બેલ, ડેનિયલ (જ. 10 મે 1919, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકી સમાજશાસ્ત્રી અને પત્રકાર. ન્યૂયૉર્ક સિટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1930માં સ્નાતક થયા. તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને 1941–45 દરમિયાન ‘ધ ન્યૂ લીડર’ સામયિકના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ત્યારબાદ તેઓ જાણીતા સામયિક ‘ફૉરચ્યૂન’ના શ્રમ વિભાગના સંપાદક બન્યા. લગભગ વીસ વર્ષ પત્રકારત્વના ક્ષેત્રે કામગીરી કર્યા બાદ તેઓ પૅરિસની ‘કૉંગ્રેસ ફૉર કલ્ચરલ ફ્રીડમ’ નામની સંસ્થાના નિયામક બન્યા. 1959માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા (1959–69). આ સંસ્થાની કામગીરી દરમિયાન 1960માં તેમણે ડૉક્ટરેટ મેળવી. 1969માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેઓ જોડાયા.

તેમના વ્યક્તિત્વમાં જાગ્રત પત્રકાર અને શિક્ષકના કર્તૃત્વનું ઉત્તમ સંયોજન થવા પામ્યું છે. પરિણામે રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા થતું વ્યક્તિઘડતર તેમની મુખ્ય નિસબતનો વિષય બન્યો છે. રાજકીય સમાજશાસ્ત્રનો તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. કલ્યાણરાજ્ય અને મિશ્ર અર્થતંત્રથી પશ્ચિમમાં બહુત્વવાદી સર્વસંમતિ(pluralistic consensus)નું રાજકારણ પેદા થયું છે – એમ કહીને આ વિચારોનો તેમણે પ્રસાર કર્યો તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર અને વિકસતા દેશોમાંથી વૈચારિક સંઘર્ષ નાબૂદ કરવા તેઓ પ્રયત્નશીલ બન્યા. મૂડીવાદી સમાજ અંતર્ગત રહેલા વિરોધાભાસોની સમાજશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા પુનર્વિચારણા થવી જોઈએ એવું તેમનું મંતવ્ય રહ્યું છે.

‘માર્ક્સિયન સોશિયૉલોજી ઇન અમેરિકા’ (1952) તેમનો પ્રથમ ગ્રંથ હતો. તેમના ‘ધ રિફૉર્મિંગ ઑવ્ જનરલ એજ્યુકેશન’ ગ્રંથને અમેરિકાનો બોર્ડન ઍવૉર્ડ એનાયત થયો હતો. ‘ધ કમિંગ ઑવ્ પોસ્ટ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી’(1974)માં તેમણે ટેક્નિકલ જ્ઞાનની સામાજિક અને રાજકીય અગત્ય પર ભાર મૂકવાની જરૂરિયાત બતાવી છે. ‘ધ કલ્ચરલ કૉન્ટ્રાડિક્શન ઑવ્ કૅપિટાલિઝમ’(1976)માં તેમણે વિજ્ઞાન ટૅકનૉલૉજી અને મૂડીવાદ વચ્ચેના સંબંધોને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ‘ધી એન્ડ ઑવ્ આઇડિયૉલોજી’ (1960) તથા ‘ધ વાઇન્ડિંગ પૅસેજ’ (1980) જેવા તેમના અન્ય ગ્રંથો પણ જાણીતા છે.

રક્ષા મ. વ્યાસ