બૅરિંગ્ટન, કેન (જ. 1930, બર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1981, બાર્બાડૉસ) : ક્રિકેટના નામી ખેલાડી. તેમણે 1955થી ક્રિકેટ રમવાનો પ્રારંભ કર્યો અને 1959માં ટેસ્ટ કક્ષાની મૅચમાં પ્રવેશ કર્યો. કોઈ અણનમ ખેલાડીની જેમ તે 82 ટેસ્ટ મૅચ રમ્યા અને 58.67ની સરેરાશથી કુલ 6,806 રન નોંધાવ્યા. ટેસ્ટ મૅચમાં તેમણે કુલ 20 શતક કર્યા, તેમાં 1964માં ઓલ્ડ ટ્રૅફૉર્ડ ખાતે ઑસ્ટ્રેલિયા સામે નોંધાવેલા 256 રન ખાસ ઉલ્લેખપાત્ર છે.

તબિયતની અસ્વસ્થતાના કારણે ક્રિકેટજગતમાંથી તે વહેલા નિવૃત્ત થયા. ઇંગ્લૅન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગઈ હતી ત્યારે, મદદનીશ મૅનેજરની ફરજ બજાવતાં બજાવતાં બાર્બાડૉસ ખાતે તેમનું અવસાન થયું.

મહેશ ચોકસી