બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સ

January, 2001

બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સ : કંપનીનો વહીવટ કરવા માટે ચૂંટાયેલા અથવા નિયુક્ત થયેલા પ્રતિનિધિઓની સંચાલક સમિતિ અથવા નિયામક મંડળી. કંપની ભલે શ્વાસોચ્છવાસ લેતી જીવંત વ્યક્તિ ન હોય, પરંતુ તે કાયદા દ્વારા સર્જિત કૃત્રિમ વ્યક્તિ (artificial person) છે અને તેનું વૈધાનિક વિશિષ્ટ અસ્તિત્વ (legal entity) હોય છે. તેનું સંચાલન તે પોતાની જાતે કરી શકતી નથી. આ મર્યાદા નિવારવા માટે કંપનીના વાસ્તવિક માલિકો એટલે કે શેરહૉલ્ડરો કંપનીનો વહીવટ ચલાવવા માટે પોતાના પ્રતિનિધિઓ ચૂંટી કાઢે છે; જેઓ સંયુક્ત રીતે બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સના નામે ઓળખાય છે. કંપની જો નાણાકીય સંસ્થાઓ પાસેથી મોટા પાયા પર ઋણ મેળવે તો નાણાકીય સંસ્થાઓ ધીરેલાં નાણાંના સુચારુ અને સલામત વહીવટ માટે સંચાલક સમિતિમાં પોતાના પ્રતિનિધિઓ નીમવાનો આગ્રહ રાખે છે. આમ બૉર્ડમાં કેટલીક વાર નિયુક્ત સભ્યો પણ હોય છે. આ ઉપરાંત કંપનીના કેટલાક અધિકારીઓ પોતાના હોદ્દાની રૂએ (ex-officio) બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સના સભ્યો હોય છે.

કંપનીના કુશળ સંચાલન માટે બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સ કંપનીના અધિકારીઓને માર્ગદર્શન આપવા ઉપરાંત કંપનીનાં મહત્વનાં વહીવટી કાર્યો ઉપર પ્રત્યક્ષ દેખરેખ રાખે છે. તેના કાર્યક્ષેત્રમાં કંપનીનાં નાણાંનો યોગ્ય ઉપયોગ, કાર્યક્ષમતાની જાળવણી, વાજબી વળતર મળી રહે તે મુજબનો ધંધાનો વિકાસ, કંપનીધારા અને બીજા કાયદાઓની જોગવાઈનું પાલન, કંપનીની નીતિનું ઘડતર, કંપનીના મૂડી-માળખાની પ્રસંગોપાત્ત પુનર્રચના, કંપનીના નફામાંથી ડિવિડન્ડ જાહેર કરવાની ભલામણ, વ્યવસ્થાતંત્રનું અસરકારક આયોજન અને લાંબા ગાળે લાભકારક નીવડે તે પ્રકારનું ધંધામાં પરિવર્તન વગેરે કાર્યોનો સમાવેશ થાય છે.

બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સના સભ્યો કંપનીના રોજબરોજના સામાન્ય વહીવટી કાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેતા નથી, તેથી તેઓ દરરોજ મળતા હોતા નથી, પરંતુ દર મહિને અથવા નિશ્ચિત સમયના અંતરે મિટિંગના સ્વરૂપમાં નિયમિત રીતે અચૂક મળીને કંપનીની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને લગતા અહેવાલો ઉપર અંદરોઅંદર ચર્ચાવિચારણા કરે છે. તે ઉપરાંત, ઠરાવના સ્વરૂપમાં સૂચનાઓ અને આદેશો બહાર પાડીને મધ્યમ અને નીચેના સ્તરના અધિકારીઓ અને કાર્યકારો માટે લક્ષ્યાંકો અને સૂચિત કાર્યક્રમો મંજૂર કરે છે અને તેમના ઉપર વહીવટી અંકુશ રાખે છે.

પિનાકીન ર. શેઠ