બૉમ્બે હાઇ : ભારતના પશ્ચિમ કિનારાની ખંડીય છાજલી પરનું ઘણું મહત્વનું તેલ-વાયુધારક ક્ષેત્ર. તે મુંબઈ દૂરતટીય થાળા(Bombay Offshore Basin)માંનો સમુદ્રજળ હેઠળ ઊંચકાયેલો ભૂસંચલનજન્ય તળવિભાગ છે. મુંબઈ-સૂરતના દરિયાકાંઠાથી પશ્ચિમ તરફ આશરે 300 કિમી. અંતરે અરબી સમુદ્રમાં આવેલું આ તેલક્ષેત્ર 19° 00´ ઉ.અ. અને 71° 00´ પૂ.રે.ની આજુબાજુ 200 મીટર ઊંડાઈ સુધીના 1,20,000 ચોકિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. રચનાત્મક ર્દષ્ટિએ તે ખંભાતના થાળાનું દક્ષિણતરફી વિસ્તરણ છે અને ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમી ખંડીય છાજલીનો સીમાવર્તી મધ્યભાગ આવરી લે છે. ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કાંઠાથી અને ઈશાનમાં સૂરતગર્તથી માંડીને દક્ષિણ તરફ ગોવા નજીકની રત્નાગિરિ છાજલીની ‘વેન્ગુર્લા કમાન’ સુધી તે વિસ્તરેલું છે. ઉત્તરમાં સૌરાષ્ટ્ર તરફ તે સાંકડું બને છે તથા દક્ષિણમાં રત્નાગિરિ તરફ તે માત્ર 60 કિમી.ની પહોળાઈ ધરાવે છે. આ દૂરતટીય થાળું વધુ દક્ષિણે કોંકણ-કેરળ થાળા સાથે અને વાયવ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના થાળા સાથે જોડાઈ જાય છે. તેની સમુદ્ર-તરફી પશ્ચિમી સીમા ખંડીય છાજલીની ધાર સુધી આંકી શકાય છે.

ભૂસ્તરીય માળખું : અંતિમ ક્રિટેશિયસ કાળ વખતે થયેલા ગોંડવાના ભૂમિસમૂહના ભંગાણ દરમિયાન આ થાળાની ઉત્ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું ગણાય છે. થાળાનો તળભાગ (basement) મુખ્યત્વે ડેક્કન ટ્રૅપ રચનાના ખડકોથી, તો ક્યાંક ક્યાંક આર્કિયન ગ્રૅનાઇટથી બનેલો છે. થાળામાં તૃતીય જીવયુગના સ્તરોની જમાવટ થયેલી છે. આખીયે પશ્ચિમી ખંડીય છાજલી વિસ્તૃત કાર્બોનેટ ખડકબંધારણવાળી બની રહેલી છે. ભૂસંચલનના સંદર્ભમાં જોતાં, આખુંયે થાળું જુદી જુદી રેખીય કે કમાનાકાર વાયવ્ય-અગ્નિ કે ઉત્તર-દક્ષિણ દિશાઓમાં ઉદભવેલા સ્તરભંગોથી રચાયેલા ‘હૉર્સ્ટ-ગ્રેબન’ની જટિલ ગૂંથણીવાળું બની રહેલું છે. પરિણામે બૉમ્બે હાઇ, વસઈ, રત્નાગિરિ વગેરે ક્ષેત્રીય વિભાગો ધારવાડ રચનાની ઉપસ્થિતિ(trend)વાળા બન્યા છે, તો સૂરતગર્ત સાતપુડા પર્વતોની ઉપસ્થિતિવાળું બની રહેલું છે. આ સંદર્ભમાં સૂરતગર્ત નવા ભૂસ્તરીય વયનું ગણાય છે. આમ આ થાળું ઉત્તર તથા ઈશાન તરફ સૂરતગર્તમાં; પશ્ચિમ તરફ બૉમ્બે પ્લૅટફૉર્મ છાજલી ધાર પરના ગર્તમાં તેમજ પશ્ચિમી સીમાન્ત તળવિભાગમાં; અગ્નિ તરફ રત્નાગિરિ-હીરા વિભાગ તથા રત્નાગર્તમાં અને પૂર્વ તરફ પન્ના વિભાગ તથા ડેક્કન ઉપસાવ(rise)માં વહેંચાઈ ગયેલું છે. આખાય થાળામાં બે ભિન્ન ભિન્ન પરિસ્થિતિ હેઠળ સ્તર-જમાવટ થયેલી છે, જે દીવ-સ્તરભંગ તરીકે ઓળખાતા પૂર્વ-પશ્ચિમ લંબાયેલા અનુપ્રસ્થ રેખીય ભ્રંશથી અલગ પડી જાય છે. સૂરતગર્તમાં થયેલી જમાવટ દીવ-સ્તરભંગની ઉત્તર તરફ છે, જ્યારે કાર્બોનેટ પઠારભૂમિ દક્ષિણ તરફ છે.

