બેરીબેરી : ઓછા પ્રમાણમાં થાયામિન અને વધુ પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય તેવા ખોરાકથી થતો રોગ. થાયામિનને વિટામિન-બી1 પણ કહે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના યુદ્ધકેદીકૅમ્પમાં પૉલિશ કરેલા ચોખાનો ખોરાક અપાતો. તેને કારણે યુદ્ધકેદીઓને ખોરાક રૂપે દર 1,000 મેદરહિત કૅલરીએ ફક્ત 0.3 મિગ્રા. થાયામિન મળતું હતું. તે સમયે પાતળા ઝાડા કે કોઈ ચેપ લાગે ત્યારે બેરીબેરીનો હુમલો થઈ આવતો. ખોરાકમાં સામાન્ય રીતે દર 1,000 કૅલરીએ 0.2 મિગ્રા.થી ઓછા પ્રમાણમાં થાયામિન હોય તો બેરીબેરી થાય છે. તેથી દર 1,000 કૅલરીવાળા આહારમાં 0.5 મિગ્રા. થાયામિન અપાય એવું સૂચવવામાં આવે છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાયામિનનો ઉપયોગ બરાબર થતો ન હોવાને કારણે 2,000 કૅલરીથી ઓછો ખોરાક હોય તોપણ દરરોજ 1 ગ્રામ થાયામિન લેવાનું સૂચવાય છે. નાનાં બાળકો, સગર્ભા માતા તથા સ્તન્યપાન કરાવતી માતાઓને પણ 0.5 મિગ્રા. થાયામિન વધુ લેવાનું સૂચવાય છે. હાલ ક્યારેક દક્ષિણ-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના વિકાસશીલ દેશોમાં બેરીબેરીના દર્દીઓ જોવા મળે છે. મિલમાં પૉલિશ કરેલા ચોખાનો વપરાશ હોય તેવાં સ્થળોએ તે ખાસ જોવા મળે છે, કેમ કે હાથથી છડેલા ચોખા કરતાં મિલમાં પૉલિશ કરાયેલા ચોખામાં થાયામિનવાળું ઘટક વધુ દૂર થાય છે. બ્રાઝિલ તથા આફ્રિકામાં કાસાવાનો ખોરાકમાં ઉપયોગ કરનારાઓમાં પણ તે જોવા મળે છે. મેંદો અને રવાનો (refined wheat flowr) વધુ પડતો અને કાયમી ઉપયોગ કરનારાઓમાં પણ આ રોગ જોવા મળે છે. મદ્યપાનની લત હોય કે આંતરડાનો રોગ હોય અને તેમાં વિટામિનનું અવશોષણ ઘટતું હોય તો થાયામિનની ઊણપ સર્જાય છે અને બેરીબેરી થાય છે. વર્નિકની મસ્તિષ્કરુગ્ણતા (Wernicke’s encephalopathy) અને કોર્સેકૉફના તીવ્ર મનોવિકાર(Korsakoff’s psychosis)ને તથા બેરીબેરીને ગાઢ સંબંધ છે.

નિદાન : મોટાભાગના કિસ્સામાં મંદ પ્રકારનો વિકાર થાય છે. તેમાં મોટેભાગે હાથપગમાં ઝણઝણાટી અને ખાલી ચડવી જેવી પરાસંવેદનાઓ (paraesthesias) થાય છે. વળી કાંડા કે ઘૂંટી આગળની તેમજ અન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (ચેતાપરાવર્તી ક્રિયાઓ reflxes) પણ જતી રહે છે. લાંબી ચેતાઓવાળા, વધુ કાર્ય કરતા અને કદાચ વધુ રુધિરાભિસરણવાળા સ્નાયુઓ વધુ અસરગ્રસ્ત બને છે. તેથી વ્યક્તિના કાર્ય પ્રમાણે તેના શરીરના જુદા જુદા સ્થાને વિવિધ લક્ષણો જણાય છે; જેમ કે, મજૂરોના પગમાં અને સ્ત્રીઓના હાથપગનાં આંગળાંમાં પરાસંવેદનાઓ થાય છે. સ્નાયુઓને અડવાથી દુ:ખે છે. રાત્રે સ્નાયુપીડા (muscle cramps) થાય છે. દિવસે સ્નાયુઓ ભરાઈ જવા, કડક થઈ જવા કે થાકી જવા જેવી તકલીફો ઉદભવે છે. ચેતાવિકારને કારણે હસ્ત અને પાદનો લકવો થવાથી તે નીચા પડી જાય છે. તેને હસ્તપાત (wrist drop) અને પાદપાત (foot drop) કહે છે. પૂર્ણ વિકસિત રોગવાળી વ્યક્તિના હૃદયના ધબકારાનો દર વધે છે. આ બધાં જ લક્ષણો પુખ્ત વ્યક્તિઓને 30થી 120 દિવસ સુધી 0.075થી 0.2 મિગ્રા./દિવસના દરે થાયામિન આપવાથી સર્જાવી શકાય છે.

