બેયર, કાર્લ અર્ન્સ્ટ ફૉન (જ. 28 ફેબ્રુઆરી 1792, પીપ; અ. 28 નવેમ્બર 1876, દોર્પટ) : પ્રખ્યાત જર્મન પ્રકૃતિવિદ. બેયર દોર્પટ વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને એમ.ડી.ની ઉપાધિ મેળવી. ઈ. સ. 1814માં તુલનાત્મક શારીરિકી(comparative anatomy)ના અભ્યાસાર્થે ક્યુનિગ્સબર્ગમાં દાખલ થયા અને 1819માં તેઓ ક્યુનિગ્સબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેમણે 1826માં શરીરશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરી. 1828માં પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેંટ પીટર્સ એકૅડેમી ઑવ્ સાયન્સિઝમાં જોડાયા; જ્યારે 1830માં ક્યુનિગ્સબર્ગ પાછા આવ્યા. 1834માં તેઓ સેંટ પીટર્સ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના લાઇબ્રેરિયન બન્યા. 1867 સુધી ત્યાં સેવા આપીને સન્માન્ય સભ્ય તરીકે દોર્પટ પાછા આવ્યા.
બેયરને આધુનિક ગર્ભશાસ્ત્રના નિર્માતા માનવામાં આવે છે. માનવીના અંડાશય અને મેરુદંડ(notochord)નું સંશોધન તેમણે કર્યું હતું. ગર્ભસ્તર (germ layer) સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા ઉપરાંત તેમણે ગર્ભવિકાસની ઘટનાઓને સૂત્રોના સ્વરૂપમાં મૂકી આપી. તેમણે ભૂગોળ અને માનવવંશવિજ્ઞાન(ethnology)ની સેંટ પીટર્સ સોસાયટી તેમજ જર્મન નૃવંશશાસ્ત્ર મંડળ(anthropological Society)ની સ્થાપના કરી. રૉયલ સોસાયટી દ્વારા કોપ્લે ચંદ્રક આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં મુખ્ય પ્રકાશનોમાં ‘હિસ્ટરી ઑવ્ ધ ડેવલપમેન્ટ ઑવ્ ઍનિમલ્સ’ (V. 1, 1828) અને ‘રિસર્ચર્સ ઑન ધ ડેવલપમેન્ટ ઑવ્ ફિશર્સ’(1835)નો સમાવેશ થાય છે. ઈ. સ. 1867માં તેમની આત્મકથા ‘Autobiography’નું પ્રકાશન થયું હતું.
મ. શિ. દૂબળે