ભૂગોળ

પશ્ચિમ કિનારા નજીકની શરૂઆતની ખંડીય છાજલી પ્રમાણમાં ઓછા ઉતાર-ચઢાવવાળી છે. 90 મીટરની ઊંડાઈ થતાં ખંડીય છાજલી ભંગાણવાળી બને છે. ઊર્ધ્વ ક્રિટેશિયસ-પેલિયોસીન સંક્રાંતિકાળમાં અહીંના પોપડામાં ફાટો પડવાની સાથે સાથે ડેક્કન ટ્રૅપના લાવાપ્રવાહોનાં પ્રસ્ફુટનોનો પ્રારંભ થયેલો, શ્રેણીબંધ સ્તરભંગોની રચના પણ થતી ગયેલી, આ રીતે અહીંનો બધો જ ભાગ થાળાના રૂપમાં ફેરવાઈ ગયેલો.

પ્રાચીન આર્કિયન અને ડેક્કન ટ્રૅપ ખડકોથી બનેલા આ થાળાના તળ ઉપર ઇયોસીન-માયોસીન કાળ દરમિયાન શેલ સહિત જાડાઈવાળા ચૂનાખડકોની જમાવટ થતી રહી. જમાવટની ક્રિયા દરમિયાન નિમ્ન ઇયોસીનથી મધ્ય ઇયોસીન વચ્ચે તથા મધ્ય ઇયોસીનથી પ્રારંભિક ઑલિગોસીન વચ્ચે નિક્ષેપ-વિરામ (sedimentation break) થવાથી બે અસંગતિઓ રચાઈ.

બૉમ્બે હાઇના તેલક્ષેત્રમાં ચાલતા શારકામનું એક ર્દશ્ય

સ્તરવિદ્યાત્મક લક્ષણો : આ થાળામાં જમાવટ પામેલા જળકૃત સ્તરાનુક્રમો તૃતીય જીવયુગના છે. મધ્ય ઇયોસીનથી નિમ્ન માયોસીન વય ધરાવતા તેલસંચયસ્તરો મોટે ભાગે તો કાર્બોનેટ ખડકબંધારણવાળા છે. તેમાં થયેલો વાયુસંચય ભૂસંચલનજન્ય છે, અસંગતિ અને જળકૃત દ્રવ્યજમાવટ-આધારિત છે. જળકૃત સ્તરોની જાડાઈ કોઈ કોઈ જગાએ તો 5,000 મીટરથી પણ વધુ છે, પરંતુ બૉમ્બે હાઈના વિશાળ તેલક્ષેત્રમાં સ્તરજાડાઈ ઘણી ઓછી (1,800–2,000 મીટર) છે; તેનું મુખ્ય કારણ હાઈ ઉપર ઇયોસીન સ્તરો જામ્યા જ નથી અથવા કદાચ જામ્યા હશે તો ધોવાઈ ગયા છે. ઑલિગોસીન સ્તરો પણ તદ્દન ઓછી જાડાઈના છે. સ્તરવિદ્યા, રચનાત્મક માળખાં, ભૂસંચલન, જમાવટનો સંજોગ, જૈવિક પ્રકારો તથા સ્રોતખડક-લક્ષણો આ માટેનાં મુખ્ય પરિબળો ગણાય. (ભૂસ્તરીય સ્તરાનુક્રમ માટે જુઓ સારણી 1.)

