બૅલડ : ‘બૅલાદે’ અને ‘બૅલે’ની માફક આ શબ્દ પણ ઉત્તરકાલીન લૅટિન તથા ઇટાલિયન ‘બૅલારે’ એટલે કે ‘નૃત્ય કરવું’ એ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. તાત્વિક રીતે બૅલડ એક પ્રકારનું ગીત છે અને તેમાં વાર્તાકથન હોય છે. પ્રારંભમાં તે નૃત્યની સંગતમાં સંગીત સાથે ગવાતું રજૂ થતું. મોટાભાગનાં બૅલડની કેટલીક લાક્ષણિકતાઓની તારવણી કરવામાં આવી છે તે આ પ્રમાણે છે : (ક) તેનો પ્રારંભ અણધાર્યા કે અસંબદ્ધ ઉપાડથી થતો હોય છે; (ખ) તેની ભાષા સરળ-સાદી હોય છે; (ગ) વાર્તાકથન સંવાદ તથા ઘટના મારફત થતું હોય છે; (ઘ) તેનું વિષય-વસ્તુ બહુધા કરુણ હોય છે. (અલબત્ત, કેટલાંક બૅલડ હાસ્યરસિક પણ હોય છે); (ઙ) તેમાં ઘણી વાર ધ્રુવપદ હોય છે.

આમાં બીજી કેટલીક લાક્ષણિકતાઓનું ઉમેરણ કરી શકાય. (1) બૅલડમાં સામાન્ય રીતે એક જ પ્રસંગનું નિરૂપણ હોય છે; (2) પરાકાષ્ઠા તરફ દોરી જતા બનાવો ઝડપથી બનતા હોય છે;

(3) આસપાસના વાતાવરણ વગેરેનું વિગતવર્ણન અલ્પતમ હોય છે; (4) તેમાં નાટ્યતત્વ સંગીન હોય છે; (5) વર્ણનમાં ગણનાપાત્ર પ્રમાણમાં ઉત્કટતા કે આવેશ હોય છે અને તે એક પ્રકારની નિકટતમતા ધરાવે છે; (6) કથક બિનઅંગતતાનો અભિગમ ધરાવતા હોય છે, (7) કંઠોપકંઠ પરંપરામાં રૂઢ થયેલાં અને સુનિશ્ચિત-સુપરિચિત બનેલાં વિશેષણોનો પ્રયોગ થતો હોય છે, (8) તેમાં ઘણી વાર સતત વધતું જતું પુનરાવર્તન હોય છે, (9) ઘટના વિશે માત્ર એકાદી પંક્તિ જ હોવાથી તથા વાર્તાનો પ્રવાહ વેગીલો હોવાથી પાત્રચિત્રણ વિશે સબળ પ્રયાસ કરવાનું અશક્ય બની રહે છે; (10) કલ્પકતા છૂટીછવાઈ અને ખૂબ સરળ હોય છે.

બૅલડના 2 ભાગ પાડી શકાય : લોકબૅલડ કે લોકભોગ્ય બૅલડ અને સાહિત્યિક બૅલડ. લોકબૅલડના રચયિતા અજ્ઞાત હોય છે. તે બૅલડ કંઠોપકંઠ, પેઢી-દર-પેઢી ગાયક દ્વારા ગવાતું અને એ રીતે પરંપરાગત રીતે સચવાતું હોય છે. આમ તે મૌખિક પરંપરાનું સર્જન હોય છે. મુખ્યત્વે તે અશિક્ષિત કે અર્ધશિક્ષિત જનસમાજમાં પ્રચલિત હોય છે; ઉત્તર લૅટિન, મધ્ય બાલ્કનના કેટલાક ભાગો તથા સિસિલીમાં તો તે હજુય એક જીવંત પરંપરા બની વિકસતું રહ્યું છે. ફ્લૉરેન્સ તથા આઇસલૅન્ડના બૅલડ-રચયિતા આ પ્રકારના પરંપરાગત બૅલડના કથા-સંચયમાં ઉમેરો કરતા રહ્યા છે.

સાહિત્યિક બૅલડનો રચનાકાર અજ્ઞાત કે અનામી હોતો નથી; પરંતુ કોઈ કવિ જેમ જેમ બૅલડ કૃતિની રચના કરતો જાય તેમ તેમ તે લિપિમાં ઊતરતું જાય છે. આટલો તફાવત બાજુએ રાખીએ તો બંને પ્રકારનાં બૅલડમાં કેટલીક સ્પષ્ટ સમાનતા પણ જોવા મળે છે.

