બેસલ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 1784; અ. 1846) : ર્દષ્ટિસ્થાનભેદ(parallex)ની રીતથી દૂરના તારાના અંતરનું માપન કરનાર જર્મન ખગોળવિદ. બેસલે સાયરસના સાથીદારનું સૂચન કર્યું અને બેસલ વિધેયો દાખલ કર્યાં. તેમણે હિસાબનીસ તરીકેનું પ્રશિક્ષણ યુવા વયે લીધું તે દરમિયાન નૌસંચાલન (navigation) અને ખગોળનો અભ્યાસ કર્યો. 26 વર્ષની નાની વયે આવી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવા બદલ તેમને કૉનિગ્સબર્ગ (Konigsberg) વેધશાળાના નિયામક તરીકેનું સ્થાન મળ્યું.
ગ્રહીય અને તારાકીય ગતિમાં પેદા થતા ક્ષોભ(perturbation)નું વિશ્લેષણ એ બેસલનું મુખ્ય અને મહત્વનું કાર્ય છે. તે માટે જરૂરી કેટલાંક વિધેયો તૈયાર કર્યાં જે આજે બેસલ વિધેયો તરીકે પ્રચલિત છે. આ વિધેયો તેમણે 1824માં ગ્રહીય ક્ષેત્રના સંશોધન-લેખમાં પ્રસિદ્ધ કર્યાં. ભૌતિકવિજ્ઞાનની વિવિધ શાખાઓમાં બેસલ વિધેયોનો વ્યાપક રીતે ઉપયોગ થતો હોય છે. બેસલે સૌપ્રથમ વાર 1838માં ર્દષ્ટિસ્થાનભેદની રીતથી દૂરના તારાના અંતરનું માપન કર્યું.
તારાકીય ર્દષ્ટિસ્થાનભેદ એ નજીકના તારાઓ સાથેનું, સમય પસાર થતાં મળતું, સ્થાનાંતર છે. આવા સ્થાનાંતરનું એ કારણ છે કે પૃથ્વી કક્ષામાં ગતિ કરે ત્યારે તેનું અવલોકન જુદા જુદા કોણેથી કરવામાં આવે છે. આવો ર્દષ્ટિસ્થાનભેદ આ પહેલાં જોવામાં આવ્યો ન હતો. આ બાબતે કૉપરનિકસે સૂચવ્યું હતું કે તારાઓ એટલા બધા દૂર હોય છે જેથી ર્દષ્ટિસ્થાનભેદનું માપન અતિ અલ્પ મળે છે.
જોડિયા તારા 61 સિગ્ની(Cygni)નો ર્દષ્ટિસ્થાનભેદ માપવામાં બેસલને સફળતા મળી અને માપન 0.3″ જેટલું મળ્યું. પરિણામે ગણતરી ઉપરથી તેનું અંતર 10.3 પ્રકાશવર્ષ જેટલું મળ્યું. લગભગ આ સમયે તેમણે સાયરસની તરંગ જેવી ગતિનું અવલોકન કર્યું. આવી ગતિનું કારણ તેના અશ્ય સાથીદારની ગુરુત્વાકર્ષી અસર છે, એવું તેમણે સૂચન કર્યું. આ અર્દશ્ય સાથીદાર સાયરસ B તરીકે ઓળખાય છે. દૂરબીનના લેન્સ બનાવનાર એલ્વન ક્લાર્કે સાયરસ Bને 1862માં શોધી કાઢ્યો. બૃહસ્પતિના મુખ્ય ઉપગ્રહોની કક્ષાનું વિશ્લેષણ કરીને આ ગ્રહના દળની ગણતરી તેમણે કરી. આ ઉપરથી તેમણે બૃહસ્પતિના દ્રવ્યની ઘનતા પણ નક્કી કરી.
યુરેનસની કક્ષામાં પેદા થતી અનિયમિતતા કોઈ અજ્ઞાત ગ્રહની હાજરીને કારણે થતી હોવી જોઈએ એવું તેમણે નક્કર સૂચન કર્યું હતું. આવો અજ્ઞાતગ્રહ–નેપ્ચૂન હતો અને તે શોધાયો તે પહેલાં થોડાક મહિના અગાઉ બેસલનું અવસાન થયું.
પ્રહલાદ છ. પટેલ