બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ (જ. 3 માર્ચ 1847 એડિનબેરો; અ. 2 ઑગસ્ટ 1922, બાડેક, નોવા સ્કોશિયા) : વૈજ્ઞાનિક, અન્વેષક અને બધિરો માટે ઘણુંબધું કાર્ય કરનાર. તેમના પિતા પ્રોફેસર ઍલેક્ઝાંડર મેલવિલે બેલ વાક્-શિક્ષક (speech teacher) હતા.; માતા એલિઝા ગ્રેઇસ સારાં કલાકાર હતાં. 14 વર્ષની ઉંમરે ઍલેક્ઝાંડરે એડિનબરોની રૉયલ હાઈસ્કૂલમાંથી વિનીત થઈને ઍડિનબરો યુનિવર્સિટી તથા યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે વ્યાખ્યાનોમાં હાજરી આપી હતી. તેઓ મહદંશે કૌટુંબિક પરંપરામાં કેળવણી પામ્યા હતા. તેમણે સર્વપ્રથમ નોકરીની શરૂઆત મિસ્ટર સ્કિમર્સ સ્કૂલ (કાઉન્ટી મોરે) ખાતે શિક્ષક તરીકે કરી. ત્યાં તેઓ બાળકોને સંગીત તથા વાગ્વિદ્યાની તાલીમ આપતા હતા. તેમનાથી મોટા તથા નાના એમ બંને ભાઈઓનાં ક્ષયની બીમારીને કારણે મૃત્યુ થતાં તેના આઘાતની અસર હેઠળ 1870માં તેમણે કૅનેડા તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી 1871માં અમેરિકા ગયા. 1873માં તેઓ બૉસ્ટન યુનિવર્સિટીમાં વોકલ ફિલૉસોફીના પ્રાધ્યાપક નિમાયા. 1882થી તેમણે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું.
અમેરિકામાં જ્યૉર્જ સોન્ડર્સ તથા માબેલ હબ્બાર્ડ નામનાં બે નાનાં બધિર બાળકોને તેઓ વાગ્વિદ્યાની તાલીમ આપતા હતા. આ બંને બાળકોના પિતાઓએ તેમનાં વૈજ્ઞાનિક સંશોધનોથી પ્રભાવિત થઈને તેમનાં કાર્યોમાં આર્થિક સહાય કરી. આ સમયે તેમને થોમસ વૉટસન નામના યુવાન મિકૅનિક તથા મૉડલ તૈયાર કરનારનો સાથ મળ્યો. તેમણે ટેલિફોનની શોધ પૂર્વે ફોનઑટોગ્રાફ શોધ્યું. જૂન, 1875માં વૉટસનની સાથે મલ્ટિપલ ટેલિગ્રાફીના પ્રયોગો દરમિયાન અનુભવ્યું કે ધ્વનિના તરંગોને વિદ્યુત-તરંગોમાં રૂપાંતરિત કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુતવાહક તાર વડે મોકલી શકાય છે. 7 માર્ચ 1870ના રોજ તેમને ટેલિફોનની શોધ માટે પેટન્ટ મળી.
ટેલિફોન ઉપરાંત તેમણે ફોટોફોન નામનું ઉપકરણ વિકસાવ્યું. તે પ્રકાશના કિરણ વડે ધ્વનિનું પ્રસારણ કરતું હતું. તેના વડે બધિરોને બોલવાનું શીખવવામાં મદદ મળતી હતી. તેમણે ગ્રામોફોન પણ શોધ્યું. આ સાધનમાં તેમણે લાખ ઉપર કોતરી શકે તેવી સોય (engraving stylus), નિયંત્રિત ગતિવાળી યાંત્રિક રચના, લાખની તકતી તેમજ નળાકારનો ઉપયોગ ધ્વનિમુદ્રણ માટે કર્યો. તેમણે ઑડિયોમિટરની પણ શોધ કરી. માનવીના શરીરમાં રહેલ ધાતુનો ટુકડો દર્દ વગર શોધી કાઢવા માટે ઇન્ડક્શન બૅલન્સની પણ તેમણે શોધ કરી. તેમના એકલાના જ નામે કુલ 18 જેટલી જુદી જુદી શોધોની પેટન્ટો નોંધાયેલી છે. અન્ય 12 જેટલી શોધોની પેટન્ટો અન્ય સહયોગીઓ સાથે સંયુક્તપણે નોંધાયેલ છે. આ સર્વેમાં કુલ 14 જેટલી પેટન્ટો ટેલિફોન અને ટેલિગ્રાફ અંગેની, 4 ફોટોફોનની, 1 ફોનોગ્રાફની, 5 એરિયલ વિહિકલની, 4 હાઇડ્રોએર પ્લેઇનની અને 2 સેલેનિયમ સેલની પેટન્ટો છે.
તેઓ 1877માં તેમનાથી દશ વર્ષ નાની એવી પરિચિત બધિર યુવતી માબેલ હબાર્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
તેમને વિશ્વની અનેક યુનિવર્સિટીઓએ માનાર્હ પદવીઓ આપી, જેમાં વુર્ઝબર્ગ યુનિવર્સિટીએ 1896માં પીએચ.ડી.; હાઇડલબર્ગ યુનિવર્સિટીએ 1886માં એમ.ડી.; હાર્વર્ડ યુનિવર્સિટીએ 1896માં એલએલ.ડી.; તેમજ 1907માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ આપેલી ડી.એસસી.ની પદવીનો સમાવેશ થાય છે. શોધો માટે અનેક ચંદ્રકો અને પારિતોષિકો પણ તેમને એનાયત થયાં હતાં. 1880માં લંડન સોસાયટી ઑવ્ ફાઇન આર્ટ્સ મેડલ, 1883માં 50,000 ફ્રાંકનો વૉલ્તા પ્રિક્સ ઍવૉર્ડ, 1902માં રૉયલ આલ્બર્ટ મેડલ તથા ઇલિયટ ગ્રેસન મેડલ, 1907માં જૉન ફ્રિત્ઝ મેડલ, 1913માં હ્યુઝ મેડલ અને અંતે 1914માં ઍડિસન મેડલ પ્રાપ્ત થયો હતો.
આ યશસ્વી વૈજ્ઞાનિકે બધિરોની સેવા માટે પણ નોંધપાત્ર કાર્ય કર્યું. વૉલ્તાના પારિતોષિકની રકમમાંથી તેમણે ‘વૉલ્તા બ્યૂરો ફૉર ઇન્ક્રીસ્ડ નૉલેજ રિલેટિંગ ટૂ ડેફ’ નામનું સંગઠન 1887માં સ્થાપ્યું. 8 મે 1893ના રોજ હેલન કેલરે 13 વર્ષની ઉંમરે વૉલ્તા બ્યૂરોના નવા મકાનના ઉદઘાટનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેઓ ‘પ્રમોટ ટીચિંગ ઑવ્ સ્પીચ ટૂ ડેફ’ સંસ્થાના સ્થાપક સભ્ય હતા. તેઓ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટીના સભ્ય તેમજ અમેરિકન સોસાયટી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સના ફેલો રહ્યા હતા.
મિહિર જોશી