બૉમ્બેકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે મૂળભૂત રીતે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું કુળ છે અને 22 પ્રજાતિ અને 140 જાતિઓ ધરાવે છે. તે પૈકી એક પણ જાતિ સ્થાનિક (indigenous) નથી. તેની મોટી પ્રજાતિઓમાં Bombax (60 જાતિઓ), Ceiba (20 જાતિઓ) અને Adansonia(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. સફેદ શીમળો [Ceiba pentandra (Linn.) Gaertn.], શીમળો (Bombax ceiba Linn.) અને રૂખડો (Adansonia digitata Linn.) આ કુળની જાણીતી જાતિઓ છે.
આ કુળની જાતિઓ વૃક્ષ-સ્વરૂપ હોય છે અને તેનું થડ ઊંચું અને અસાધારણ જાડું હોય છે. તે સાદાં કે પાણિવત્ સંયુક્ત (palmately compound), એકાંતરિક પર્ણો ધરાવે છે. ઘણી વાર તેની સપાટી ઉપર શ્લેષ્મી કોષો અને તારાકાર રોમ કે છત્રાકાર શલ્ક હોય છે. ઉપપર્ણો (stipules) શીઘ્રપાતી (caducous) હોય છે. પુષ્પવિન્યાસ એકાકી પરિમિત અથવા પર્ણની કક્ષમાં કે સામેની બાજુએ ગુચ્છમાં ઉદભવે છે. પુષ્પ ત્રિજ્યાસમમિત (actinomorphic) [ભાગ્યે જ વ્યાસસમમિત (zygomorphic)], દ્વિલિંગી, મોટાં, સુંદર અને નિપત્રી (bracteate) હોય છે. પરિદલપુંજની નીચે કેટલીક વાર નિપત્રનું બનેલું ચક્ર નિચક્ર (involucre) જોવા મળે છે. વજ્રપત્રો 5, મુક્ત અથવા તલસ્થ ભાગેથી યુક્ત અને ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપત્રો 5 અને કલિકા-અવસ્થામાં વ્યાવૃત્ત (contorted) હોય છે. કેટલીક વાર દલપત્રોનો અભાવ હોય છે. પુંકેસરો 5થી માંડી અસંખ્ય, મુક્ત અથવા એકગુચ્છી (monadelphous) અથવા બહુગુચ્છી (polyandrous) હોય છે.
પરાગાશયો એકખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. પરાગરજ લીસી હોય છે. કેટલીક વાર વંધ્ય પુંકેસરો જોવા મળે છે. સ્ત્રીકેસરચક્ર 2થી 5 સ્ત્રીકેસરોનું બનેલું અને યુક્ત હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ, 2થી 5 કોટરનું બનેલું અને અક્ષવર્તી જરાયુ-વિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં 2 કે તેથી વધારે, અધોમુખી (anatropous), ટટ્ટાર અંડકો જોવા મળે છે. પરાગવાહિની 1, સમુંડ (capitate) અથવા શાખિત હોય છે. પરાગાસનો 1થી 5 હોય છે. ફળ કોષ્ઠ-વિદારક (loculicidal), પ્રાવર (કેટલીક વાર અસ્ફોટનશીલ શિંગ જેવું) અથવા અનષ્ઠિલ (berry) પ્રકારનું જોવા મળે છે. બીજ લીસાં, કેટલીક વાર ગર જેવી પેશીઓમાં અથવા ફલાવરણ(pericarp)માંથી ઉદભવતા ઊન જેવા પદાર્થમાં ખૂંપેલાં હોય છે. ઘણી વાર તે બીજચોલયુક્ત (arillate) હોય છે. ભ્રૂણપોષ (endosperm) ખૂબ અલ્પ હોય છે અથવા તેનો અભાવ હોય છે.
આ કુળ માલ્વેસી અને સ્ટક્ર્યુલિયેસી સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે, પરંતુ તે લીસી પરાગરજ, ફલાવરણ અને વંધ્ય પુંકેસરોની હાજરી વડે બંને કુળથી અલગ પાડી શકાય છે.
આર્થિક ર્દષ્ટિએ આ કુળ કા’પૉકના સ્રોત તરીકે (Ceibaનાં ફળો) અને બાલ્સા કાષ્ઠ (Ochroma) તરીકે ઉપયોગી છે. બહુ થોડી પ્રજાતિઓ (જેમ કે, Bombax, Adansonia, Pachira અને Chorisia) ઉષ્ણ પ્રદેશોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