બૈતુલ હિકમત : બગદાદ શહેરની વિદ્યાના વિકાસ માટેની એક પ્રાચીન સંસ્થા. અબ્બાસી વંશના ખલીફા હારૂન અલ-રશીદ (જ. 763; – અ. 809) તથા તેમના વજીર અલ બરામિકાના પ્રયત્નોથી પ્રાચીન ગ્રીક વિજ્ઞાનોના મૂળ ગ્રંથો રોમનો પાસેથી મેળવીને તેમનો અરબીમાં અનુવાદ કરવાની પરંપરા અગાઉ શરૂ થઈ હતી અને આવા ગ્રંથોના સંગ્રહ માટે બગદાદમાં સંગ્રહાલયો પણ સ્થાપવામાં આવ્યાં હતાં. ખલીફા મામૂન અલ-રશીદે (અ. 833) આ વિદ્યાકીય પ્રવૃત્તિને વધુ વ્યવસ્થિત કરવાના આશયથી બગદાદમાં એક નવી સંસ્થાની સ્થાપના કરી હતી અને તેનું નામ ‘બૈતુલ હિકમત’ અથવા ‘વિદ્યા-ગૃહ’ રાખ્યું હતું. આ સંસ્થાના શરૂઆતના વ્યવસ્થાપક સહલ બિન હારૂન તથા સલ્મ હતા અને સઇદ બિન હારૂન તેમનો મદદગાર હતો. ગ્રીક ભાષામાંથી અરબી ભાષામાં અનુવાદ કરવા માટે અનુવાદકોનું જૂથ રાખવામાં આવતું હતું. એ સાથે સારા લહિયાઓ અને જિલ્દ બાંધનારા (book binders) પણ રાખવામાં આવ્યા હતા.
આ ‘બૈતુલ હિકમત’ની સ્થાપના પાછળની ભાવના ઇસ્લામી વિચારધારાના વિકાસની હતી અને તે માટે પૂર્વ તથા પશ્ચિમની વિદ્યાઓના અભ્યાસને આવશ્યક બનાવવામાં આવ્યો હતો. આ સંસ્થાએ ખગોળશાસ્ત્રના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી હતી. બગદાદ તથા દમાસ્કસમાં સ્થાપવામાં આવેલી વેધશાળાઓ આ સંસ્થા સાથે સીધી રીતે સંકળાયેલી હતી. ત્યાં મુસ્લિમ વિદ્વાનોએ પંચાંગો તૈયાર કર્યાં હતાં. આ સંસ્થાએ મુસ્લિમ જગતમાં વિજ્ઞાનોના વિકાસ તથા પ્રસારણમાં અને ખાસ કરીને ગ્રીક વિદ્યાઓને નષ્ટ થતી અટકાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ સંસ્થાના નમૂના પરથી પાછળના સમયમાં ઘણી ખાનગી સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી