બૉરોબુદુર : જાવામાં આઠમી સદીના ઉત્તરાર્ધ અને નવમી સદીના પૂર્વાર્ધમાં નિર્માણ કરાયેલ સ્થાપત્યરત્નરૂપ વિરાટ સ્તૂપરાજ. બૉરોબુદુરનો ભવ્ય સ્તૂપ મધ્ય જાવાના કેદુ પ્રદેશમાં ગોળાકાર ડુંગરને કંડારીને રચવામાં આવેલ સુવર્ણદ્વીપના સર્વોત્તમ બૌદ્ધ સ્મારક તરીકે વિશ્વવિખ્યાત છે. તે ધ્યાનમગ્ન શાક્યમુનિ બુદ્ધના મુંડન કરેલા શ્યામ મસ્તક જેવો આબેહૂબ શોભે છે. આ સ્તૂપ તથા ચંડી-મેડૂત, ચંડી-પવન અને ચંડી-કલસન બૌદ્ધ મંદિરોનું નિર્માણ શૈલેન્દ્ર રાજાઓએ આઠમા સૈકામાં કરાવેલું કહેવાય છે. આમ છતાં અજંતાની ગુફાઓ અને કમ્બોજના અંકોરવાટની જેમ મધ્યયુગમાં સેંકડો વર્ષો સુધી તે અજ્ઞાત રહેલાં તે છેક 1814માં મળી આવ્યાં. તેમનો જીર્ણોદ્ધાર ડચ સરકારે 1907–1911 દરમિયાન કરાવેલો.

ઇન્ડોનેશિયન દ્વીપસમૂહમાંના બહુવિધ બૌદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતો
બૉરોબુદુરનો ભવ્ય સ્તૂપ અને કમલદલ-સ્થિત ભગવાન બુદ્ધની પ્રતિમા

એમાં એકંદરે 700થી વધુ બુદ્ધ પ્રતિમાઓ કંડારાયેલી છે. તેથી તે  બૉરો એટલે બહુ અને બુદુર એટલે બુદ્ધના અર્થવાળું નામ ધરાવે છે. મૂળ સ્તૂપ સૂચ્યાકાર (પિરામિડ પદ્ધતિનો) 9 મજલાનો બેઠા ઘાટનો છે. એની જગતી વિભૂષિત છે. એનો નીચલો ભાગ ટેકાબંધ ચણી લેવામાં આવ્યો છે; તેથી એકને બદલે બે જગતી હોવાનો ભાસ ઊભો કરે છે. એના નીચલા 6 મજલા સમચોરસ અને ઉપર મુખ્ય સ્તૂપ ફરતા 3 મજલા વૃત્તાકાર છે. જગતીની ટોચ ઉપર એક પહોળી ભમતી છે. એમાં સ્તૂપ ઘાટના શિખરવાળી અસંખ્ય દેરીઓ છે. આવી ભમતી બીજા મજલાથી માંડીને છેક છઠ્ઠા મજલા સુધીની છે. તે પૈકી નીચલી 4 ભમતીઓની દેરીઓમાં ચારેય બાજુએ ચાર ધ્યાની બુદ્ધો–અક્ષોભ્ય, રત્નસંભવ, અમિતાભ અને અમોઘસિદ્ધિ–ની 92–92 મૂર્તિઓ નેપાલી શૈલીમાં કંડારેલી છે; જ્યારે સૌથી ઉપલી ભમતીની દેરીઓમાં ચારેય બાજુ પાંચમા ધ્યાની બુદ્ધ વૈરોચનની 136 મૂર્તિઓ જોવા મળે છે. આમ ધ્યાની બુદ્ધોની કુલ 504 પ્રતિમાઓ કંડારેલી છે. દેવાલયની મધ્ય રેખાની લંબાઈ જગતીના 110 મીટરથી ઘટીને ઉપલે મજલે 27.4 મીટરની થઈ જાય છે. આમ દરેક ઉપલા મજલાનો વિસ્તાર ઉત્તરોત્તર ઘટતો જાય તેવી તેની ઉત્કૃષ્ટ રચના છે. નવમા મજલાની વચ્ચે 16 મીટરના વ્યાસનો મોટા કદનો સ્તૂપ સમગ્ર દેવાલયના અગ્ર ભાગ તરીકે દૂરથી ર્દશ્યમાન થાય છે. એ સૂક્ષ્મ, અનંત અને અરૂપ મહાશૂન્યના પ્રતીક સમાન ભાસે છે.

