બેન બેલ્લા, અહમદ (જ. 15 ડિસેમ્બર 1918, મૅઘ્નિયા–મર્નિયા) : અલ્જિરિયાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા અને અલ્જિરિયા પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. એક નાના વેપારીને ત્યાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ફ્રેંચ સ્કૂલમાં. આગળ અભ્યાસ માટે તેઓ બાજુના શહેર Tlemcenમાં ગયા અને ત્યાં તેમને પ્રથમ વખત રંગભેદનો કડવો અનુભવ થયો. પરિણામે તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભળવાનું શરૂ કર્યું. 1937માં તેઓ ફ્રેંચ લશ્કરમાં જોડાયા અને બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં ભાગ લીધો. 1940માં તેમને Croix de Guerveનો તથા 1944માં M’e daille Militaireનો ખિતાબ મળ્યો હતો.

યુદ્ધ પછી મૅઘ્નિયામાં પાછા ફર્યા બાદ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. સમય જતાં તેમણે મૅઘ્નિયા છોડ્યું અને મેસાલી હડ્જના ભૂગર્ભ આંદોલનમાં જોડાયા અને ખૂબ જ ઝડપથી ‘યંગ તુર્કો’માંના એક બન્યા. 1948માં દેશમાં ચૂંટણીઓ યોજાઈ ત્યારે ગવર્નરને તેમાં ગેરરીતિઓ આચરતા જોયા તેથી તેમને એવું લાગ્યું કે લોકશાહી ઢબે સ્વતંત્રતા મેળવવી મુશ્કેલ છે. પરિણામે તેમણે મિત્રોની સાથે મળીને ‘ઑર્ગેનાઇઝેશન સ્પેશ્યલ’ની સ્થાપના કરી, જેનું ધ્યેય જેમ બને તેમ ઝડપથી હિંસક ક્રાંતિ દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. રાષ્ટ્રવાદી આંદોલન માટે નાણાં એકત્ર કરવાના હેતુથી 1950માં ઓરાન પોસ્ટ ઑફિસને લૂંટવામાં આવી અને તે પછી તેમની ધરપકડ થઈ. અટકાયત દરમિયાન સજાનાં બે વર્ષ પૂરાં થયાં પછી તેઓ જેલમાંથી નાસી છૂટ્યા અને ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ત્યારપછી તેઓ ઇજિપ્ત ગયા અને ત્યાં તેમને ગમાલ અબ્દુલ નાસરના ક્રાંતિકારી ટેકેદારો તરફથી મદદની ખાતરી મળી.

1954ના નવેમ્બરમાં તેમણે પોતાના હિજરતી નેતાઓ સાથે ઇજિપ્તમાં વસવાટ કર્યો અને જે નેતાઓ અલ્જિરિયામાં જ રહ્યા હતા તેમને તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં ગુપ્તપણે મળ્યા. આ તબક્કે બે અગત્યના નિર્ણયો લેવાયા : (1) રાષ્ટ્રીય મુક્તિ મોરચાની સ્થાપના કરવી અને (2) ફ્રેન્ચ વસાહતવાદીઓ વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ કરવો. રાષ્ટ્રીય મુક્તિ મોરચામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. અલ્જિરિયામાં વિદેશી શસ્ત્રો મોકલવાની કામગીરી પણ તેમણે હાથ ધરી હતી. આ ગાળા (1956) દરમિયાન બે વાર તેમની હત્યા કરવાના પ્રયાસ થયા હતા જેમાંથી એક કૈરોમાં અને બીજો ત્રિપોલીમાં થયો હતો. 1956માં અલ્જિરિયામાં ફ્રેંચ લશ્કરી સત્તા દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી તે સમયે તેઓ ફ્રાંસના વડાપ્રધાન ગાય મોલે સાથે શાંતિ-મંત્રણાઓની કામગીરીમાં ગૂંથાયેલા હતા. 1956થી 1962 દરમિયાન તેઓ અટકાયતમાં હોવાથી રાષ્ટ્રીય મુક્તિ મોરચા દ્વારા લશ્કર સાથેના સંબંધોની બાબતમાં જે ભૂલો થઈ હતી તેનાથી તેઓ દૂર રહ્યા હતા. 1962માં ફ્રાંસ સાથે એવિયન સમજૂતીઓ કરવામાં આવી. તે પછી માર્ચ 1962માં તેમને મુક્ત કરવામાં આવ્યા.

