બેરળ, ગેંડોરેલ (1904) : કન્નડ નાટ્ય કૃતિ. આધુનિક કન્નડ સાહિત્યના અગ્રગણ્ય નાટકકાર કુવલપ્પુ પુટપ્પા ( ) કૃત આ નાટકમાં તેમણે જડ રૂઢિગ્રસ્તતા અને અમાનુષી આચરણ સામે બુલંદ અવાજે આક્રોશ ઠાલવ્યો છે.
નાટક 3 ર્દશ્યમાં વહેંચાયેલું છે. પહેલા ર્દશ્યનું નામ ‘ગુરુ’ રાખ્યું છે. બીજાનું ‘કર્મ’ અને ત્રીજાનું ‘યજ્ઞ’. મહાભારતની કથામાં એકલવ્યની સામે દ્રોણે જે ક્રૂરતા આચરી તે પ્રસંગનું એ 3 ર્દશ્યોમાં નાટ્યાલેખન કર્યું છે. પહેલા ર્દશ્યમાં દ્રોણાચાર્ય એકલવ્ય શૂદ્ર હોવાથી એને શિષ્ય તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરે છે. તેમાં એકલવ્યની નમ્રતા અને દ્રોણનો બ્રાહ્મણ હોવાનો ઘમંડ દર્શાવ્યો છે. બીજા ર્દશ્યમાં દ્રોણના પૂતળાને ગુરુ તરીકે સ્થાપી એકલવ્ય વિદ્યા શીખે છે, તેનું નિરૂપણ કર્યું છે અને ત્રીજામાં ગુરુ દ્રોણ ગુરુદક્ષિણામાં એકલવ્ય પાસે અંગૂઠો માગે છે તે એ કાપી આપે છે તે દર્શાવ્યું છે. પહેલા ર્દશ્યના ‘ગુરુ’ નામમાં વ્યંગ્ય છે. દ્રોણ એકલવ્યનો તિરસ્કાર કરે છે, તે દર્શાવી એ ‘ગુરુ’ હતા જ નહિ એમ કવિએ સૂચવ્યું છે. સંવાદમાં એકલવ્યની ભારોભાર નમ્રતા અને દ્રોણનો ઘમંડ દર્શાવ્યાં છે. બીજાનું નામ ‘કર્મ’ રાખવાનું કારણ તેમાં એકલવ્યના શરકૌશલનો સંદર્ભ છે. એકલવ્યની ધનુર્વિદ્યાથી દ્રોણને આઘાત થાય છે અને એ અર્જુન કરતાં ચઢિયાતો ધનુર્ધર ન બને તે માટે એ સીધા ગુરુ ન હોવા છતાં તેની પાસે ગુરુદક્ષિણા માગે છે. લેખકે તે બાબત વ્યંગપૂર્ણ વાણીમાં દર્શાવી છે. આમ અહીં ‘કર્મ’ એટલે ‘ગુરુનું અનિષ્ટ કર્મ’ એવો સંકેત રજૂ થયો છે. ત્રીજાનું નામ ‘યજ્ઞ’ રાખ્યું છે કેમ કે એકલવ્ય ગુરુને અંગૂઠાની આહુતિ આપે છે. અંતમાં અર્જુનના બાણથી જ દ્રોણનો વધ થાય છે એ દર્શાવી દ્રોણને પોતાના દુષ્કર્મનું ફળ ભોગવવું પડે છે તે દર્શાવી પોતે જેવું કર્મ કર્યું તેવું ફળ પોતાને મળ્યું એમ એમની સ્વગતોક્તિ દ્વારા બતાવ્યું છે. નાટકનો હેતુ આર્યોએ અનાર્ય તથા આદિવાસીઓ તરફ કરેલા અન્યાયનું દર્શન કરાવી, આદિવાસી કેવા ભલા અને ભોળા હતા તેનું નિરૂપણ કરીને દ્રોણના આચરણ દ્વારા ગુરુ વિશેનાં પૌરાણિક મૂલ્યો સામેનો પ્રચંડ વિદ્રોહ અહીં આલેખાયો છે. આ નાટક અનેક વાર ભજવાયું હતું અને હજીયે ભજવાય છે.
ચન્દ્રકાન્ત મહેતા