બેયૉન મંદિર : પ્રાચીન કંબુજદેશ(કંબોડિયા)ના પાટનગર અંગકોરથોમમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. કંબુજસમ્રાટ જયવર્મા 7મા(1181–1218)એ રાજધાની અંગકોર-થોમ વસાવી તેને ફરતો કિલ્લો, કિલ્લાને ફરતી ખાઈઓ, કિલ્લામાં પ્રવેશવા માટેનાં પાંચ પ્રવેશદ્વારો, નગરની વીથિઓની આંતરિક રચના વગેરેનું ગણતરીપૂર્વકનું આયોજન કરેલું હોવાથી એ તત્કાલીન જગતનું એક નમૂનેદાર નગર બન્યું હતું. આ નગરની મધ્યમાં એ વખતે મણિની જેમ શોભતું શાનદાર બેયૉન મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિર લોકેશ્વરની મુખાકૃતિવાળા મિનારા, બાંધકામમાં હાથીની આકૃતિઓનો છૂટથી થયેલો ઉપયોગ, અર્ધસ્તંભોના વધારે પડતા ભાગનો દીવાલોમાં સમાવેશ, દ્વારપાળોની મોટા કદની પ્રતિમાઓ, નાગ અને ગરુડની શિલ્પકૃતિઓ અને મુખ્ય દેવ અવલોકિતેશ્વર તેમજ અનેક દેવદેવીઓનાં શિલ્પો વગેરેને કારણે કંબોડિયાનાં બધાં પ્રાચીન મંદિરોમાં અલગ તરી આવે છે. આ મંદિરનું બાંધકામ ચાર તબક્કે થયાનું જણાય છે. મંદિર સર્વપ્રથમ આડી સપાટી પર કેવળ બહારની વીથિકાઓ સહિત બંધાયું હતું. ત્યારબાદ પથ્થરના શિલાપટ્ટ પર અંદરની વીથિકાઓ બાંધવામાં આવી. ત્રીજા તબક્કામાં આ વીથિકાઓને સોળ પૂજાગૃહો દ્વારા બહારની વીથિકાઓ સાથે જોડવામાં આવી. છેલ્લા તબક્કામાં મૂળ બાંધકામ પર મધ્યનો મોટો મિનારો અને અન્ય મિનારા બંધાયા. એ વખતે સોળ પૂજાગૃહો કાઢી નાખવામાં આવ્યાં. બેયૉનનું મંદિર આસપાસના વિસ્તારની ભૂમિ કરતાં 3.40 મીટર ઊંચા ભૂ-ભાગ પર ઊભેલું છે. તેની બહારની વીથિકા 140 × 160 મીટર છે, જ્યારે છેક અંદરની વીથિકા 70 × 80 મીટરનો વિસ્તાર આવરે છે. તેની બરાબર મધ્યમાં ઊંચી પીઠ પર દેવાલય ઊભું છે, જેના ત્રણ મધ્યખંડો પર મુખાકૃતિ ધરાવતા મિનારા છે. મધ્યના મુખ્ય ખંડની ઉપરના મિનારાની ટોચ 45 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. એ મિનારા પર સોનેરી મુકુટ ચડાવવામાં આવેલો હતો. આ મંદિરમાં નાનામોટા મળીને એકંદરે 40 મિનારાઓ ર્દષ્ટિગોચર થાય છે. બધા મિનારાઓ ચતુર્મુખ છે અને તેના પર લોકેશ્વર(અવલોકિતેશ્વર)ની મુખાકૃતિઓ કરેલી છે. સમગ્ર મહામંદિરને ફરતો પ્રાકાર છે, જેમાં મિનારાયુક્ત પ્રવેશદ્વાર અને રક્ષકગૃહ છે. બેયૉનની વીથિકાઓ પણ શિલ્પોથી મઢેલી છે. એમાં દેવદેવીઓનાં અસંખ્ય શિલ્પ-ર્દશ્યો ઉપરાંત હાથી પર સવાર ધનુર્ધારી સામંતો, ઘટાદાર વૃક્ષો નીચે વિસામો કરતા યજ્ઞોપવીતધારી દાઢીયુક્ત બ્રાહ્મણો, મલ્લયુદ્ધ, વીણાવાદકોની મંડળી, બાજી બતાવતા બાજીગરો, પાલખીમાં બેસીને ફરવા નીકળેલ રાણીઓ, મચ્છીમારી કરતા લોકો, દરિયાઈ યુદ્ધ, બળદો દ્વારા ખેંચાતા રથ, જિતાયેલા દેશોમાંથી હાથીઓ પર લદાઈને લવાતો લૂંટનો માલ વગેરે ર્દશ્યો જોવા મળે છે. એક સ્થળે ઝરૂખામાં દર્શન આપતા રાજાનું આલેખન છે, જેમાં રાજા ધોતી પહેરેલ અને ગળામાં હાર ધારણ કરેલ નજરે પડે છે. તેની ચારેય બાજુ દરબારીઓ ઊભેલા છે. ઝરૂખાની નીચે વારશિંગું, ગેંડા અને સસલાંને સરઘસાકારે લઈ જવામાં આવે છે. આખું ર્દશ્ય જીવંત લાગે છે. અહીંની ‘બેયૉનનું હાસ્ય’ નામે પ્રસિદ્ધ બુદ્ધ-પ્રતિમા કંબોડિયાની મૂર્તિકલાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. એમાં બુદ્ધના અર્થપૂર્ણ હોઠ નિર્વાણનો પરમ આનંદ પ્રાપ્ત થયો હોવાના સૂચક છે. બેયૉન મંદિર પ્રશિષ્ટ ખ્મેર સ્થાપત્યશૈલીના વિકાસનો એક સરસ નમૂનો છે.
પ્રવીણચંદ્ર પરીખ