બૅસની સામુદ્રધુની : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય ભૂમિ અને તેની દક્ષિણે આવેલા ટાસ્માનિયા ટાપુની વચ્ચે આવેલી સામુદ્રધુની. 39° 30´ દ. અ. અને 146° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલી આ સામુદ્રધુની પૂર્વ તરફ આવેલા પેસિફિક મહાસાગરને પશ્ચિમ તરફના દક્ષિણ મહાસાગર સાથે જોડે છે. તેની પહોળાઈ આશરે 240 કિમી અને ઊંડાઈ સ્થાનભેદે 55થી 90 મીટર જેટલી છે. વેગીલા દરિયાઈ પ્રવાહો તેમાંથી પસાર થાય છે, તેથી બારે માસ અહીં તોફાની પરિસ્થિતિનું નિર્માણ થયા કરે છે. આ સામુદ્રધુનીમાં ઘણા ટાપુઓ આવેલા છે, તે પૈકી પૂર્વ તરફ ફ્લાઇન્ડર્સ ટાપુ, ફર્નોક્સ ટાપુસમૂહ, કેન્ટ ટાપુસમૂહ તથા પશ્ચિમ તરફ કિંગ ટાપુ મુખ્ય છે. 1798માં જ્યૉર્જ બૅસ, મૅથ્યુ ફ્લાઇન્ડર્સ સાથે અહીંથી વહાણ પસાર કરી ગયેલો, તેથી તેના નામ પરથી આ સામુદ્રધુનીનું નામ ‘બૅસની સામુદ્રધુની’ પડેલું છે. આ સામુદ્રધુનીની ઉત્તર તરફના મથાળે વિક્ટોરિયા રાજ્યનું મેલબૉર્ન શહેર આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા