બૉક્સર વિદ્રોહ (1900) : ચીનમાંથી વિદેશીઓને દૂર કરવા થયેલો વિદ્રોહ. ચીનમાં બૉક્સર વિદ્રોહના સમયે સમ્રાટ કુઆંગ-શુનું શાસન હતું; પરન્તુ રાજમાતા ત્ઝૂ–શી વાસ્તવિક સત્તા ભોગવતી હતી. આ દરમિયાન જાપાની, રશિયન, બ્રિટિશ, અમેરિકન વગેરે વિદેશી લોકોએ આર્થિક સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ દ્વારા ચીનનું આર્થિક શોષણ કર્યું. ચીનના સાર્વભૌમત્વ માટે પણ ભય પેદા થયો. ચીનમાં પોતાનાં પ્રભાવક્ષેત્રો ઊભાં કરીને પોતાના સંરક્ષિત વિસ્તારો બનાવી તે પ્રદેશો પડાવી લેવાની વેતરણમાં વિદેશીઓ પડ્યા હતા. તેમને ચીનમાંથી હાંકી કાઢવા માટે ગુપ્ત મંડળો રચાયાં હતાં. તેનું નિશાન ‘ઉગામેલો મુક્કો’ હોવાથી વિદેશીઓ તેમને બૉક્સરો તરીકે ઓળખતા હતા. તેમણે ઈ. સ. 1899થી ચીના ખ્રિસ્તીઓ તથા પશ્ચિમના દેશોના ધર્મપ્રચારકો (મિશનરીઓ) પર હુમલા કરવા માંડ્યા. શાન્તુંગ પ્રાંતમાં જૂન 1900માં બળવો શરૂ થયો તે ચિહલી, શાન્સી પ્રાંતો તથા દક્ષિણ મંચુરિયામાં પણ ફેલાયો. બૉક્સરોએ મિશનરી શાળાઓ અને મકાનો બાળ્યાં, રેલવેના પાટા ઉખાડ્યા તથા ટેલિગ્રાફના તાર તોડ્યા. બૉક્સરોએ રાજધાની પેકિંગ (બેઇજિંગ) પર હુમલો કર્યો; તિન્ત્સીનમાં વિદેશીઓ પર ઘાતકી હુમલા કરવામાં આવ્યા. અનેક ખ્રિસ્તીઓની હત્યા કરવામાં આવી. ચીનની સરકારે બૉક્સરોને ટેકો આપ્યો અને વિદેશીઓને દેશ છોડીને ચાલ્યા જવા જણાવવામાં આવ્યું. વિદેશીઓએ દૂતાવાસોમાં આશ્રય લીધો. તેથી 1900ના જૂનથી ઑગસ્ટ સુધી દૂતાવાસો પર હુમલા કરવામાં આવ્યા. જાપાની એલચી કચેરીના અધ્યક્ષ તથા જર્મન રાજદૂત સહિત 250થી વધુ વિદેશીઓની હત્યા કરવામાં આવી.

વિદેશી રાજદૂતોએ બૉક્સરોના ભયને ઓળખી લઈને પોતાનાં સૈન્યો બોલાવ્યાં. જાપાન, રશિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ તથા યુનાઇટેડ સ્ટેટ્સના સંયુક્ત સૈન્યે બૉક્સરોને હરાવ્યા. અનેક બૉક્સરોની કતલ કરવામાં આવી. આમ ચીનમાંથી વિદેશીઓને હાંકી કાઢવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. ચીનના દક્ષિણના પ્રાંતો આ વિદ્રોહમાં જોડાયા નહોતા. 7 સપ્ટેમ્બર 1901ના રોજ ચીનની મંચુ સરકાર અને બીજા અગિયાર દેશોના પ્રતિનિધિઓ વચ્ચે બૉક્સર સમજૂતી કરવામાં આવી. તે મુજબ ચીને કેટલાક અધિકારીઓને મૃત્યુદંડ આપવાનું, બીજા કેટલાકને સજા કરવાનું, કેટલાક કિલ્લાઓ તોડી નાખવાનું અને નુકસાની પેટે 33 કરોડ ડૉલર આપવાનું કબૂલ કર્યું.

મોહન વ. મેઘાણી