બેલનો લકવો (Bell’s palsy) : ચહેરાનો લકવો. દર વર્ષે દર 1 લાખની વસ્તીએ 23 જણાને તે થાય છે. તેથી દર 60થી 70 વ્યક્તિએ એકને તેના જીવન દરમિયાન ચહેરાનો લકવો થવાની સંભાવના રહે છે.
12 ચેતાઓની જોડ મગજમાંથી સીધી નીકળે છે. તે ખોપરીમાંથી બહાર આવતી હોવાથી તેમને કર્પરિચેતાઓ (cranial nerves) કહે છે. તેમાંની 7મી જોડની ચેતાઓ ચહેરાના સ્નાયુઓને સંકોચન માટેની પ્રેરક (motor) સંવેદનાઓ આપે છે. તેને તેથી ચહેરાની ચેતા અથવા આનનચેતા (facial nerve) કહે છે. તેની લંબાઈના અમુક ભાગ સુધી તેની સાથે જીભમાં સ્વાદ પારખવા માટેના સ્વાદાંકુરો(taste buds)માંથી સંવેદનાઓ લાવતા ચેતાતંતુઓનો સમૂહ પણ પસાર થાય છે. તેને કર્ણપટલી ચેતારજ્જવિકા (chorda tympani) કહે છે. આ ઉપરાંત મધ્યકર્ણમાંના એક નાના પેંગડું નામના હાડકાને સ્થિર રાખવા માટેના કર્ણપાદિકાસ્નાયુ (stapedius muscle) નામના સ્નાયુના પ્રેરણ માટેના ચેતાતંતુઓ પણ તેમાંથી પસાર થાય છે.
કારણવિદ્યા : આનનચેતા કે ચહેરાની ચેતાની જોડમાંની એક કે બંને ચેતામાં સોજાવાળા શોથ(inflammation)નો વિકાર થાય ત્યારે ચહેરાના સ્નાયુઓનો લકવો થાય છે. ખોપરીના હાડકામાંની જે નલિકામાંથી 7મી કર્પરિચેતા પસાર થાય તે જગ્યા સાંકડી છે. તે જગ્યાએ શોથના વિકારને કારણે સોજો આવે તો ચેતા દબાય છે અને ચહેરાનો લકવો થાય છે. સામાન્ય રીતે જ્યારે ખોપરીમાંના કંટક-કર્ણમૂળછિદ્ર(stylomastoid foramen)માંથી તે પસાર થતી હોય છે ત્યાં જો શોથજન્ય સોજો આવ્યો હોય તો આ પ્રકારનો વિકાર થાય છે. સ્નાયુને સંકોચન માટે પ્રેરતા ચેતાતંતુઓના બે સ્તર છે : મોટા મગજમાંથી નીકળતા ચેતાતંતુઓ ઊર્ધ્વપ્રેરક ચેતાકોષો(upper motor neurons)માંથી આવે છે; જ્યારે મસ્તિષ્કપ્રકાંડ (brain stem) કે કરોડરજ્જુમાં આવેલા પ્રેરક ચેતાકોષોને નિમ્ન પ્રેરક ચેતાકોષો (lower motor neurons) કહે છે. ચહેરાની ચેતાના લકવામાં નિમ્ન પ્રેરક ચેતાકોષો અસરગ્રસ્ત હોય છે. ચહેરાની ચેતામાં શોથનો વિકાર કેમ થાય છે તેનું કારણ સ્પષ્ટપણે જાણમાં નથી, પરંતુ શરીરમાં રહેલો હર્પિસ સિમ્પ્લેક્સ નામનો વિષાણુ પુન: સક્રિયતા પ્રાપ્ત કરે ત્યારે આવું થાય છે એવું મનાય છે. ક્યારેક વ્યાપક ચેતાતંતુકાઠિન્ય (multiple sclerosis) નામના એક મગજના રોગના દર્દીમાં રોગના એક ચિહ્ન રૂપે બેલનો લકવો થઈ જાય છે. કનેક્ટિકટમાં આવેલા જૂના લાઇમ શહેરના નામ પરથી જાણીતો થયેલો લાઇમ રોગ (Lyme disease) બોરેલિયા બર્ગ્ડોર્ફેરી નામના સ્પાયરોકિટ જૂથના સૂક્ષ્મજીવથી થાય છે. તેમાં ક્યારેક બેલનો લકવો થાય છે.