બૅલડનો સાહિત્યપ્રકાર ખૂબ પ્રાચીન કાળનો મનાય છે. કેટલાંક બૅલડમાંથી હોમરનાં મહાકાવ્યો માટે મુખ્ય કથાવસ્તુ મળ્યું હોવાનું મનાય છે. તે સિવાય, બૅલડની પરંપરા યુરોપમાં મુખ્યત્વે મધ્યયુગની ઉત્તરકાલીન સદીઓમાં આવિષ્કાર પામી જણાય છે. બૅલડ ડેન્માર્કમાં બારમી સદીમાં; રશિયામાં તેરમી સદીમાં; સ્પેન, સ્કૉટલૅન્ડ તથા ઇંગ્લૅન્ડમાં ચૌદમી સદીમાં. ચૌદમી સદીના અંત સુધીમાં સ્કૅન્ડિનેવિયા તથા દક્ષિણમાંના પૂર્વ અને મધ્ય યુરોપના દેશોમાં તે સુસ્થિર તથા સુનિશ્ચિત પરંપરા બની ચૂક્યું હતું.

બૅલડનો કવિ સમૂહજીવન-સમાજજીવન, સ્થાનિક તથા રાષ્ટ્રીય ઇતિહાસ, દંતકથા અને લોકકથાઓ જેવી સામગ્રીમાંથી પોતાનું વિષયવસ્તુ મેળવે છે. તેનાં કથાનકો બહુધા સાહસ-શૂરાતન, યુદ્ધ, પ્રણય, મૃત્યુ તથા અલૌકિક ઘટના-તત્વો જેવા વિષયો વણી લેતાં હોય છે. આ તમામ વિષયો તથા ઘટના-તત્વોને આવરી લેતા બૅલડ-ચક્રને મહાકાવ્યસહજ બૅલડ (narodne pesme) ગણવામાં આવે છે. 1389ના કૉસોવોના યદ્ધના પગલે પગલે તેનો ઉદભવ તથા વિકાસ થયો. બ્રિટિશ ટાપુઓમાં ઇંગ્લિશ તથા સ્કૉટ પ્રજાઓ વચ્ચેના સંઘર્ષોના પરિણામે અનેક મનોહર તથા રસપ્રદ બૅલડનો જન્મ થયો. ઇંગ્લૅન્ડમાં બૅલડ-સંચય માટે રૉબિનહૂડનાં કથાનકો તથા દંતકથાઓ મહત્વનો સ્રોત બની રહ્યાં.

પરંપરાગત બૅલડમાં વિવિધ વિષયને લગતી કેટલીક ઉલ્લેખનીય રચનાઓ આ પ્રમાણે છે : ‘ધી એલ્ફિન નાઇટ’, ‘ધ ટુ સિસ્ટર્સ’, ‘લૉર્ડ રૅન્ડલ’, ‘ધ ક્રૂઅલ મધર’, ‘ધ થ્રી રૅવન્સ’, ‘ક્લાર્ક કૉલ્વિલ’, ‘યંગ બીચન’, ‘ધ વાઇફ ઑવ્ અશર્સ વિલ’, ‘ધ બૅલિફસ ડૉટર ઑવ્ ઇસ્લિંગ્ટન’, ‘ધ જિપ્સી લૅડી’, ‘જૅમ્સ હૅરિસ’, ‘ધ ડ્રીમલવર’ તથા ‘ગેટ અપ ઍન્ડ બાર ધ ડૉર’.

રૉબિનહૂડને લગતા વિષયનાં તથા બૉર્ડર બૅલડોમાં વિશેષ જાણીતાં પૈકી ‘રૉબિનહૂડ ઍન્ડ ધ મૉન્ક’, ‘રૉબિનહૂડ્ઝ ડેથ’, ‘ચેવી ચૅઝ’, ‘જૉની આર્મસ્ટ્રૉંગ’, ‘જૉની કૉક’ તથા ‘કૅપ્ટન કૅર’ બૅલડો ઉલ્લેખનીય છે.

અઢારમી સદી દરમિયાન બૅલડ-પરંપરા વિશેષ કરીને સ્કૉટલૅન્ડમાં જીવંત રહી હતી. એ સમયગાળા પૈકીનાં ‘ઍડવર્ડ’ , ‘સર પૅટ્રિક સ્પેન્સ’, ‘ટૉમસ રાઇમર’, ‘ટૅમ લિન’, ‘ગૉર્ડી’ તથા ‘મેરી હૅમિલ્ટન’ નોંધપાત્ર મનાય છે.

