બેસિમર કન્વર્ટર રીત : સ્ટીલ બનાવવાની એક રીત. સ્ટીલ બનાવવાની આધુનિક રીતમાં બેસિમર રીત સૌથી જૂની છે. ઈ.સ. 1856માં એચ. બેસિમરે ભરતર લોહના રસમાં હવા ફેંકીને સ્ટીલ બનાવી, સ્ટીલ બનાવવાની રીતમાં સૌપ્રથમ મોટો ફેરફાર કર્યો. તે પહેલાં લોખંડની કાચી ધાતુ (iron ore) પર કાર્બનયુક્ત ઊર્જા-પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા (reaction) કરી તેમાંથી સ્ટીલ બનાવવામાં આવતું હતું.
સ્ટીલ બનાવવાની રીતો બે પ્રકારમાં મૂકી શકાય. સ્લેગમાં જો સિલિકાનું પ્રમાણ વધુ હોય તો તે ઍસિડ રીતમાં અને ચૂનાનું પ્રમાણ વધુ હોય તો બેઝિક રીતમાં મૂકી શકાય. આ પ્રકારની સ્ટીલ બનાવવાની રીતોના બે પ્રકારો ભઠ્ઠીના સ્તર(furnace lining)ને કારણે પડે છે. ઍસિડ રીતમાં ભઠ્ઠીના સ્તરનો પદાર્થ સિલિકોનનો હોય છે; જ્યારે બેઝિક રીતમાં ડોલોમાઇટ કે મૅગ્નેસાઇટ પદાર્થનું સ્તર રાખવામાં આવે છે. ભરતર લોહ(pig iron)માં કાર્બન, મૅંગેનીઝ અને સિલિકોન કે જે મુખ્યત્વે અશુદ્ધિ રૂપે હોય છે, તેમનું ઑક્સીકરણ થાય છે, અને તે ઑક્સાઇડો છૂટા પાડી સ્ટીલ બનાવાય છે. સ્ટીલ બનાવવા માટે વપરાતા ભરતર લોહમાં સામાન્ય રીતે 4 % કાર્બન, 1 % મગેનીઝ અને 1 % સિલિકોન હોય છે. આ ઉપરાંત વધતા-ઓછા પ્રમાણમાં ગંધક (સલ્ફર) અને ફૉસ્ફરસ હોય છે.
મૂળ બેસિમર કન્વર્ટર ઉપયોગમાં લેવાયું તેની લાઇનિંગમાં ઍસિડ લાઇનિંગ વપરાઈ હતી. ભરતર લોહમાં ગંધક અને ફૉસ્ફરસનું પ્રમાણ બહુ ઓછું હોય તેવું લોહ જ બેસિમર કન્વર્ટરમાં વાપરી શકાય, કારણ કે આ રીતમાં ગંધક અને ફૉસ્ફરસ તત્વો દૂર કરી શકાતાં નથી. આ રીતની આ મોટી મર્યાદા છે. માટે બેસિમર કન્વર્ટરની રીત હવે સ્ટીલ બનાવવામાં વપરાતી નથી.
કન્વર્ટરમાં નીચેના ભાગે મોટી હવા-પેટી (wind box) આપવામાં આવી હોય છે. તેમાંથી હવા કન્વર્ટરમાં ફૂંકણી દ્વારા ફેંકવામાં આવે છે. આમ કરવાથી ભરતર લોહમાં અશુદ્ધિ રૂપે રહેલ કાર્બન, સિલિકોન અને મૅંગેનીઝ જેવાં તત્વોનું ઑક્સીકરણ થાય છે અને તેના ઑક્સાઇડો છૂટા થાય છે. આ રીતમાં ગરમ રસનું તાપમાન જાળવી રાખવા બીજી બાહ્ય ગરમી આપવી પડતી નથી, કારણ કે સિલિકોનનું ઑક્સીકરણ થાય તે ક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે, તેથી રસ(charge)ની ગરમી જળવાઈ રહે છે. ક્રિયા પૂરી થાય ત્યારે આશરે 1,600° સે. જેટલું તાપમાન હોય છે અને ત્યારે છેવટે ઓછા કાર્બનવાળું સ્ટીલ (low carbon steel) મળે છે.
મૂળ બેસિમર કન્વર્ટર રીતમાં ફેરફાર કરી 1878માં થોમસ પ્રોસેસ વિકસાવવામાં આવી. તેમાં બેઝિક લાઇનિંગનો ઉપયોગ થયો. તેથી ‘બેઝિક બેસિમર રીત’ તરીકે પણ તે ઓળખાય છે. આ રીતનો પ્રચાર યુરોપના દેશમાં ખૂબ થયો. બેસિમર રીતો હાલ વપરાતી ન હોવા છતાં ઑક્સીકરણ વડે ભરતર લોહમાંથી સ્ટીલ બનાવવાની તે પ્રથમ રીત હોઈ તેનું મહત્વ છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