બેલો હૉરિઝૉન્ટ : બ્રાઝિલ દેશના મિનાસ જેરાઇસ (Minas Gerais) રાજ્યનું પાટનગર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 19° 55´ દ. અ. અને 43° 56´ પ. રે. તે દેશનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક ગણાય છે. તે દેશના અગ્નિકોણમાં શુષ્ક આંતરિક ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશની પૂર્વ તરફની ડુંગરધાર પર 830 મીટરની ઊંચાઈએ વસેલું છે. આ શહેરનું નામ ‘બેલો હૉરિઝૉન્ટ’ (અર્થ : સુંદર ક્ષિતિજશ્ય) તેની આજુબાજુના અપ્રતિમ નૈસર્ગિક સૌંદર્યને કારણે તથા તે પહાડી વિસ્તારથી ઘેરાયેલું હોવાથી પડેલું છે.

જૂનાં બેઠા ઘાટનાં મકાનોના સ્થાને આકાર લેતાં ગગનચુંબી બહુમાળી ભવનો અને આવાસોના કારણે ઝડપભેર વિકસી રહેલું બેલો હૉરિઝૉન્ટ નગર

1890ના દાયકા દરમિયાન રાજ્યના પાટનગર તરીકે આ શહેરને પસંદ કરવામાં આવેલું, જોકે અહીંથી 80 કિમી. અગ્નિકોણમાં આવેલા ઓઉરો પ્રિટો શહેર માટે રાજ્યના પાટનગર તરીકેની પસંદગીને અવકાશ હતો, પરંતુ તે સાંકડી ખીણમાં આવેલું હોવાથી જરૂરિયાત મુજબ તે તેના શહેરી વિસ્તારનું વિસ્તરણ કરવાની ક્ષમતા ધરાવતું ન હતું તેથી તેને બદલે બેલો હૉરિઝૉન્ટ પર પસંદગી ઊતરેલી. યુ. એસ.ના વૉશિંગ્ટન અને આર્જેન્ટીનાના લાપ્લાટાના નગર-આયોજનને કેન્દ્રમાં રાખીને આ નગરનું આયોજન પણ સમકક્ષ થાય એવી ડિઝાઇન સ્થપતિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી. એ રીતે જોતાં તે બ્રાઝિલનું સર્વપ્રથમ આયોજનપૂર્વકનું નગર ગણાય. 1897માં તે મિનાસ જેરાઇસ રાજ્યનું પાટનગર બન્યું તે સમયે તો તેનું નામ સિડેડ દ મિનાસ હતું. પણ તે પછી 1901માં તેને આ હાલનું નામ આપવામાં આવેલું છે. મૂળ નગર તો માત્ર 20 ચોકિમી. જેટલો જ વિસ્તાર ધરાવતું હતું. 1925માં તેની વસ્તી માત્ર 2 લાખ જેટલી જ હતી; આજે આ શહેર અનેકગણો વિસ્તાર ધરાવતું થયું છે; એટલું જ નહિ, પરંતુ 1991 મુજબ તેની વસ્તી વધીને 34.3 લાખ જેટલી થઈ ગઈ છે.

આ શહેરની નગરરચના, બાંધણી અને દેખાવ ખરેખર અદભુત છે. શહેરની મધ્યમાં ચોક રાખવામાં આવેલો છે, આ મધ્ય ભાગથી વિકેન્દ્રિત થતા ચક્રના આરા સમાન ગોઠવાયેલી સડકો અને શેરીઓની બંને બાજુઓ હરિયાળાં વૃક્ષોથી સજાવેલી છે. અહીંનાં સ્થાપત્યો અને બાગબગીચા એટલાં તો આકર્ષક દેખાય છે કે તે જોવા માટે પ્રવાસીઓનો અહીં ભારે ધસારો રહે છે. આ પૈકી પૅમ્પુલ્હા તો નર્યા બગીચાઓ ધરાવતો પરાવિસ્તાર છે, વળી તે તેનાં વિશિષ્ટ બાંધકામો અને સ્થાપત્યો માટે જાણીતો બનેલો છે.

આ નગર અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલું છે. તે સંખ્યાબંધ સંગ્રહાલયો પણ ધરાવે છે; તે પૈકી કલામહેલ તથા મિનેરિયો સંગ્રહાલય પ્રખ્યાત છે. અહીં સંગીત-સંરક્ષણ સંસ્થા, બૅલે નૃત્યશાળા, ટૅકનિકલ કૉલેજ તથા પ્રાથમિક-માધ્યમિક શાળાઓ આવેલી છે. જૂના સમયની બે યુનિવર્સિટીઓ પણ છે. અહીં બ્રાઝિલનું સૌથી મોટું ફૂટબૉલ–Soccer સ્ટેડિયમ આવેલું છે.

આ શહેરમાંથી રેલ અને સડકમાર્ગો બધી જ દિશાઓમાં ફેલાયેલા છે – ખાસ કરીને તો તે રેલમાર્ગે અને સડકમાર્ગે આટલાન્ટિક કિનારા પરનાં અગત્યનાં નગરો સાથે સંકળાયેલું છે. પૅમ્પુલ્હા ખાતેનું હવાઈ મથક દેશના આંતરિક ભાગો પૂરતી હવાઈ સેવાઓ પૂરી પાડે છે; આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સ્થાપવા માટેનું આયોજન પણ ચાલે છે.

આ શહેરનું સ્થાન, રાજ્યના સમૃદ્ધ ખેતપ્રદેશમાં આવેલું છે. ત્યાં શેરડી અને કપાસનું મબલક ઉત્પાદન થાય છે. તેની આજુબાજુના પ્રદેશોમાં ખાણઉદ્યોગ તથા પશુપાલનપ્રવૃત્તિ પણ સારી રીતે વિકાસ પામ્યાં છે. તે પ્રાદેશિક વ્યાપારી મથક હોવા ઉપરાંત બૅંકિંગ, વાણિજ્ય અને વહીવટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ છે. આ શહેર લાંબા સમયથી કાપડ, રાચરચીલું અને ખાદ્યસામગ્રીનું ઉત્પાદન કરવાના તથા હીરા પર પહેલ પાડવાના ઉદ્યોગો ધરાવે છે. 1950 પછીથી ક્રમે ક્રમે અહીં તથા તેના પરાવિસ્તારોમાં વિશાળ પાયા પર ઉદ્યોગો સ્થપાતા ગયા છે. સિમેન્ટ, વીજ-ઉત્પાદન, ખનિજતેલ રિફાઇનરી, લોખંડ-પોલાદ તેમજ મોટર-વાહનોને લગતા ઉદ્યોગો પણ છે. અહીં ‘ઔદ્યોગિક પ્રવૃત્તિ’ પુરજોશમાં ચાલતી હોવા છતાં આ શહેર પ્રદૂષણમુક્ત રહી શક્યું છે.

બીજલ પરમાર