તેલક્ષેત્રો : હાઇડ્રોકાર્બન-સ્થાનીકરણના સંજોગો : આ થાળાનાં બૉમ્બે હાઈ ઉપરાંત મધ્યમ કક્ષાનાં ગણાતાં ચૂનાખડક ધારક તેલક્ષેત્રોમાં પન્ના, નીલમ, દક્ષિણ વસઈ–હીરા અને રત્નાગિરિ વિભાગોનો તથા મુખ્ય વાયુક્ષેત્રોમાં વસઈ, દમણ, મધ્ય તાપ્તી અને દક્ષિણ તાપ્તી વિભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વ્યાપારી ર્દષ્ટિએ મહત્વ ધરાવતી અન્ય હાઇડ્રોકાર્બનયુક્ત રચનાઓ તથા સ્તરભંગો તેમજ અસંગતિઓથી આરક્ષિત રચનાઓ પણ અહીં મળે છે. આંતરકણજન્ય છિદ્રતાવાળા ચૂનાખડકની જમાવટ ખાડીસરોવરોના સંજોગ હેઠળ લીલ અને ફોરામિનિફેરા સહિત થયેલી હોવાનું મનાય છે, ઉપરાંત ફાટજન્ય સછિદ્રતા પણ ક્યાંક ક્યાંક મળી આવેલી છે.

બૉમ્બે હાઇમાં રહેલા માયોસીન કાળના ચૂનાખડકો મહત્વનાં ઉપજાઉ સંચયસ્તરો ગણાય છે. મધ્ય ઇયોસીન કાળની રત્નાગિરિ, પન્ના, મુક્તા, નીલમ, વસઈ અને હીરા રચનાઓ તથા ઑલિગોસીન કાળની તાપ્તી-દમણ રચનાઓ, સૂરતગર્ત અને છાજલીધાર પરનું થાળું પણ એટલાં જ મહત્વનાં છે.

સારણી 1 : ભૂસ્તરીય સ્તરાનુક્રમ

  ક્રમ રચના ખડકસ્તરો સંજોગો
8. અર્વાચીનથી ઊર્ધ્વમાયોસીન ચિનચિની રચના; સમગ્ર થાળામાં વ્યાપ્ત મૃદ-પાષાણ અને  શેલનાં આંતરપડો સહિત નરમ, ચીકણા મૃદુસ્તરો છીછરા દરિયાઈ સંજોગો, ખંડીય છાજલીવાળી આંતરબાહ્ય તીરસ્થ પરિસ્થિતિ
પ્રાદેશિક  અસંગતિ
7. મધ્ય માયોસીન બાંદરા રચના તાપી રચના સમગ્ર થાળામાં વ્યાપ્ત. ક્યાંક ક્યાંક માહિમ રચના, તાપી રચના પાતળાં શેલપડો સહિત મુખ્યત્વે ચૂનાખડક. પાતળા કાંપપાષાણમાં પડો સહિત મુખ્યત્વે શેલ.
6. નિમ્ન માયોસીન રત્નાગિરિ રચના

માહિમ રચના

બૉમ્બે રચના

કાંપપાષાણ અને ચૂનાખડકનાં પડો સહિત મુખ્યત્વે શેલ; પાતળા શેલ સહિત સ્થાનભેદે સછિદ્રી કે છિદ્રરહિત ચૂનાખડક.
5. તળ માયોસીનથી ઊર્ધ્વ ઑલિગોસીન દમણ-અલીબાગ-પનવેલ રચનાઓ કોલસાનાં પડો સહિત રેતીખડક-શેલના વારાફરતી સ્તરો. ચૂનાખડક- પટ્ટાવાળા શેલ. છીછરા દરિયાઈથી ત્રિકોણપ્રદેશીય સંજોગો.
4. નિમ્ન ઑલિગોસીન મુક્તા રચના