જુલાઈ 1962માં અલ્જિરિયા સ્વતંત્ર બન્યું ત્યારે તેની પરિસ્થિતિ અરાજકતાભરી હતી. રાષ્ટ્રીય મુક્તિ મોરચાના નેતાઓએ અલ્જિરિયાના પ્રજાસત્તાકની રૂઢિચુસ્ત કામચલાઉ સરકારની રચના કરી હતી. ‘બ્યુરો-પૉલિટિક’ તરીકે ઓળખાતી આ સરકારનું સંચાલન તેમણે કર્યું હતું. 1963માં અલ્જિરિયન પ્રજાસત્તાકના પ્રમુખપદે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ફ્રેંચ સંસ્થાનવાદીઓ મોટી સંખ્યામાં અલ્જિરિયા છોડી ગયા હોવાના કારણે તેમજ લશ્કરી જૂથો વચ્ચેની અથડામણોના કારણે જે અવ્યવસ્થા ઊભી થઈ હતી તેમાંથી તેમણે અલ્જિરિયા રાષ્ટ્રનું સર્જન કર્યું હતું.

તેમણે દેશના અંદાજપત્રની કુલ રકમના ચોથા ભાગને રાષ્ટ્રીય શિક્ષણ માટે ફાળવી હતી તથા ખેતીવિષયક સુધારાઓ હાથ ધર્યા હતા. તે દ્વારા અગાઉના સંસ્થાનવાદીઓની માલિકીનાં વિશાળ ખેતરોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જોકે તેના પર તેમણે રાજ્યનો સીધો અંકુશ સ્થાપ્યો ન હતો. યહૂદી-વિરોધી આરબ રાજ્યો સાથે રાજકીય સંબંધો તેમજ ફ્રાંસ સાથે સાંસ્કૃતિક તેમજ આર્થિક સંબંધો વિકસાવ્યા હતા. મોરોક્કો સાથે સરહદ સંબંધી તકરારને ઉકેલવાનો માર્ગ શોધીને દેશને એ સમસ્યામાંથી તેમણે મુક્ત કર્યો. તેમના શાસનથી પ્રજા ખુશ હતી; પરંતુ તેમની નીતિઓની પાછળ જેટલા પ્રમાણમાં ઉદાર ભાવનાઓ રહેલી હતી તેટલા પ્રમાણમાં નીતિઓના અમલની પાછળ તેની અસર દેખાઈ ન હતી. તેઓ રાષ્ટ્રીય મુક્તિ મોરચાની પુન:સ્થાપના કરી શક્યા નહિ તેમજ તેના માટે પ્રજાકીય ટેકો પણ મેળવી શક્યા નહિ.

લશ્કરના અધિકારી હોરી બોમેદિયેન દ્વારા જૂન 1965માં કરવામાં આવેલ બળવાને લીધે તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા અને તેના સ્થાને બોમેદિયેને પોતે પ્રમુખપદ ધારણ કર્યું. બેન બેલાની ધરપકડ કરવામાં આવી અને ત્યારપછીનાં 14 વર્ષ સુધી બહારની દુનિયા સાથેનો તેમનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો. 1978માં બોમેદિયેનના મૃત્યુ પછી 1979ના જુલાઈમાં તેમના પરનાં નિયંત્રણો હળવાં થયાં, પરંતુ તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. 1980માં તેમને મુક્ત કરવામાં આવ્યા. ત્યારપછીનાં દસ વર્ષ તેમણે વિદેશમાં ગાળ્યાં. ત્યારબાદ 1990માં તેઓ અલ્જિરિયામાં પાછા ફર્યા. અલ્જિરિયાને સમાજવાદી અર્થતંત્ર તરફ દોરી જવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી.

હસમુખ પંડ્યા