બેલફાસ્ટ : યુ. કે.ના ઉત્તર આયર્લૅન્ડ પ્રાંતનું પાટનગર, મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 54° 40´ ઉ. અ. અને 5° 50´ પ. રે. આયર્લૅન્ડના ઈશાન કિનારા પરના લૉક (lough) ઉપસાગરને મથાળે ફળદ્રૂપ ખીણમાં તે આવેલું છે. તેનો વિસ્તાર 6215 હેક્ટર જેટલો છે. તેની ઉત્તરે એન્ટ્રિમનો ઉચ્ચપ્રદેશ તથા દક્ષિણ તરફ કેસલરીઘ ટેકરીઓ આવેલી છે.

અર્થતંત્ર : બેલફાસ્ટને પોતાની સ્થાનિક ખનિજસંપત્તિ કે ઊર્જાસ્રોત ન હોવા છતાં તેમજ આયરિશ વિસ્તારના મુખ્ય બજારનું સભ્ય ન રહ્યું હોવા છતાં આજે તે ઔદ્યોગિક મથક અને મુખ્ય બંદર તરીકે વિકાસ પામ્યું છે. અહીં વર્ષોથી પરંપરાગત ચાલ્યા આવતા ઉદ્યોગોમાં જહાજી બાંધકામ તથા કાપડઉદ્યોગનો સમાવેશ થાય છે. 1930 અને 1940ના દસકાઓથી અહીં નવા ઉદ્યોગો સ્થાપવા પ્રયાસો કરવામાં આવેલા છે, જેથી બેકારીનું પ્રમાણ ઘટાડી, ક્રમે ક્રમે નિવારી શકાય. અહીંની મુખ્ય ઉત્પાદકીય પેદાશોમાં વહાણો, હવાઈ જહાજો, કાપડ, પોશાકો, દોરડાં, હવાબારીઓ (ventilations) તથા ઉષ્માસર્જનની સામગ્રી, ર્દક્-કાચ, કાચનો સામાન, ખાદ્યપ્રક્રમણ-પેદાશો તથા ખનિજીય જળનો સમાવેશ થાય છે. યુ. કે. વિસ્તારના મહત્વના ગણાતા આ બંદરેથી અંદાજે 50 લાખ ટન જેટલા કુલ સામાનની હેરફેર થતી રહે છે. બંદર પર મોટી ગોદીઓ તથા જહાજવાડો છે. તેમને અદ્યતન બનાવવા સરકાર તરફથી સહાય કરવામાં આવેલી છે. અહીંના આર્થિક વિકાસ ખાતા તરફથી પણ તેમને અનુદાન, લોન તથા અન્ય સહાય આપવામાં આવે છે.

પરિવહન : બેલફાસ્ટમાં આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઑલ્ડરગ્રોવ પરથી બ્રિટનના બધા ભાગો માટે તથા ઉત્તર અમેરિકા માટે હવાઈ સેવા ઉપલબ્ધ છે. વહાણો તથા ફેરીસેવા બેલફાસ્ટને ઇંગ્લૅન્ડના લિવરપૂલ સાથે જોડે છે. માલવાહક જહાજોની ઘણી અવરજવર અહીંથી થતી રહે છે. બેલફાસ્ટ અને ડબ્લિન વચ્ચે બંનેતરફી ઝડપી રેલસેવા નિરંતર ચાલે છે. બેલફાસ્ટ પશ્ચિમ તથા નૈર્ઋત્ય આયર્લૅન્ડનાં સ્થળોને જોડતા માર્ગોથી સંકળાયેલું છે.

વસ્તી-શિક્ષણ-સંસ્કૃતિ : બેલફાસ્ટની વસ્તી 3,01,600 (1992) જેટલી છે. ઉત્તર આયર્લૅન્ડના લંડનડેરી પ્રાંત કરતાં પણ આ શહેરની વસ્તી આશરે ત્રણગણી છે. 1961થી તેના પરા ન્યૂટાઉન ઍબીની વસ્તી 72,100 થતાં તેને અલગ ‘બરો’ તરીકે જાહેર કરવામાં આવેલું છે. 1973માં અહીં સ્થાનિક વહીવટી પુનર્વ્યવસ્થા કર્યા પછીથી, ઉત્તર આયર્લૅન્ડ માટે 26 નવી જિલ્લા-કાઉન્સિલો પૈકી બેલફાસ્ટનો મોટો કાઉન્સિલ-વિસ્તાર રચ્યો છે. અહીં લૉર્ડ મેયર અને કાઉન્સિલ દ્વારા સરકારી વહીવટ ચાલે છે.

1849માં અહીં સ્થપાયેલી ક્વીન્સ કૉલેજ 1908થી ક્વીન્સ યુનિવર્સિટીમાં ફેરવાઈ છે. 1971માં શરૂ થયેલી અલ્સ્ટર પૉલિટેક્નિક 1984માં અલ્સ્ટરની ન્યૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન બની છે અને અલ્સ્ટર યુનિવર્સિટીમાં ફેરવાઈ છે. અહીં શિક્ષણ વિદ્યાશાખાની ત્રણ કૉલેજો છે. ઘણી પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ અન્ય શિક્ષણસંસ્થાઓ છે; તે પૈકીની જૂનામાં જૂની બેલફાસ્ટ રૉયલ એકૅડેમી 1785માં સ્થપાયેલી, તે હજી આજે પણ છે.

