટિન’ (1929); ‘પોએમ્સ’ (1943, 1923–53, 1954, 1958); ‘ઓબ્રે પોએટિકા’ (1923–1966) મુખ્ય છે. તેમના નિબંધસંગ્રહોમાં ‘ઇન્ક્વિઝિશન્સ’ (1925); ‘ડિસ્કશન’ (1932); ‘હિસ્ટૉરિયા દ લા ઇટર્નિડેડ’ (1936); ‘એલ માર્ટિન ફિએરૉ’ (1053) અને ‘અધર ઇન્ક્વિઝિશન્સ’ (1937–1952) વગેરે જાણીતા છે. તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહોમાં ‘હિસ્ટૉરિયા યુનિવર્સલ દ લા ઇન્ફેમિયા’ (1935); ‘ફિક્સિઑનિસ’ (1935–1944), ‘એલ અલેફ’ (1949), ‘ધી એલ અલેફ ઍન્ડ અધર સ્ટોરીઝ’ (1933–1969), ‘એલ હેસેડૉર’ (1960) મુખ્ય છે. તેમની મોટાભાગની કૃતિઓના અન્ય ભાષાઓમાં અનુવાદો થયા છે.

બળદેવભાઈ કનીજિયા