બ્રૉડ્સાઇડ વર્ગનાં એટલે કે પ્રચાર-પ્રસાર માટે મોટા કાગળની એક બાજુએ લખાયેલાં બૅલડમાં પણ સંખ્યાબંધ કૃતિઓ જાણીતી છે. તેમાંની કેટલીક અનામી છે તો કેટલીક કર્તાઓના નામે ચઢાવાયેલી છે; દા.ત., જૉન સ્કૅલ્ટન-કૃત ‘એ બૅલડ ઑવ્ ધ સ્કૉટિશ કિંગ’, સર જૉન સકલિંગ-કૃત ’ધ જર્ની ઇનટુ ફ્રાન્સ’, ‘એ બૅલડ અપૉન એ વેડિંગ’, એન્ડ્રૂ મારવેલ-કૃત ‘ઑન ધ લૉર્ડ મેયર ઍન્ડ કૉર્ટ ઑવ્ ઍબ્ડરમૅન’, સ્વિફ્ટ-કૃત ‘ક્લેવર ટૉમ ક્લિન્ચ ગૉઇંગ ટૂ બી હગ્ડ’, જૉન ગૅ-કૃત ‘ન્યૂગૅટ્સ ગાર્લેન્ડ’, ચાર્લ્સ ડિકન્સ-કૃત ‘ધ ફાઇન ઓલ્ડ ઇંગ્લિશ જેન્ટલમૅન’, રુડયાર્ડ કિપ્લિંગ-કૃત ‘વેડનસબરી કૉકિંગ’, ‘મિસ બૅઇલિઝ ઘોસ્ટ’ તથા ‘ડૅની ડીવર’.

ઑસ્ટ્રેલિયા તથા અમેરિકાનાં જાણીતાં બૅલડમાં ‘ધ વાઇલ્ડ કૉલૉનિયલ બૉય’, ‘ધ ડેથ ઑવ્ મૉર્ગન’, ‘સ્ટર ધ વૅલેબી સ્ટુ’, ‘બાર્બરા ઍલન’, ‘ધ જામ ઑન જેરી રૉક’, ‘ધ ડાઇંગ કાઉબૉય’ તથા ‘બ્લૉ ધ કૅન્ડલ આઉટ’ મુખ્ય છે.

સાહિત્યિક પરંપરાનાં બૅલડમાં ઘણી નામાંકિત કૃતિઓ જોવા મળે છે. તેમાં કૉલરિજ-કૃત ‘રાઇમ ઑવ્ ધ ઍન્શન્ટ મૅરિનર’, કીટ્સ-કૃત ‘લા બૅલ દૉ સૉ મર્સી’, વાઇલ્ડ-કૃત ‘ધ બૅલડ ઑવ્ રીડિંગ જેલ’, ડબ્લ્યૂ. એસ. ગિલ્બર્ટ-કૃત ‘બૅબ બૅલડ્ઝ’, ચેસ્ટરટન-કૃત ‘બૅલડ ઑવ્ ધ વ્હાઇટ હૉર્સ’, કિપ્લિંગ-કૃત ‘બૅરૅક રૂમ બૅલડ્ઝ’, મેસફિલ્ડ-કૃત ‘સૉલ્ટ વૉટર બૅલડ્ઝ’ ગણનાપાત્ર લેખાય છે. બૅલડ-શૈલીમાં જ રચાયેલી કૃતિઓમાં સ્કૉટની ‘લે ઑવ્ ધ લાસ્ટ મિન્સ્ટ્રલ’ અને ‘લૉચિમૅર’, મૅકૉલેની ‘લેઝ ઑવ્ એન્શન્ટ રૉમ’ તેમજ આલ્ફ્રેડ નૉઇઝની સંખ્યાબંધ કૃતિઓ નોંધપાત્ર નીવડી છે. તાજેતરમાં ચાર્લ્સ કાઉઝલીએ કેટલીક સારી કાવ્યકૃતિઓ રચીને બૅલડ-પરંપરા જાળવી રાખવાની સબળ કોશિશ કરી છે. વર્નોન વૉટકિન્સનું લાંબું કથાકાવ્ય ‘ધ બૅલડ ઑવ્ ધ મેરી લૉઇડ’ આ સાહિત્યપ્રકાર હજુય કેટલો જીવંત તેમજ કેટલો લવચીક છે તેની પ્રતીતિ કરાવે છે.

મહેશ ચોકસી