બેસન્ટ, ઍની (જ. 1 ઑક્ટોબર 1847, લંડન; અ. 21 સપ્ટેમ્બર 1933, અડ્યાર, ચેન્નઈ) : ભારતને સેવાક્ષેત્ર બનાવીને થિયૉસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ઍની બેસન્ટનો જન્મ આયરિશ કુટુંબમાં થયો હતો. બાળપણમાં જ તેમના પિતા વિલિયમ પેજ વુડ મરણ પામ્યા. માતા એમિલી પાસેથી મિસ મેરિયટ ઍનીને ભણાવવા પોતાને ઘેર લઈ ગઈ. ઍનીએ ત્યાં સંગીત,  ઘોડેસવારી તથા ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો. તેમણે જર્મની અને ફ્રાંસનો પ્રવાસ પણ કર્યો. 1867માં ઍનીએ ફ્રૅન્ક બેસન્ટ નામના પાદરી સાથે લગ્ન કર્યાં. 1873માં તેઓ અલગ થઈ ગયાં. આ દરમિયાન ઍની પોતાના લત્તામાં ગરીબોની સેવા, દર્દીઓની સારવાર, નિર્ધનોને દ્રવ્યસહાય વગેરે કાર્યો કરતાં હતાં.

ધાર્મિક પાખંડો ને વહેમો સામે બંડ જગાવવા ચાર્લ્સ બ્રૅડલૉએ સ્થાપેલ નૅશનલ સેક્યુલર સોસાયટીનાં ઍની કાર્યકર અને તેના સાપ્તાહિક મુખપત્ર ‘નૅશનલ રિફૉર્મર’નાં બ્રેડલો સાથે સહ-સંપાદક બન્યાં. તેમાં તેમણે ખ્રિસ્તી ધર્મના પાખંડોની સખત ટીકા કરી. તેઓ સંતતિનિયમન તથા સ્ત્રીઓના અધિકારોનાં હિમાયતી હતાં. ઇંગ્લૅન્ડમાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુધારા કર્યા. કારખાનાંમાં કામ દરમિયાનની યુવતીઓની સ્થિતિ સુધારવા તેમણે ઝુંબેશ ચલાવી.

ઍની ફેબિયન સોસાયટીનાં સભ્ય બન્યાં અને સિડની વેબ, જ્યૉર્જ બર્નાર્ડ શૉ, લૅન્સબરી, રામસે મૅકડોનલ્ડ જેવા પ્રસિદ્ધ સમાજવાદીઓનાં સાથી તરીકે ચળવળમાં જોડાયાં. ગરીબોના રક્ષણાર્થે નવા કાયદા કરાવવા એમણે પ્રયાસો કર્યા અને લેખો લખ્યા.

ઍની બેસન્ટ

તેમણે મૅડમ એચ. પી. બ્લૅવટ્સ્કી-લિખિત ‘ધ સીક્રેટ ડૉક્ટ્રિન્સ’ પુસ્તક વાંચ્યું. તેનાથી તેઓ પ્રભાવિત થયાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. 1889માં તેઓ થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાઈ બ્લૅવટ્સ્કીનાં શિષ્ય અને સહાયક બન્યાં. નવેમ્બર 1893માં તેઓ ભારત આવ્યાં અને દક્ષિણ ભારતનાં નગરોમાં આધ્યાત્મિક પ્રવચનો કર્યાં તથા ચેન્નઈ પાસે અડ્યારમાં થિયૉસૉફિકલ સોસાયટીના વાર્ષિક સંમેલનમાં હાજરી આપી. 1894માં ઉત્તર ભારતનાં નગરોમાં ભારતીય સંસ્કૃતિ વિશે તેમણે પ્રવચનો કર્યાં. ત્યારબાદ તેમણે ‘શ્રીમદભગવદગીતા’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. 1907માં કર્નલ ઑલકોટના નિધન બાદ તેઓ આ સોસાયટીનાં આજીવન પ્રમુખ ચૂંટાયાં. ભારતના અનેક સેવાભાવી યુવકોને તેમણે આજીવન સેવા અર્પવા આ સોસાયટીમાં આકર્ષ્યા હતા.

