બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર)

January, 2000

બૅરોનેટ, ચીનુભાઈ માધવલાલ (સર) (જ. 26 મે 1864, અમદાવાદ; અ. 3 માર્ચ 1916, અમદાવાદ) : અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર. 1882માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. 1898માં દાદાનું અને ત્યારબાદ  પિતાનું અવસાન થવાથી બધી જવાબદારી પોતે સંભાળી લીધી. તેમણે પોતાના વહીવટ હેઠળની ત્રણે મિલોને પ્રથમ પંક્તિની બનાવી. તેમણે ઇજિપ્શિયન રૂમાંથી 100 કાઉન્ટ જેટલું ઊંચી જાતનું સૂતર કાંતવાની રીત શરૂ કરી. ચીનુભાઈ દાનવીર પણ હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે દાન કરેલાં છે. તેમની સખાવતોની વિગતો નીચે પ્રમાણે છે :

(1) રૂપિયા છ લાખ માધવલાલ રણછોડલાલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, (2) રૂપિયા બે લાખ ગુજરાત કૉલેજના આર્ટ્સ વિભાગ માટે, (3) રૂપિયા એક લાખ ગુજરાત કૉલેજના કંપાઉન્ડમાં જ્યૉર્જ ફિફ્થ હૉલ બાંધવા માટે, (4) રૂપિયા પચાસ હજાર સિડનહામ લાઇબ્રેરી માટે, (5) રૂપિયા એક લાખ પચાસ હજાર રણછોડલાલ છોટાલાલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં મદદરૂપે, (6) રૂપિયા એક લાખ પચાસ હજાર આપીને જ્યુબિલી હૉસ્પિટલમાં સ્ત્રીઓ માટે રેવાબાઈ વૉર્ડ બાંધી આપ્યો. (7) રૂપિયા એક લાખ પંદર હજાર નર્સિંગ સ્કૂલ, (8) રૂપિયા એક લાખ મુંબઈમાં કૉમર્સ કૉલેજ માટે, (9) રૂપિયા પચાસ હજાર સારંગપુર દરવાજા બહાર ‘માધવબાગ’ બનાવી આપ્યો, (10) રૂપિયા પાંત્રીસ હજાર રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલ માટે (11) રૂપિયા પચાસ હજાર ધરમપુર સેનેટોરિયમ, (12) રૂપિયા પાંત્રીસ હજાર હાઈસ્કૂલમાં માધવલાલ બૉર્ડિંગ માટે, (13) રૂપિયા પચીસ હજાર સંસ્કૃત પાઠશાળાને મદદ.

ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ

આ ઉપરાંત તેમણે બીજી ગુપ્ત સખાવતો પણ કરી હતી. ઉપર્યુક્ત સખાવતો વીસમી સદીના આરંભનાં વરસોમાં કરવામાં આવી હતી, જે તે સમયે ઘણી મોટી રકમો ગણાતી હતી. તેમનામાં વિશાળ ધર્મભાવના અને લોકકલ્યાણની ભાવના હતી. તેમનાં સેવાકાર્યોની કદર કરીને બ્રિટિશ સરકારે 1907માં સી. આઇ. ઇ.(Companian of order of the Indian Empire)નો ખિતાબ આપ્યો હતો. 1909માં તેમને પ્રથમ વર્ગના ગુજરાતના સરદાર બનાવવામાં આવ્યા હતા. 1911માં તેમને ‘નાઇટ’(સર)નો ઇલકાબ આપવામાં આવ્યો. 1913માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો. તેઓ મિલમાલિક મંડળ, સ્થાનિક મ્યુનિસિપાલિટીની સમિતિ તથા બીજી અનેક સંસ્થાઓના પ્રમુખ હતા. 1913માં મિલમાલિકોના મતદાર વિભાગે તેમને ધારાસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હતા. તેમણે વારાણસી, હરદ્વાર તથા દક્ષિણ ભારતનાં ધાર્મિક સ્થળોમાં પણ સખાવતો કરી હતી. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતમાં એમને ઘણો રસ હતો. દરરોજ રાત્રે દોઢ કલાક તેઓ રામકૃષ્ણ શાસ્ત્રી પાસે બેસીને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરતા હતા. તેઓ સ્વભાવે આનંદી અને વ્યવહારમાં નિયમિત હતા.

જયકુમાર ર. શુક્લ