1929માં સ્થપાયેલા સિટી સેન્ટર નજીકના સ્ટૅનમિલિસ ખાતેના અલ્સ્ટર સંગ્રહાલયને 1972માં વિસ્તારવામાં આવેલું છે. તેમાં ચાંદી અને કાચનો કલાસંગ્રહ જળવાયેલો છે. તેમાં પુરાતત્વીય ઔદ્યોગિક ચીજો પણ છે, તે ઉપરાંત તેની બહુમૂલ્ય ચીજોમાં 1588માં અલ્સ્ટરથી દૂર દરિયામાં સ્પેનના આર્મેડા વહાણ ‘ગિરોના’ના ભંગારમાંથી મેળવાયેલાં સોનાચાંદીના સિક્કા તથા ઝવેરાત પણ છે.

વિક્ટોરિયન સમયની સાથે સાથે આધુનિક સમયની પણ સ્થાપત્યકલાનું સંયોજન ધરાવતી ઇમારતો અને ભવનોના નગર બેલફાસ્ટના એક રાજમાર્ગનું ર્દશ્ય

બેલફાસ્ટ નજીક કલ્ટ્રા ખાતે 1958માં સ્થાપવામાં આવેલા અલ્સ્ટર લોક સંગ્રહાલયને 1967માં બેલફાસ્ટ ટ્રાન્સપૉર્ટ મ્યુઝિયમ સાથે ભેળવી દેવાયું છે. આર્ટ્સ કાઉન્સિલ ઑવ્ નૉર્ધર્ન આયર્લૅન્ડમાં કલામથક પણ છે.

અહીં જાણીતી મુલાકાતી કંપનીઓ અને કલાકારો માટે નાનાંમોટાં થિયેટર છે. 1970ના દાયકામાં જૂના ગ્રાન્ડ ઑપેરામાં ફેરફારો કરવામાં આવેલા છે. બ્રિટિશ ટાપુઓમાં મોટામાં મોટો ગણાતો યુનિવર્સિટી-સંચાલિત મહોત્સવ અહીંની ક્વીન્સ યુનિવર્સિટી ખાતે દર વર્ષ નવેમ્બરમાં યોજાય છે. બેડફર્ડ સ્ટ્રીટ તથા વિક્ટોરિયા સ્ટ્રીટમાં મુલાકાતીઓ માટે રેસ્ટોરાંની સુવિધા પણ છે.

શહેરની મધ્યમાં આવેલા ડૉનિગાલ ચૉકની એક બાજુ 1906માં બાંધેલો સિટી હૉલ, હૉલના પટાંગણમાં સંસ્મૃતિબાગ તથા ચૉકની ઉત્તર તરફ લિનેન હૉલ લાઇબ્રેરી છે. ડૉનિગાલ ચૉકથી મુખ્ય શાહી રસ્તો ઉત્તર તરફ જાય છે, ત્યાં નજીકમાં સેન્ટ ઍનનું કેથીડ્રલ (પ્રૉટેસ્ટંટ) છે. સિટી હૉલથી પૂર્વ બાજુનો માર્ગ ન્યાયાલય તરફ જાય છે. દક્ષિણ બાજુનો માર્ગ અન્ય એક ચૉક તથા ક્વીન્સ યુનિવર્સિટી તરફ જાય છે. યુનિવર્સિટીની લાલ ઈંટોવાળી ઇમારતની બાંધણી સર ચાર્લ્સ લેનિયન દ્વારા થયેલી છે. અહીં નજીકમાં અલ્સ્ટર સંગ્રહાલય અને વનસ્પતિ-ઉદ્યાનો છે, તેમાં આ જ શહેરના વતની વૈજ્ઞાનિક લૉર્ડ કેલ્વિનનું બાવલું મૂકેલું છે.

શહેરની પૂર્વ તરફ સ્ટોરમૉન્ટ ખાતે સંસદ ભવન તથા સ્ટોરમૉન્ટ કૅસલ (હવે ઉત્તર આયર્લૅન્ડનું સરકારી કાર્યાલય મથક) છે. આ કાર્યાલય દ્વારા બ્રિટિશ સરકાર સીધેસીધું લંડનથી ઉત્તર આયર્લૅન્ડ પર શાસન ચલાવે છે.

ઇતિહાસ : એન્ટ્રિમ અને ડાઉન પરગણાંની સીમા જ્યાં મળે છે ત્યાં લૅગાન નદીના મુખ ખાતે નૉર્મન કૅસલના સ્થળ તરીકેનો બેલફાસ્ટનો જૂનામાં જૂનો સંગ્રહ છે. ગૅલિક શબ્દ Beal Fearste (બીલ ફીઅર્સ્ટ) પરથી આ સ્થળ બેલફાસ્ટ નામે જાણીતું બનેલું છે. સર આર્થર ચિચાસ્ટરે અહીં એક અંગ્રેજ વસાહતી નગર સ્થાપેલું. 1613માં આ નગરને શાહી દરજ્જો મળેલો. છેલ્લે તે બરોમાં ફેરવાયું છે.

ગિરીશભાઈ પંડ્યા