શિક્ષણમાં આર્યત્વના પાયા રોપવા માટે તેમણે 1898માં વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે અંત્યજો તથા મહિલાઓ માટેની શાળાઓ, અડ્યારની રાષ્ટ્રીય કૉલેજ, બ્રહ્મવિદ્યાશ્રમ અને મદનપલ્લીમાં નૅશનલ કૉલેજ સ્થાપ્યાં. તેમણે 1917માં સોસાયટી ફૉર ધ પ્રમોશન ઑવ્ નૅશનલ એજ્યુકેશન અને 1918માં અડ્યારમાં નૅશનલ યુનિવર્સિટી સ્થાપી.

ભારતને હોમરૂલ એટલે કે સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ અપાવવા માટે તેમણે સપ્ટેમ્બર 1916માં ઇન્ડિયન હોમરૂમ લીગની સ્થાપના કરી. તે પહેલાં જાન્યુઆરી 1914માં તેમણે ‘કૉમન વિલ’ નામનું સાપ્તાહિક અને જૂન 1914માં ‘ન્યૂ ઇન્ડિયા’ નામે દૈનિક શરૂ કરી તેમાં હોમરૂલના ટેકામાં લેખો લખ્યા. તેમણે હોમરૂલ લીગની શાખાઓ શરૂ કરી તથા તેના પ્રચાર માટે દેશવ્યાપી પ્રવાસ ખેડી સભાઓને સંબોધી. તેઓ પ્રભાવશાળી વક્તા હતાં. મદ્રાસ ઇલાકા(તમિળનાડુ)ના ગવર્નરના હુકમથી જૂન 1917માં ઍની બેસન્ટ અને તેમના સાથીઓ જી. એસ. અરુન્ડેલ તથા બી. પી. વાડિયાને નજરકેદ કરવામાં આવ્યાં. સમગ્ર દેશમાં તેનો વિરોધ થવાથી ઑગસ્ટ 1917માં તેમને મુક્ત કરવામાં આવ્યાં. એ જ વર્ષે ડિસેમ્બર 1917માં કલકત્તા મુકામે ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે તેમને પસંદ કરવામાં આવ્યાં. હોમરૂલ આંદોલનના સીધા પરિણામ રૂપે મૉન્ટેગ્યુની બંધારણીય સુધારા વિશેની જાહેરાત કરવામાં આવી. ગાંધીજીએ 1920માં અસહકારની ચળવળ શરૂ કરી ત્યારે ઍની બેસન્ટે તેનો વિરોધ કર્યો, કારણ કે તેઓ માત્ર બંધારણીય લડતમાં માનતાં હતાં. એ વિરોધના કારણે તેમની લોકપ્રિયતા ઘટી હતી.

તેમણે 1917માં ઇન્ડિયન બૉય સ્કાઉટ્સ ઍસોસિયેશન સ્થાપ્યું અને 1921માં તેને આંતરરાષ્ટ્રીય ચળવળ સાથે જોડી દીધું. સ્કાઉટની ચળવળનો ‘ઑર્ડર ઑવ્ ધ સિલ્વર વુલ્ફ’ નામનો ખિતાબ તેમને 1932માં એનાયત કરવામાં આવ્યો. તેમણે 1917માં વિમેન્સ ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કરી. તેમણે જે. કૃષ્ણમૂર્તિ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ તથા ગ્રેટ બ્રિટનમાં લાંબો પ્રવાસ કર્યો હતો. તેમણે થિયૉસૉફીને લગતા અનેક ગ્રંથો લખ્યા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સેવાકાર્ય તથા સત્યની શોધ માટે સમર્પી દીધું હતું.

જયકુમાર ર. શુક્લ