ઉપરના મજલે જવા માટે ચારેય બાજુ પગથિયાં છે. નીચલા 6 મજલાઓમાં કાલ-મકરનાં સુંદર શિલ્પોવાળું એકેક પ્રવેશદ્વાર છે. દરેક મજલે મંડોવરના વચલા થરમાં આવેલી, સળંગ ગોઠવાય તો, 5 કિમી. લંબાઈ થાય તેટલી, 1,400 જેટલી  શિલ્પ-તકતીઓમાં માનવીના જન્મથી મૃત્યુ પર્યંતની સંસારયાત્રા, આકરી તિતિક્ષા, ભવ્ય આત્મસમર્પણ દ્વારા નિર્વાણપદને પામનાર ભગવાન બુદ્ધનાં જીવન અને પૂર્વજન્મોની કથા દ્વારા માનવી અનેક સુખદુ:ખની પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ઉચ્ચ આધ્યાત્મિકતાને માર્ગે પ્રયાણ કરે એવો અનેરો સંદેશો આલેખાયો છે. આમ તો આવા શિલ્પપટ્ટ 3,500 જેટલા છે. આ શિલ્પકૃતિઓમાં શમતાપૂર્ણ ભાવની પરિપૂર્ણતા અભિવ્યક્ત કરતું શૈલેન્દ્ર સામ્રાજ્યનું આ સ્થાપત્ય સર્વોત્તમ સ્મારક બની રહેલું ર્દશ્યમાન થાય છે. આ સ્તૂપ યોગ્યકર્મા શહેરથી લગભગ 38 કિમી. દૂર આવેલું છે. માટે ત્યાં જવા સારુ ત્યાંની લાક્ષણિક ઘોડાગાડી ‘આન્દોંગ’નો ઉપયોગ કરવો પડે છે.

શિલ્પકલાની ર્દષ્ટિએ જોતાં, બૉરોબુદુરની તકતીઓમાં અંગઉપાંગોમાં એટલી બધી શિલ્પસમૃદ્ધિ ઠાલવી છે કે એક એકથી ચઢી જાય. એમાંનું ભાવનિદર્શન અને લાવણ્ય, એની પ્રસંગચિત્રણા તથા સંયોજના, એની ભરચક છતાં પ્રમાણબદ્ધ માંડણીનો ખ્યાલ નીચેના પ્રસંગોમાં સાંગોપાંગ રીતે કંડારાયો છે : (1) ગર્ભવતી માતા માયાદેવીનું લુંબિની પ્રતિ પ્રયાણ, (2) પત્ની તરીકે ગોપા(યશોધરા)ની પસંદગી કરતા સિદ્ધાર્થ, (3) મહાભિનિષ્ક્રમણ કરીને વસ્ત્રાભૂષણ દૂર કરીને તે પછી માથાના કેશનો લોચ કરતા સિદ્ધાર્થ, (4) સાત વર્ષના તપ પછી તેના ત્યાગ માટે નિરંજના નદીમાં સ્નાન માટે આવેલા બુદ્ધ, (5) સ્નાન બાદ બુદ્ધને સુવર્ણપાત્રમાં ભક્તિપૂર્વક ખીર અર્પણ કરતી સુજાતા અને (6) ધનુર્વિદ્યાની પરીક્ષા. આવાં બધાં શિલ્પો ભારતનાં અમરાવતી અને અજંતાનાં ગુહાચિત્રોની યાદ આપે છે. આ શિલ્પોમાં તથાગતની કરુણા ર્દશ્યમાન થાય છે. આમ બૉરોબુદુરનાં આ પ્રલંબ શિલ્પોમાં આલેખાયેલ ‘લલિતવિસ્તર’ના કેટલાક પ્રસંગોમાં શિલ્પકારની તક્ષણકલા વિશેષ ઝળકી ઊઠે છે.

બળદેવભાઈ કનીજિયા