બૉઝવેલ, જેમ્સ (જ. 1740, ઍડિનબરો, સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 1795) : જાણીતા અંગ્રેજી જીવનચરિત્ર-લેખક. તેમણે એડિનબરો હાઈસ્કૂલ તેમજ યુનિવર્સિટી ખાતે અને પછી ગ્લાસગો ખાતે સિવિલ લૉનો અભ્યાસ કર્યો; પરંતુ સાહિત્યક્ષેત્ર તેમની મહત્વાકાંક્ષાનો અને તેમના આકર્ષણનો વિષય હતો. 18 મે વર્ષે તેમણે એક સામયિક શરૂ કર્યું, પણ મોટાભાગે તે નિંદાખોરીને વરેલું હતું. 1760માં તેઓ લંડન ભાગી નીકળ્યા અને ત્યાં વ્યભિચારી જીવનશૈલી અપનાવી.
જૉન્સન સાથે તેમનો પ્રથમ ભેટો થયો 1763માં. તેમણે જૉન્સનને હેબ્ડ્રીઝનો યાદગાર પ્રવાસ કરાવ્યો. ‘જર્નલ ઑવ્ ઍ ટૂર ટુ ધ હેબ્ડ્રીઝ’ (1785) નામનું પુસ્તક જૉન્સનના અવસાન પછી પ્રગટ થયું. તેને મળેલી સફળતાથી પ્રેરાઈને તે ‘લાઇફ ઑવ્ સૅમ્યુઅલ જૉન્સન’ (1791) જેવું જીવનચરિત્ર લખવા પ્રેરાયા. તે એમની ઉત્તમ અને જીવનચરિત્રના નમૂનારૂપ કૃતિ લેખાય છે.
મહેશ ચોકસી