બેયર્ડ, જૉન લોગી (જ. 1888; અ. 14 જૂન 1946) : ટેલિવિઝનનો બ્રિટિશ આદ્ય શોધક. ફોટોગ્રાફી તેમજ નવા નવા પ્રયોગો–તુક્કાઓ કરવાનો તેને ખૂબ શોખ. શરીર દૂબળું, અભ્યાસમાં બહુ ઓછો રસ. ટેલિફોન પ્રત્યે કુતૂહલ હતું અને સ્વયં વીજળીના તાર લઈ જાતજાતના પ્રયોગો કરતો. પોતાના એક મિત્ર સાથે વાત કરવા જૉને પોતાને હાથે તૈયાર કરેલ ટેલિફોન લગાવ્યો. એક દિવસ પવનની આંધીમાં જૉનના ટેલિફોનના તાર તૂટી ગયા. અંધારી રાત હતી. ટેલિફોનના તાર સડક પર પડ્યા હતા. રસ્તા પર જઈ રહેલ માણસના ગળામાં તાર અટવાયો, તે માણસ માંડ માંડ જીવતો રહ્યો. તેને ખૂબ ઠપકો મળ્યો અને ટેલિફોનનો ધંધો બંધ કરવો પડ્યો.

હીરા બનાવવા, મોજાં બનાવવાં, ફળ અને ખાંડમાંથી મુરબ્બો બનાવવો, સાબુ બનાવવો એમ વિવિધ ક્ષેત્રોમાં તેના પ્રયોગ ચાલતા હતા.

એક દિવસ સાંજે સમુદ્રકિનારે લટાર મારી રહ્યો હતો ત્યારે તેણે ગીત સાંભળ્યું અને વિચાર આવ્યો કે રેડિયો પર આવતું ગીત સંભળાતું હોય તો તે ગીત ગાનાર વ્યક્તિની છબી કેમ ન જોઈ શકાય ? હવામાં તરંગો જો ધ્વનિનું વહન કરી શકે તો ચિત્ર કેમ નહિ ? એણે સંકલ્પ કર્યો કે ધ્વનિના રૂપાંતરિત તરંગોની માફક ચિત્રના રૂપાંતરિત તરંગો મેળવી તેનું પ્રસારણ શક્ય બનાવવું. પછી પોતાનું બધું ધ્યાન આ સ્વપ્ન(વિચાર)ને સાકાર કરવામાં કેન્દ્રિત કર્યું. તે અનેક પ્રયોગો કરતો રહ્યો. પ્રકાશનો સ્ફોટ (તેજ) ઊભો કરીને જે તે ચિત્ર પર કેન્દ્રિત કર્યો. ઘણા દિવસોની મહેનત પછી તેને અંશત: સફળતા મળી. 1926માં બ્રિટનની રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં તેણે પોતાના પ્રયોગો સફળતાપૂર્વક યોજ્યા. લોકોને જ્યારે જૉનના પ્રયોગ અને તેમાં સફળ થવાની શક્યતાની જાણ થઈ ત્યારે તેમણે તેના કાર્યમાં રસ લઈ મદદ કરી. જૉનને સફળતા મળી. 1929માં પ્રથમ જર્મન પોસ્ટ ઑફિસે અને ત્યારબાદ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશને તેની આ શોધને અમલમાં મૂકી. તેણે પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને બોલાવી પોતાની આ અદભુત શોધ બતાવી. જૉને ટેલિવિઝન સેટ તૈયાર કરી વેચવાનું કાર્ય શરૂ કર્યું. જૉનની ઇચ્છા રેડિયો-સ્ટેશનોની માફક ટેલિવિઝન-કેન્દ્રો પણ શરૂ થાય તેવી હતી; પરંતુ તેની ઇચ્છા પૂરી થઈ ન શકી, કારણ કે યુરોપ, અમેરિકા અને અન્ય ઘણા દેશોમાં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. તેનું પોતાનું ટી. વી. પ્રસારણકેન્દ્ર બૉમ્બમારામાં તૂટી પડ્યું. ત્યારપછી તેણે ટેલિવિઝનમાં રંગીન ચિત્રોનું પ્રસારણ થાય તેના પ્રયોગો પણ કર્યા અને સફળતા મેળવી. 1946માં ‘કેબલ ઍન્ડ વાયર લિમિટેડ કંપની’માં ટૅકનિકલ એડવાઇઝર તરીકે જોડાયો અને મોટી શરદીની બીમારીમાં મૃત્યુ થયું.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