બેન્દ્રે, નારાયણ શ્રીધર (જ. 21 ઑગસ્ટ 1910, ઇન્દોર; અ. 18 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને પ્રસિદ્ધ કળાગુરુ. પિતા સરકારી ખાતામાં કારકુન. બાળપણથી જ તેમને ચિત્રકળાનો નાદ લાગ્યો હતો. પ્રારંભિક તાલીમ 1929માં ઇંદોરની સ્ટેટ આર્ટ સ્કૂલમાં ડી. ડી. દેવલાલીકર પાસે મેળવી.
1933માં તેમણે મુંબઈ ખાતે ‘ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન આર્ટ’ મેળવ્યો. તરત જ તેઓ કળાકાર તરીકે ખ્યાતિ પામ્યા અને 1934માં તેમના ચિત્ર (વ્યક્તિચિત્ર) ‘વૅગબૉન્ડ’ને ‘બૉમ્બે આર્ટ સોસાયટી’ના વાર્ષિક પ્રદર્શનમાં રૌપ્ય ચંદ્રક મળ્યો.
મિત્ર વી. એ. માળી સાથે 1936માં તેઓ કાશ્મીર ગયા અને જથ્થાબંધ નિસર્ગચિત્રો અને સ્કેચ (ત્વરાલેખનો) કર્યાં. તે પછીથી કાશ્મીર સરકારની ‘વિઝિટર્સ બ્યૂરો’માં તેઓ કળાકાર અને પત્રકારની હેસિયતથી જોડાયા. અહીં 3 વર્ષ નિવાસ કર્યા બાદ 1939માં તેઓ આ નોકરી છોડી ચેન્નાઈ ચાલ્યા ગયા. થોડા સમય માટે ફિલ્મ-ઉદ્યોગમાં કળા-નિર્દેશક તરીકે તેમણે કામ કર્યું.
બનારસમાં ર્દશ્યચિત્રોનું એક જૂથ ચીતરવા બદલ 1941માં તેમને ‘બૉમ્બે આર્ટ સોસાયટી’નો પ્રતિષ્ઠિત સુવર્ણચંદ્રક મળ્યો. 1942માં તેમણે તમિળ મહિલા મોના સાથે લગ્ન કર્યું.
આ પછી શાંતિનિકેતને તેમને નિવાસી કળાકાર તરીકે આમંત્રણ આપ્યું. અહીંના 2 વરસ સુધીના નિવાસ દરમિયાન તેઓ બંગાળ-શૈલીના પ્રખર કળાકાર નંદલાલ બોઝ તથા તેમના વિદ્યાર્થીઓ રામકિંકર બૈજ અને વિનોદવિહારી મુખરજીના પરિચયમાં આવ્યા. કલકત્તામાં તે જામિની રૉયને મળ્યા.
1947માં તેઓ મુંબઈ ગયા અને પ્રસિદ્ધ શિલ્પી કરમારકરના સ્ટુડિયોમાં થોડા સમય માટે કામ કર્યું. અહીં તેમને શ્રી અને શ્રીમતી નિમ્બકર મળ્યાં. આ યુગલે તેમને વિદેશ જવા માટે ઉત્તેજન આપ્યું. પરિણામે 1947માં તેઓ 6 માસ માટે અમેરિકા ગયા. ત્યાં 1948ના જાન્યુઆરીમાં ન્યૂયૉર્કની વિન્ડરમિયર ગૅલેરી ખાતે ચિત્રોનું પ્રદર્શન કર્યું. અમેરિકાથી તેઓ લંડન ગયા અને યુરોપમાં ઘણો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે ઘણાં ચિત્ર-સંગ્રહાલયોની અને ચિત્ર-ગૅલેરીઓની મુલાકાત લીધી.
1948માં ભારત આવ્યા અને મુંબઈમાં 1949માં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તે અરસામાં સ્થપાયેલી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સના ચિત્રકળા વિભાગમાં તેઓ રીડર તરીકે જોડાયા. એક સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે 1952માં તેમણે ચીન અને મધ્યપૂર્વની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમણે પુષ્કળ ત્વરાલેખનો કર્યાં.
