બેરિંગ સામુદ્રધુની

January, 2000

બેરિંગ સામુદ્રધુની : એશિયા અને ઉત્તર અમેરિકી ખંડોને અલગ પાડતી 90 કિમી. પહોળાઈ ધરાવતો, 52 મીટરની મહત્તમ ઊંડાઈવાળો સાંકડો જળવિભાગ. ભૌગોલિક સ્થાન : 66° ઉ. અ. અને 170° પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પ્રાદેશિક સમય ગણતરીની અનુકૂળતા માટે આંતરરાષ્ટ્રીય તિથિ (દિનાંતર) રેખાને વાળીને આ સામુદ્રધુનીમાંથી પસાર કરવામાં આવેલી છે. તેની ઉત્તર તરફ આર્ક્ટિક મહાસાગર અને દક્ષિણ તરફ પૅસિફિક મહાસાગરનો બેરિંગ સમુદ્ર આવેલા છે. તેની આજુબાજુ પ્રિન્સ ઑવ્ વેલ્સની ભૂશિર, અલાસ્કા, ઈસ્ટ ભૂશિર તથા સાઇબીરિયા આવેલાં છે. તે રશિયાને અલાસ્કાથી જુદું પાડે છે તથા બેરિંગ સમુદ્રને ચુકચી સમુદ્ર સાથે જોડે છે. સામુદ્રધુનીના મધ્ય ભાગમાં આંતરરાષ્ટ્રીય સીમારેખા બનાવતા ડાયોમીડ ટાપુઓ આવેલા છે. લઘુ ડાયોમીડ પૂર્વ તરફ અને મહા ડાયોમીડ પશ્ચિમ તરફ છે.

1648માં આ સામુદ્રધુનીમાં સર્વપ્રથમ પ્રવેશનાર કૉઝેક ડેઝનેવ હતા, પરંતુ 1728માં બે ખંડોને અલગ કરતી તેની સ્થિતિ નક્કી કરી આપનાર ડેનિશ શોધક વિટ્સ બેરિંગ હતો. ઓગણીસમી સદીની શરૂઆતમાં થયેલાં અભિયાનોને પરિણામે અહીં 1849માં વ્હેલ માછલીનો ઉદ્યોગ સ્થપાયો.

અહીંનું જળતાપમાન ઑગસ્ટમાં 4°થી 7° સે. જેટલું રહે છે. અલાસ્કાના કિનારાથી થોડે દૂર ઉનાળાની ઋતુ દરમિયાન ઉત્તર તરફથી આછો સમુદ્રપ્રવાહ વહે છે, જ્યારે શિયાળાના ઉત્તરના પવનો આ સામુદ્રધુની મારફતે ઉત્તર તરફથી બરફ લઈને આવે છે. અહીં ભરતીનું પ્રમાણ નજેવું રહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહથી (ક્યારેક વહેલાં) આ વિભાગ બરફમુક્ત બની રહે છે. તેમ છતાં આર્ક્ટિક મહાસાગરનો ઉત્તરતરફી બરફયુક્ત ભાગ અહીંથી ખાસ દૂર નથી. ઑક્ટોબરની શરૂઆતથી વહાણોની અવરજવર થઈ શકે છે, પરંતુ કિનારા તરફ સપ્ટેમ્બરમાં બરફ જામવાનો પ્રારંભ થઈ જાય છે અને એક કિનારાથી બીજા કિનારા સુધી શિયાળાની ઋતુમાં આ સામુદ્રધુની બરફથી જામેલી રહે છે.

પ્લાયસ્ટોસીન હિમયુગ દરમિયાન હિમજમાવટને કારણે તેની સમુદ્રસપાટી નીચી જતાં બે ભૂમિખંડો વચ્ચે સળંગ ભૂમિમાર્ગ રચાયેલો. આ માર્ગેથી આજથી લગભગ 25,000 વર્ષ પૂર્વે સાઈબીરિયામાંથી સ્થળાંતર કરીને ગયેલા રેડ ઇન્ડિયનોના પૂર્વજોએ ઉત્તર અમેરિકામાં પ્રવેશીને વસાહતો સ્થાપેલી.

ગિરીશભાઈ પંડ્યા

નિયતિ  મિસ્ત્રી