ઉગ્ર પ્રકારના વિકારને શોશિન (Shoshin) કહે છે અને તેમાં મુખ્યત્વે રુધિરાભિસરણની તકલીફ હોય છે. તેને આર્દ્ર બેરીબેરી (wet beriberi) પણ કહે છે. ક્યારેક તે મૃત્યુ નિપજાવે છે. જો ચેતાનો વિકાર વહેલો ઉદભવે તો હૃદય બચી જાય છે. કેમ કે દર્દીને ફરજિયાતપણે આરામ કરવો પડે છે. જો હૃદયનો વિકાર વધુ તીવ્ર હોય તો ખૂબ શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો થવો વગેરે તકલીફો જોવા મળે છે. દર્દી પથારીમાં આમથી તેમ આળોટે છે. દર્દીનો અવાજ ક્યારેક બેસી ગયેલો હોય છે અથવા સંપૂર્ણપણે દબાઈ ગયો હોય છે (અવાક્તા, aphonia). તેની આંખની કીકીમાં આવેલી કનીનિકાઓ (pupils) પહોળી થયેલી હોય છે અને શ્વસન ઝડપી અને છીછરું બને છે. હૃદય પહોળું થાય છે અને તેની સાથે યકૃત પણ મોટું થયેલું હોય છે. ક્યારેક નખ ભૂરા પડે છે અને નાડી નબળી પડે છે. આ પ્રકારના બેરીબેરીમાં હાથ, પગ અને મોં પર સોજો (થોથર) આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

લાંબા સમયનો શુષ્ક (dry) અથવા અપક્ષીણતા(atrophy)વાળો બેરીબેરીનો વિકાર મોટેભાગે પુખ્ત વયની વ્યક્તિમાં જોવા મળે છે. તેને શુષ્ક બેરીબેરી પણ કહે છે. તેમાં હાથ અને પગનો લકવો થવાથી અનુક્રમે હસ્તપાત અને પાદપાત થાય છે. તેઓમાં બેરીબેરીના રાસાયણિક વિકારો જોવા મળતા નથી અને તેની સારવારનું પરિણામ પણ ઓછું સારું આવે છે. શિશુઓમાં જોવા મળતો બેરીબેરીનો વિકાર સામાન્ય રીતે 1થી 4 મહિનાની ઉંમરે થાય છે. જે માતા પૉલિશ કરેલા ચોખા ખાતી હોય એવી માતાના દૂધમાં થાયામિનનું પ્રમાણ ખૂબજ હોય છે, જેથી સ્તન્યપાન કરનારા બાળકને પૂરતું થાયામિન મળતું નથી. માતામાં સામાન્ય રીતે રોગનાં લક્ષણો જોવા મળતાં નથી. તેમાં શરૂઆતમાં ઊલટી, અજંપો, ફિકાશ, અરુચિ (anorexia) અને અનિદ્રાના વિકારો થાય છે. જો ઉગ્ર વિકાર હોય તો શિશુ ભૂરું પડે છે, તેને શ્વાસ ચઢે છે, નાડી ઝડપી બને છે અને હૃદયનો તીવ્ર વિકાર થઈ આવે છે. તેમાં ક્યારેક મૃત્યુ થાય છે. ધીમે વધતા વિકારમાં ઊલટી, અરુચિ (ભૂખ ન લાગવી), અવાક્તા, સ્નાયુસંકોચનથી બેવડ વળી જવું (opisthotonus), સોજા આવવા, અલ્પમૂત્રતાને કારણે પેશાબ ઓછો ઊતરવો, કબજિયાત થવી અને પેટમાં વાયુપ્રકોપ (meteorism) થાય છે. અલ્પઉગ્રતાવાળા વિકારમાં મોઢા પર થોથર (puffiness), ઊલટી, અલ્પમૂત્રતા, પેટમાં દુખાવો, ખોરાક ગળવામાં તકલીફ, અવાક્તા વગેરે થાય છે. ક્યારેક ખેંચ (આંચકી) પણ આવે છે. યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવના રહે છે. બેરીબેરીવાળા સ્તન્યપાન કરનાર બાળકની સારવાર માટે તેની માતાને 10 મી.ગ્રામ થાયામિન દિવસમાં બે વખત આપતાં માતાના દૂધમાં થાયામિનનું પ્રમાણ વધે છે જે બાળકને દવા સ્વરૂપે મળે છે. અગાઉના સમયમાં ચોખાનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરનાર ગ્રામીણ પ્રજાનાં 2થી 5 માસનાં બાળકોના મૃત્યુનું એક અગત્યનું કારણ બેરીબેરી જોવા મળતું.