મહુવા રચના

હીરા રચના

મૃણ્મય ચૂનાખડક. ચૂનાખડકની પાતળી પટ્ટીઓ સહિત શેલ; ચૂનાખડક અને શેલ ત્રિકોણપ્રદેશીયથી માંડીને આંતર-તીરસ્થ સંજોગો
3. ઊર્ધ્વ ઇયોસીનથી મધ્ય ઇયોસીન પીપાવાવ રચના

દીવ રચના

વસઈ રચના

બેલાપુર રચના

રેતી; કાંપયુક્ત

શેલ; શેલ,

મૃદુપાષાણ,

ચૂનાખડક

ખુલ્લી કાર્બોનેટ પઠારભૂમિના સંજોગો
2. નિમ્ન ઇયોસીનથી પૅલિયોસીન દેવગઢ રચના

પન્ના-જાફરાબાદ રચનાઓ.

ક્વાર્ટ્ઝાઇટ-રેતી-ખડક સહિત ચૂનાખડક અને શેલ; કોલસાનાં પડસહિત રેતી-ખડક, મૃદપાષાણ છીછરા દરિયાઈ સંજોગો
અસંગતિ
1. ડેક્કન ટ્રૅપ રચનાથી બનેલો તળભાગ/સ્થાનભેદે આર્કિયન રચનાની ક્લોરાઇટ-શિસ્ટ, બાયોટાઇટ-શિસ્ટ/ગ્રૅનોડાયોરાઇટની જીર્ણવિવૃતિઓ.

હાઇડ્રોકાર્બનની ઉત્પત્તિ માટેનો મુખ્ય સ્રોતખડક સૂરતગર્ત તથા છાજલીઘર વિસ્તારમાં રહેલો પૂર્વ-મધ્ય માયોસીન કાળનો શેલ ગણાય છે. અહીંના સ્થાનિક ગર્તમાં શેલ-ચૂનાખડકના સ્તરો વારાફરતી આવતાં પડોથી ગોઠવાયેલા છે. વળી પ્રારંભિક માયોસીન-ઇયોસીન સ્તરશ્રેણીઓનો ચૂનાખડક પણ હાઈડ્રોકાર્બનની ઉત્પત્તિ માટે કારણભૂત છે. આ રીતે જોતાં, આ થાળામાંનો મુખ્ય તેલસંચય-ખડક જુદા જુદા વયનો ચૂનાખડક ગણાય. રેતી, રેતીખડક અને કાંપપાષાણ પણ સંચયસ્તરો તરીકે મળે છે, જ્યારે પશ્ચાત્ મધ્યમાયોસીન શેલ મહદ્અંશે થાળામાં તેલજાળવણી માટેના આવરણખડક તરીકે વર્તે છે.

તેલ-ઉત્પાદન : વિશ્વની ખનિજતેલની વધતી જતી વપરાશ સામે તેના ઝડપથી ઘટતા જતા ભંડારોથી ચિંતિત થઈ વિજ્ઞાનીઓએ નવા તેલભંડારોની શોધ ચલાવી તેમાં સાગરમાં કાંઠા નિકટના ખંડીય છાજલી(continental shelf)ના પ્રદેશો સંભાવનાવાળા જણાયા. ઉત્તર સાગર, ઈરાની અખાત, બૉમ્બે હાઇ તથા વસાઈના કાંઠાના પ્રદેશોમાં ઊર્જાક્ષેત્રો મળી આવ્યાં. ઉત્તર સાગરમાં નેધરલૅન્ડ્ઝની ઉત્તરે ગ્રોનિન્જન ક્ષેત્ર મળી આવ્યું. તે વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક વાયુક્ષેત્ર છે. પ્રારંભે કાંઠાના 30 મી. ઊંડાઈ સુધીના સાગરમાં તેલવાયુ મળવા લાગ્યાં. હવે સંશોધનાત્મક કૂવાનાં શાર 200 મી. આસપાસની ઊંડાઈનાં હોય એ સ્વાભાવિક છે. કોઈ વાર તો 500 મી. ઊંડાઈ સુધી શારકામ થાય છે. ખંડીય છાજલી લાંબા અંતરનો ધીમો ઢાળ છે. તે પછી એકદમ ઊભો ખંડીય ઢાળ (continental slope) થોડા જ અંતરમાં સાગરના તળિયાને સ્પર્શે છે. સંશોધકોને આ ઊંડા સાગરમાં પણ ઊર્જાસ્રોતો મળવાની આશા છે.

