બેર્ડ, જૉન લૉગી (જ. 1888, હેલેન્સબર્ગ, પશ્ચિમ સ્કૉટલૅન્ડ) : પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્યુત-ઇજનેર અને ટેલિવિઝનનો પ્રારંભ કરનારા નિષ્ણાત. વિદ્યુત-ઇજનેરી વિશે તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1922માં તેમણે હૅસ્ટિંગ્ઝ ખાતે વસવાટ સ્વીકાર્યો અને ત્યાં ટેલિવિઝનની શક્યતા વિશે સંશોધન આરંભ્યું. 1926માં તેમણે સર્વપ્રથમ ટેલિવિઝન-પ્રતિબિંબ(image)નું નિદર્શન કર્યું. તેમની 30-લાઇન યંત્રસંચાલિત સ્કૅનિંગ પદ્ધતિ બીબીસીએ 1929માં અપનાવી અને ત્યારબાદ 1936માં તેના સ્થાને 240-લાઇનની પદ્ધતિ અપનાવાઈ હતી. પછીના વર્ષે બીબીસીએ બીજા સ્પર્ધક માર્કોની-ઇએમઆઇ તરફથી બનાવાયેલ ઇલેક્ટ્રૉનિક સ્કૅનિંગ સાથેની 405-લાઇનની પદ્ધતિ અપનાવી. 1920માં તેમણે અપનાવેલી અન્ય સંશોધન-પ્રવૃત્તિઓમાં ઇન્ફ્રારેડ-ટેલિવિઝન (નૉક્ટોવિઝન) અને રડારનો સમાવેશ થાય છે. 1944માં તેમને ત્રિપરિમાણી અને રંગીન પ્રતિબિંબ ઉપજાવવામાં અને પડદા પર તેને ર્દશ્યમાન કરવામાં તેમજ સ્ટિરિયોફૉનિક અવાજ પ્રયોજવામાં સફળતા મળી.
મહેશ ચોકસી