બેલી, આંદ્રે (જ. 1880, મૉસ્કો; અ. 1934) : નામી રુસી નવલકથાકાર, કવિ અને વિવેચક. મૂળ નામ બૉરિસ નિકોલેવિચ બ્યુગેવ. તેઓ અગ્રણી પ્રતીકવાદી (symbolist) લેખક હતા. શરૂઆતમાં તેઓ ધર્મશાસ્ત્રના તત્વજ્ઞાની વ્લાદિમીર સૉલોવિવના સંપર્કમાં અને પછી તેમના પ્રભાવ હેઠળ આવ્યા. મૉસ્કો યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમણે અવનતિ-વિષયક કાવ્યો લખ્યાં, જે ‘ધ નૉર્ધર્ન સિમ્ફની’(1902)માં પ્રગટ થયેલ. ‘ધ સિલ્વર ડવ’ (1910) એ તેમની સર્વપ્રથમ સરળ અને સુવાચ્ય નવલકથા હતી. ત્યારપછી 1913–14માં પ્રગટ થઈ તેમની શ્રેષ્ઠ નવલકથા ‘સેંટ પીટર્સબર્ગ’. આત્મકથાનક સમી નવલકથા ‘કૉટિક લેટાયેવ’ 1922માં પ્રગટ થઈ. બાળકો વિશ્વમાં બનતી ઘટનાઓ વિશે કેવી રીતે સૂઝ, સમજ અને સભાનતા કેળવતાં જાય છે તે દર્શાવવા આંતર ચેતના-પ્રવાહની શૈલીનો પ્રયોગ આ કૃતિમાં કરવામાં આવ્યો છે. તેમની ઉત્તરકાલીન નવલકથાઓમાં ક્રાંતિ પૂર્વેના રશિયાની સ્પષ્ટ રીતે કડક આલોચના કરવામાં આવી છે, આમ છતાં એ કૃતિઓની પ્રયોગાત્મક શૈલી અતિ ઉચ્ચ કોટિની છે. 1920ના દાયકાના તે ખૂબ અગત્યના અને સમર્થ રશિયન સર્જક લેખાય છે.
મહેશ ચોકસી