ભારતની ખંડીય છાજલીની સીમા સરાસરી 200 મી. છે. ગુજરાત કાંઠાના સાગરમાં તથા પૂર્વમાં ગાંગેય ત્રિકોણપ્રદેશની દક્ષિણે સાગરમાં તેની પહોળાઈ વધારે છે. પૂર્વઘાટ તથા પશ્ચિમઘાટના કાંઠાની છાજલી પ્રમાણમાં ઓછી પહોળી છે. છાજલીનું ક્ષેત્રફળ આશરે 2,50,000 ચોકિમી. છે. આ પ્રદેશમાં અવતલના ભૂપૃષ્ઠ તથા ભૂસ્તરને લક્ષમાં રાખીને તેલવાયુ-ભંડારો માટે શોધખોળ ચલાવવાના કાર્યક્રમરૂપે તેલવાયુ પંચે સમગ્ર છાજલીમાં દસથી બાર થાળાં (basins) નક્કી કર્યાં. આમાં ગુજરાત કાંઠાનું બૉમ્બે હાઇ સૌથી આશાસ્પદ જણાયું છે. ત્યાં પ્રથમ પ્રયત્ને જ સફળતા મળી. તટવર્તી સંશોધનમાં આ પ્રથમ સિદ્ધિ હતી. બૉમ્બે હાઇ મુંબઈથી આશરે 200 કિમી. અંતરે અરબી સાગરમાં આવેલું છે. અહીં  સાગરનું તળિયું 90 મી. જેટલું ઊડું છે. તળિયે કાદવના જાડા થરને કારણે શારકામ અઘરું છે. શારમંચ (rig) સ્થાપવા માટે પણ સ્થિર ભૂમિ મળે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. ક્ષેત્રનો તેલભંડાર 80 કરોડ ટનનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. શોધકૂવા (exploration well) પાછળ જ ઉત્પાદનકૂવા (exploitation well) શારવાનું ચાલ્યું. 1976 સુધીમાં બૉમ્બે હાઇનું તેલ-ઉત્પાદન દૈનિક 4,300 પીપ (barrel) એટલે કે વાર્ષિક 15થી 20 લાખ ટન પર પહોંચ્યું. ચરણબદ્ધ યોજના દ્વારા 1982 આસપાસ ઉત્પાદન 80 લાખથી 1 કરોડ ટન પર લઈ જવાયું. 1978માં બૉમ્બે હાઇથી અડધા અંતરે નવું ક્ષેત્ર મળ્યું. તેને ઉત્તર વસાઈ ક્ષેત્ર નામ અપાયું. તેના પ્રાયોગિક કૂવામાંથી દૈનિક 3,000 પીપ તેલ વહ્યું. 1983માં આ જ ક્ષેત્રના દક્ષિણ વસાઈ ઉપક્ષેત્રમાં પ્રાકૃતિક વાયુ મળી આવ્યો. 1985માં કાચા તેલનું ઉત્પાદન 2.90 કરોડ ટને પહોંચ્યું. આ જ સમયે મહા નદી થાળામાં સંશોધનકાર્ય ચલાવવામાં આવ્યું. આંદામાન થાળું પણ કાર્યક્રમમાં હતું. 1990માં વધુ પાંચ તેલક્ષેત્રો તેલશોધ માટે હાથ પર લેવાયાં. પશ્ચિમ કાંઠે નીલમ, મુક્તા અને પન્ના નામનાં નવાં ક્ષેત્રો તથા બૉમ્બે હાઇના એલ-2 અને એલ-3 તેલભંડારો 80 અબજ રૂપિયાના ખર્ચે વિકસાવવાનું લક્ષ્ય રખાયું. બૉમ્બે હાઈના વાયુનું મોટા જથ્થામાં ઉત્તર ભારતમાં વિતરણ કરવા હજીરા-બીજાપુર-જગદીશપુર નળપ્રણાલીની શક્તિ લગભગ બેવડી કરી દેવાઈ. તા. 1419–98ના દિવસે વાયુનો ભંડાર 676 અબજ ઘનમીટર હોવાનું અનુમાન છે.