લક્ષણો, ચિહ્નો અને નિદાન : સામાન્ય રીતે ચહેરાના એક ભાગમાં અચાનક જ અશક્તિ આવે છે અને લકવો થાય છે. તે બીજા એક-બે દિવસમાં વધે છે. કેટલાક કિસ્સામાં અસરગ્રસ્ત બાજુના કાનમાં દુખાવો થાય છે, જે લકવો થતાં પહેલાં શરૂ થઈને થોડાક દિવસો સુધી ટકે છે. ચહેરો કડક અને એક બાજુ ખેંચાઈ ગયેલો લાગે છે. દર્દીને બોલવામાં તકલીફ પડે છે. લકવાવાળી બાજુએ આંખ બંધ થતી નથી, કપાળ પર કરચલી પડતી નથી અને ખોરાક કે પાણી તે બાજુના હોઠના ખૂણેથી બહાર આવી જાય છે. મોઢામાંનો કોળિયો લકવાવાળી બાજુએ ગલોફામાં ભેગો થઈ જાય છે. ચહેરા પરનાં નાનાં નાનાં સંકોચનો બંધ થાય છે. દર્દી હસે ત્યારે તેનું મોઢું ત્રાંસું થઈ જાય છે. દર્દીને પ, ફ, બ, ભ અને મ જેવા ઓષ્ઠીય ઉચ્ચારણોમાં મુશ્કેલી પડે છે. 7મી કર્પરિચેતાની સાથેના કર્ણપટલી ચેતારજ્જવિકા(chorda tympani)ના ચેતાતંતુઓ તથા મધ્યકર્ણમાંના પેંગડું-હાડકાની સાથે જોડાતા કર્ણપાદિકાસ્નાયુ (stapedius muscle)ના ચેતાતંતુઓ પણ પસાર થાય છે. તેને કારણે, અનુક્રમે, દર્દીને લકવો થયેલો હોય તે બાજુ પરના જીભના ભાગ દ્વારા સ્વાદ પારખવામાં તકલીફ પડે છે અને મોટા અવાજો વધુ મોટા લાગે છે. મોટા અવાજો વધુ મોટા લાગે તેવી સ્થિતિને અતિશ્રવણતા (hyperacusis) કહે છે. ખુલ્લી રહેતી આંખમાંથી આંસુ વહ્યા કરે છે. તેને મગરનાં આંસુ (crocodile tears) કહે છે.
સારવાર તથા પરિણામ : બેલના લકવાની સારવારમાં મતમતાંતર છે. આશરે 60 % દર્દીઓમાં તે કોઈ ખાસ સારવાર વગર મટે છે. એવું મનાય છે કે આવા દર્દીઓમાં અતિમંદ વિકાર હોવાને કારણે ફક્ત ચેતા-આવેગો(nerve impulse)ના વહનમાં જ અવરોધ થયેલો હોય છે. બાકીના દર્દીઓમાંથી મોટાભાગને પણ મહદ્અંશે સારું થાય છે. પરંતુ 10 % દર્દીઓને થોડી કચાશ રહી જાય છે. તેઓના ચહેરાનો દેખાવ બગડે છે અથવા અન્ય તકલીફો રહે છે. જો દર્દીને પહેલેથી જ પૂરેપૂરો લકવો થયેલો હોય તો તેમને સંપૂર્ણ સારું થવાની સંભાવના ઓછી રહે છે. આવું મોટી ઉંમરની વ્યક્તિઓમાં, અતિશ્રવણતાના વિકારવાળી કે શરૂઆતમાં દુખાવો થયો હોય એવી વ્યક્તિઓમાં પણ બને છે. સંકોચનો વખતે સ્નાયુઓમાં ઉદભવતા વિદ્યુતલક્ષી તરંગો તથા સંવેદના કે પ્રેરક સંદેશાઓના વહન વખતે ચેતાઓમાંથી પસાર થતા વિદ્યુતલક્ષી આવેગોને પ્રયોગશાળામાં કેટલીક કસોટીઓ દ્વારા નોંધી શકાય છે. તેમને અનુક્રમે વીજસ્નાયુલેખન (electromyography) અને ચેતા-ઉત્તેજન(nerve excitation)ક્ષમતા કે ચેતાવહન(nerve conduction)ક્ષમતાનાં પરીક્ષણો કહે છે. આ પરીક્ષણો દ્વારા મોડેથી જાણી શકાય છે કે કયા દર્દીને સંપૂર્ણ સારું નહિ થાય.
સારવારમાં કૉર્ટિકોસ્ટીરૉઇડ, ચહેરાની કસરત તથા સ્નાયુઓનું મર્દન (massage) ઉપયોગી રહે છે. જોકે કૉર્ટિકોસ્ટીરૉઇડની ઉપયોગિતા અંગે પણ વિવાદ છે. ખુલ્લી રહેતી આંખમાં ઍન્ટિબાયૉટિકનાં ટીપાં નાંખીને તથા તેને ઢાંકેલી રાખીને તેનું રક્ષણ કરાય છે. હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ અને બેલના લકવા વચ્ચે સંબંધ છે તેવું જાણવામાં આવેલું છે; પરંતુ એસાઇક્લોવિર નામની વિષાણુનાશક ઍન્ટિબાયૉટિક દવા ખાસ અસરકારક જણાયેલી નથી. જો લાઇમનો રોગ હોય તો તેની સારવારમાં ડૉક્સિસાઇક્લિન અથવા ઍમૉક્સિસિલિન અપાય છે. દર્દી બેલના લકવામાંથી બહાર આવતો હોય ત્યારે તેના અસરગ્રસ્ત ચેતાતંતુઓનું પુનર્જનન (regeneration) થાય છે. તેને પુનશ્ચેતાકરણ (renervation) કહે છે. ક્યારેક તે અનિયમિત પ્રકારનું હોય છે. અનિયમિત પુનશ્ચેતાકરણને કારણે ક્યારેક તેને મુખ-મીંચકારવા(jaw-winking)ની તકલીફ થાય છે. તેમાં દર્દી જ્યારે મોઢું બંધ કરે ત્યારે ચહેરાની અસરગ્રસ્ત બાજુની આંખ બંધ થઈ જાય છે. આવી સ્થિતિને સહસંચલન (synkinesia) કહે છે. ક્યારેક અર્ધા ચહેરાનાં સતત સંકોચનો (hemifacial spasms) પણ થાય છે. તે થોડાક સમય માટે કે લાંબા ગાળા માટે તકલીફ આપે છે.
સુધીર શાહ
શિલીન નં. શુક્લ