બોગરા : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલા બોગરા જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 24° 51’ ઉ. અ. અને 89° 22’ પૂ. રે. જૂનું નામ બાગુરા. તે જમુના (બ્રહ્મપુત્રનો વિભાગ) નદીની શાખા કરતોયાના પશ્ચિમ કાંઠે વસેલું છે. બોગરા સડક તેમજ રેલમાર્ગનું અગત્યનું મથક હોઈ ગંગા-જમુના વચ્ચેના દક્ષિણ બારિંદ વિભાગ માટેનું વાણિજ્યનું કેન્દ્ર બની રહેલું છે. 1876માં ત્યાં મ્યુનિસિપાલિટીની રચના થઈ. અહીં ઉદ્યાન, સભાગૃહ, થિયેટર, રેશમ-ઉત્પાદન-સંવર્ધન માટેની સંસ્થા તથા રાજશાહી યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો આવેલી છે.

આ નગરની તદ્દન નજીક ઉત્તર તરફ પુંદ્રા વંશની રાજધાનીનું મથક પુંદ્રવર્ધન મહાસ્થાન તરીકે ઓળખાતું સ્થળ આવેલું છે. તે મૌર્ય સમય(ઈ. પૂ. 300)ના ગાળાનું છે. આ સ્થળ તે પછીના ગુપ્ત અને પાલ વંશો દરમિયાન પણ સમૃદ્ધ થતું ગયેલું.

આ જિલ્લાનો વિસ્તાર 3,888 ચોકિમી. જેટલો છે. જિલ્લામાં જમુનાની પશ્ચિમે આવેલાં મેદાનો ડાંગરના પાક માટે જાણીતાં છે. જમુના અને કરતોયા નદીઓ વચ્ચેનો પૂર્વભાગ નીચાણવાળો છે તેથી ત્યાં ખીણો તથા પંકવિસ્તારો જોવા મળે છે, જ્યારે પશ્ચિમતરફી ભાગ ઊંચાણવાળો હોવાથી ત્યાં પૂરનાં પાણી ફરી વળતાં નથી.

ગિરીશભાઈ પંડ્યા