બેહિસ્તુન : પશ્ચિમ ઈરાનના કરમનશા પ્રદેશમાં ઝાગ્રોસ પર્વતની તળેટીમાં આવેલાં ગામ અને ઊભો ખડક. પ્રાચીન સમયમાં મિડિયાના પાટનગર એકબતાનાથી બૅબિલોન તરફ જતા માર્ગ પર તે આવેલ હતું. ઈરાનના એકિમિનિસના વંશજ મહાન દરાયસ પહેલા(શાસનકાળ ઈ. પૂ. 522–486)એ તે ખડક ઉપર તેનો જાણીતો શિલાલેખ ત્રણ ભાષામાં કોતરાવ્યો હતો. ક્યુનિફૉર્મ લિપિ ઉકેલવામાં તે ઉપયોગી થયો હતો. તે શિલાલેખ બૅબિલોનિયન, ઇલેમાઇટ અને જૂની પર્શિયન ભાષાઓમાં લખાયેલો છે. કેમ્બિસિસ બીજાના મરણ પછી તેની ગાદી પચાવી પાડનાર ગોમતાને તેણે બેહિસ્તુન નજીક કેવી રીતે મારી નાખ્યો, કેવી રીતે બળવાખોરોને હરાવ્યા અને ગાદીએ બેઠો તેની તેમાં નોંધ કરેલ છે. તેમાં તેના સામ્રાજ્યના સત્રપીઓ(પ્રાંતો)ની યાદી આપવામાં આવી છે. શિલાલેખની ઉપરના ભાગમાં દરાયસ અને નજીકમાં ભાલો અને તીર સહિત તેના રક્ષકો ઊભા છે. દરાયસે તેનો પગ પરાજિત શત્રુ ગોમતા ઉપર મૂકેલો છે. તેની ઉપરના ભાગમાં પાંખવાળા દેવ અહુરમઝ્દ દરાયસની સલામ ઝીલે છે.
સર હેનરી ક્રેસવિક રૉલિન્સન નામના ઈરાનમાં કામ કરતા ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીએ 1835માં પ્રથમ વાર તે શિલાલેખની નકલ કરી. તેણે જૂની પર્શિયન ક્યુનિફૉર્મનું લખાણ ઉકેલીને 1849માં પ્રગટ કર્યું. તેના આધારે બૅબિલોનિયન તથા ઇલેમાઇટ ભાષાનાં વૃત્તાંતો વાંચી શકાયાં હતાં.
જયકુમાર ર. શુક્લ