સારણી 2 : કાચા તેલનું ઉત્પાદન તથા આયાત (લાખ ટન)

વર્ષ ઉત્પાદન આયાત
1970–71 68 117
1980–81 105 (55 + 50) 162
1981–82 162 145
1982–83 211 124
1983–84 260 104
1984–85 290 (89 + 201) 72
1985–86 302 (94 + 208) 147
1986–87 305 (99 + 206) 155
1987–88 304 (102 + 202) 177
1988–89 320 (109 + 211) 178
1989–90 341 195
1990–91 330 207
1991–92 303 240
1992–93 270 292
1993–94 270 308
1994–95 322 (120 + 202) 273
1995–96 345 (119 + 227) 273
1996–97 334 331
1997–98 339 540
1998–99 329 586

નોંધ : કૌંસમાંના આંકડા અનુક્રમે ભૂમિ પરનું અને સાગરતલનું ઉત્પાદન દર્શાવે છે.

પાછલાં વર્ષોમાં સાગરતલના ઉત્પાદનમાં ઘટાડો થયો, જે ધારણાથી વિરુદ્ધ હતું. નીલમ ક્ષેત્ર સંબંધી અનુમાનોની સરખામણીમાં તેનું ઉત્પાદન ઊણું ઊતર્યું.

પ્રારંભે રશિયા તથા બીજા આગળ વધેલા દેશો પાસેથી શારમંચ મેળવવામાં આવતા. પાછળથી દેશમાં જ તેમનું નિર્માણ કરવાનું વિચારાયું અને તેનો અમલ પણ થયો.

શોધખોળ અને ઉત્પાદનના કાર્યને વેગ આપવા સરકારે આ ક્ષેત્ર, જે અત્યાર સુધી નિજી કંપનીઓ માટે નિષિદ્ધ હતું તે આંશિક રૂપે ખુલ્લું મૂકવાની નીતિ અપનાવાઈ. ઑગસ્ટ 1992માં શોધાયેલાં પાંચ મધ્યમ અને 13 નાનાં ક્ષેત્રોના વિકાસ માટે સમજૂતીઓ કરાઈ. ઑક્ટોબર 1993માં વધુ આઠ મધ્યમ અને 33 નાનાં ક્ષેત્રો ખાનગી કંપનીઓને સોંપાયાં.

સારણી 3 : પ્રાકૃતિક વાયુ ઉત્પાદન (અબજ ઘનમિટર)

વર્ષ ભૂમિ પરનું ઉત્પાદન સાગરતલનું ઉત્પાદન
1970–71 1.445
1980–81 1.685 0.673
1985–86 2.954 5.180
1989–90 3.901 13.087
1990–91 3.916 14.082
1991–92 4.251 14.394
1992–93 4.078 13.352
1993–94 4.979 13.356
1994–95 5.243 14.138
1995–96 5.729 16.579
1996–97 27.75 બંને સંયુક્ત
1997–98 24.59  બંને સંયુક્ત
1998–99 27.43  બંને સંયુક્ત

વ્યવસ્થા એવી કરાઈ કે મધ્યમ કક્ષાનાં ક્ષેત્રોમાં તેલવાયુ પંચ અને કંપનીની સંયુક્ત કામગીરી રહે. નાનાં ક્ષેત્રો સંપૂર્ણપણે ખાનગી કંપની ચલાવે. મુંબઈ-કાંઠે આવી સમજૂતી હેઠળ રત્ના-2-શ્રેણીનું મધ્યમ ક્ષેત્ર મુંબઈની એસાર ઑઇલ અને બ્રિટનની પ્રીમિયર ઑઇલ પેસિફિક નામની કંપનીઓના સંયુક્ત સાહસને અપાયું. માર્ચ 1995માં બીજાં 28 ક્ષેત્રોમાં શોધખોળ માટે પ્રસ્તાવો મંગાવાયા. સાત ક્ષેત્રો માટે 22 કંપનીઓના પ્રસ્તાવો મળ્યા. નવી નીતિ પ્રમાણે ખાનગી કંપનીઓને વિકસાવવા માટે 48 ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં. 1991થી 35 ક્ષેત્રો માટે સમજૂતીઓ કરાઈ છે. 1995થી ગુજરાતની રિલાયન્સ કંપનીએ આ ક્ષેત્રે પદાર્પણ કર્યું. તેણે પરદેશી એનરૉન તથા તેલવાયુ પંચ સાથે પન્ના, મુક્તા અને તાપી ક્ષેત્રો માટે સમજૂતી કરી. બે વર્ષમાં આશરે 18 અબજ રૂપિયાના ખર્ચે નોંધપાત્ર પ્રગતિ કરાઈ. તા. 31 માર્ચ 1999 સુધીમાં ખર્ચ 28 અબજ 10 કરોડે પહોંચ્યું. 1996માં દૈનિક ઉત્પાદન 11,500 પીપ હતું; જે બે વર્ષમાં વધીને 27,000 પીપ થયું. પ્રારંભે દૈનિક પ્રાકૃતિક વાયુ 10 લાખ ઘનમીટર બાળી મુકાતો હતો. જૂન 1997માં તે અટકાવી ઉપભોગ માટેનું ઉત્પાદન શરૂ કરાયું. માર્ચ 1997માં તાપી ક્ષેત્રમાં વાયુ-ઉત્પાદનનો આરંભ થયો. પન્ના, મુક્તા ક્ષેત્રમાં 70 અને તાપી ક્ષેત્રમાં 15 કૂવા છે. ઉત્પાદન તેલવાયુ પંચ તથા ભારતીય વાયુ સત્તાધિકરણ (Gas Authority of India Ltd.) કંપનીઓ ખરીદી લે છે. 1998માં પ્રાકૃતિક વાયુના ઉત્પાદનનો દર વધીને દૈનિક 20 લાખ ઘનમીટરે પહોંચ્યો. માર્ચ 2000માં તેલ-ઉત્પાદન દૈનિક 30,000 પીપ તથા વાયુ ઉત્પાદન દૈનિક 25 લાખ ઘનમીટર જેવું થયું. તાપીક્ષેત્રમાંથી 1999માં વાયુપ્રાપ્તિ દૈનિક 57 લાખ ઘ.મી. થઈ ઉત્પાદનવૃદ્ધિનો વેગ જોતાં દેશ સત્વર તેલ-આયાતોમાંથી મુકિત મેળવશે એવી આશા બંધાઈ છે. ઈ. સ. 2000માં કેન્દ્ર સરકારના તેલમંત્રીએ એ મતલબની ઘોષણા પણ કરી છે.

જોકે આ બધું શોધખોળકાર્ય સુપેરે ચાલી શકતું નથી. અવારનવાર દુર્ઘટનાઓ પણ બની છે. તેમાં કરોડોની યંત્રસામગ્રી જ નહિ, મહામૂલા ટેકનિશિયનો પણ ખોવા પડ્યા છે. યંત્રો ખોટકાવાના તથા આગ લાગવાના બનાવો બન્યા છે. મળી આવેલાં તેલવાયુનો તરત લાભ લેવાની વ્યવસ્થાના અભાવે વર્ષો સુધી અબજો રૂપિયાના વાયુ આદિને બાળી નાખવા પડ્યા હતા.

ગિરીશભાઈ પંડ્યા

બંસીધર શુક્લ