રાસાયણિક વિકાર અને રુગ્ણવિદ્યા (pathology) : કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝ બને છે, જેમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઊર્જા(શક્તિ)ની પ્રાપ્તિ થાય છે. તે માટે ગ્લુકોઝમાંથી પાયરુવિક ઍસિડ બને છે. તે ત્યારબાદ ક્રેબના ચક્રમાં ઑક્સિજન સાથે સંયોજાઈને અંગારવાયુ તથા પાણીમાં રૂપાંતરિત થાય છે. થાયામિનની ઊણપ હોય ત્યારે પાયરુવિક ઍસિડ અને લૅક્ટિક ઍસિડનો ભરાવો થાય છે. જેને કારણે લોહીની નાની નળીઓ (કેશવાહિની) પહોળી થાય છે અને એમાંથી પ્રવાહી બહાર ઝામે છે; જેને કારણે થોથર ચઢે છે. થાયામિનની ઊણપ થાય ત્યારે તેનો પેશાબ દ્વારા થતો ઉત્સર્ગ ઘટે છે. જ્યારે તે દર 24 કલાકે 40 માઇક્રોગ્રામથી ઓછો થાય ત્યારે સામાન્ય રીતે બેરીબેરીનાં લક્ષણો જોવા મળે છે. થાયામિનની ઊણપથી શરીરની ચેતાઓ, કરોડરજ્જુ તથા હૃદયમાં વિકૃતિઓ ઉદભવે છે. જો વર્નિકની મસ્તિષ્કરુગ્ણતા થઈ હોય તો મોટા મગજ અને કરોડરજ્જુ વચ્ચે આવેલા મસ્તિષ્કપ્રકાંડ (brain stem) નામના એેક વિસ્તારમાં વિકૃતિઓ થાય છે.

સારવાર : થાયામિનવાળો ખોરાક તથા મોં વાટે થાયામિનની 5 કે 10 ગ્રામની ગોળીઓને દિવસમાં 3 વખત અપાય છે. વધુ તીવ્ર વિકાર હોય ત્યારે ઇન્જેક્શન દ્વારા વિટામિન અપાય છે. સારવારમાં મોડું થાય તો વર્નિકની મસ્તિષ્કરુગ્ણતાનો વિકાર થાય છે. તેમાં હૃદયના વિકારને કારણે, અને કોર્સેકૉફના તીવ્ર મનોવિકારમાં મોટા મગજમાં વિકૃતિ થવાને કારણે, કાયમી તકલીફ કે મૃત્યુ  નીપજે છે. ચોખાની સંપૂર્ણ પૉલિશ ન કરવાથી તથા ખોરાકની ચીજોમાં થાયામિન ઉમેરવાથી તેની ઊણપ થતી અટકે છે.

પૂર્વનિવારણ (Prevention) :  થાયામિન જલદ્રાવ્ય વિટામિન હોવાથી સામાન્ય રીતે શરીરમાં તેનો સંગ્રહ થતો નથી. આથી બેરીબેરીના પૂર્વનિવારણ માટે આ વિટામિનને જરૂરી માત્રામાં રોજ લેવું જરૂરી બને છે. તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં આશરે 25 મી.ગ્રામ થાયામિન હોય છે. ખોરાકમાં ઓછો પૉલિશવાળા/હાથે છડેલા ચોખા, અનાજ, કઠોળ, લીલાં શાકભાજી, દૂધની માખણ સિવાયની બનાવટોનો પ્રમાણસર ઉપયોગ કરવાનું સૂચવાય છે. તેવી રવા–મેંદાની બનાવટોનો સંયમિત પ્રમાણસર ઉપયોગ પણ લાભકારક છે. રસોઈ દરમિયાન સામાન્ય રીતે 25 % થાયામિન નાશ પામે છે. થાયામિનનો નાશ થતો અટકાવવા તથા ખોરાકમાં તેનું પ્રમાણ જાળવવા માટે ચોખાને વધુ પડતાં પાણીમાં રાંધવા ન જોઈએ, ઓસામણ કાઢી નાંખવું ન જોઈએ, શાકભાજીને પણ પ્રમાણસર પાણીમાં રાંધવા જોઈએ તથા રસોઈમાં બેકિંગ સોડાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ એવું મનાય છે.

ભરત ભાવસાર

શિલીન નં. શુક્લ