પાછા આવીને વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં મોટો ભાગ ભજવ્યો. આ કૉલેજના ચિત્રકલા-વિભાગની ચૂંટેલી કૃતિઓનું તેમણે 1953માં મુંબઈમાં પ્રદર્શન યોજ્યું. આ પછી તેઓ પ્રોફેસર બન્યા અને 1959માં આ કૉલેજના ડીન બન્યા.
1960માં પોતાનાં પ્રયોગાત્મક ઘનવાદી અને અમૂર્ત ચિત્રોનું પ્રદર્શન યોજ્યું. 1962માં અમેરિકા અને જાપાનની યાત્રા કરી. 1966માં ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટ્ર્સમાંથી રાજીનામું આપી મુંબઈમાં સ્થિર થયા. અહીં તેમણે ચિત્રકાર્ય ચાલુ રાખ્યું અને તેનું દર એકાંતરે વર્ષે પ્રદર્શન યોજવાનું શરૂ કર્યું. મુંબઈ-નિવાસનાં વર્ષોથી તેમણે બિંદુવાદી પદ્ધતિથી ચિત્રો કરવાનું શરૂ કર્યું.
1969માં ભારતના રાષ્ટ્રપતિએ તેમનું ‘પદ્મશ્રી’ વડે સન્માન કર્યું. 1971માં ભારતમાં યોજાયેલ દ્વિતીય ત્રિવાર્ષિક પ્રદર્શનમાં તેમની ‘આંતરરાષ્ટ્રીય જૂરી’ના પ્રમુખ તરીકે વરણી થઈ. 1974માં કેન્દ્રીય લલિતકલા અકાદમીના ફેલો તરીકે નિયુક્ત થયા તથા અકાદમીએ તેમનું રિટ્રોસ્પેક્ટિવ પ્રદર્શન યોજી સન્માન કર્યું.
1978 દરમિયાન તેઓ ખૈરગઢ યુનિવર્સિટીના મુલાકાતી પ્રાધ્યાપક હતા. શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીએ ‘અબન-ગગન’ ઍવૉર્ડ દ્વારા તેમનું બહુમાન કર્યું. 1984માં ભોપાળ ખાતે કાલિદાસ સન્માન વડે તેમનું બહુમાન થયું.
બેન્દ્રેનાં અનેક ચિત્રો સ્વાભાવિક રીતે જ તેમને આધુનિક ભારતીય ચિત્રકળાના પ્રમુખ ચિત્રકારોમાં સ્થાન અપાવે છે. મૃત્યુ પર્યંત તેઓ ચિત્રકામમાં સક્રિય રહ્યા. તેમનાં ચિત્રોનું સતત વેચાણ થતું રહ્યું તે પણ તેમની સર્જનાત્મકતા માટે પ્રોત્સાહક બાબત બની રહી. નિસર્ગ અને ગ્રામજીવન તેમની કળાના બે મુખ્ય વિષય બની રહ્યા. પરંપરાગત ભારતીય ગ્રામજીવનના આધુનિક પશ્ચિમી ચિત્રશૈલીની બિંદુવાદી પદ્ધતિથી કરેલા આલેખનને તેમની વિશિષ્ટતા ગણાવી શકાય. ‘મુંબઈની માછણો’, ‘ધોબણો’, ‘ખેતરમાં કામ કરતાં સ્ત્રીપુરુષો’, ‘સબ્જીમંડી’, ‘ગાડાં’, ‘ભરવાડણ’, ‘પગમાંથી કાંટો કાઢતી સ્ત્રી’ ઇત્યાદિ તેમનાં નમૂનારૂપ ચિત્રો છે.
કળાગુરુ તરીકે વડોદરામાં તેમણે જ્યોતિ ભટ્ટ, રતન પારીમૂ, રીની દાસગુપ્તા, વી. આર. પટેલ, રમેશ પંડ્યા, જયંત પરીખ, ગુલામમોહમ્મદ શેખ, નીલિમા ઢઢ્ઢા, નસરીન મહંમદી જેવાં કળાકારોને ઘડવાનું મહત્વનું કાર્ય કર્યું.
અમિતાભ મડિયા