બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન)

January, 2000

બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન) (જ. 25 નવેમ્બર 1923, ધાંધળી; અ. 2 જાન્યુઆરી, 1993, મુંબઈ) : જાણીતા ગુજરાતી ગઝલકાર તથા નવલિકાકાર તથા નવલકથાકાર. ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ધાંધળી ગામે જન્મેલા આ કવિનો અભ્યાસ મૅટ્રિક સુધીનો હતો. કિસ્મત કુરેશી તેમના ગઝલ-ગુરુ હતા. 1945માં ‘શયદા’ ભાવનગર એક મુશાયરામાં આવ્યા ત્યારે તેમને ‘બે ઘડી મોજ’ સાપ્તાહિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. તેઓ 1945માં મુંબઈ ગયા. ‘બે ઘડી મોજ’ પછી ‘વતન’ દૈનિકના વ્યવસ્થા-વિભાગમાં જોડાયા. ઈ. સ. 1946માં આકાશવાણી, મુંબઈ કેન્દ્રમાં જોડાયા. ત્યાંથી 1983માં નિવૃત્ત થયા હતા. ‘માનસર’ (1960), ‘ઘટા’ (1970) અને ‘પ્યાસ’ (1980)  એમ ત્રણ ગઝલસંગ્રહો એમના તરફથી મળ્યા છે. આ ઉપરાંત તેમણે ‘આગ અને અજવાળાં’ (1956) અને ‘જીવતા સૂર’ (1956)  એ નવલિકાસંગ્રહો તેમજ ‘રંગસુગંધ’ (ભાગ 12) (1966) નામની નવલકથા પણ આપી છે. જોકે મુખ્યત્વે તેઓ શાયર છે.

પરંપરિત ગઝલના શીર્ષસ્થ ગઝલકારોમાં તેમની ગણના થાય છે. ગુજરાતી ગઝલમાં ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ એમનું પ્રદાન નોંધપાત્ર છે. કંઠ અને કહેણીના જાદુથી તેઓ હંમેશાં મુશાયરામાં છવાયેલા રહેતા અને તેમણે ગઝલને લોકપ્રિયતાના શિખરે પહોંચાડેલી. વેદના એમની ગઝલોનો મૂલાધાર છે; સાથે તેમાં વ્યાપક સમભાવ- સમસંવેદનનાં દર્શન થાય છે. કટુતાને ગાળીને સ્વચ્છ નીતર્યા નીર જેવું સૌંદર્ય એમાં મેઘધનુષી છટા સાથે પ્રગટે છે. એમાં આક્રોશને બદલે સમાધાન, સંયમ અને ધૈર્યનો સૂર પ્રગટે છે.

‘બેફામ’ ગઝલના હાર્દ અને મર્મને પ્રામાણિકતાથી જાળવે છે. સાદગીના સૌંદર્ય સાથે વિચારોને રજૂ કરવાનું સામર્થ્ય તેમની ગઝલોની આગવી લાક્ષણિકતા છે.

બેફામે અલંકારોના ઔચિત્યપૂર્ણ પ્રયોગથી પ્રસ્તુત ભાવો, વિચારો પદાર્થો અને ઘટનાઓનાં એનાં મનોહર, માદક, માર્મિક ચિત્રો અંકિત કર્યાં છે કે જે પોતાની સરળતા, સ્વાભાવિકતા, ગતિશીલતા અને પ્રભાવોત્પાદકતાને કારણે રમણીય બન્યા છે. આ અલંકારો ભાવાનુકૂલ હોવાને કારણે એમાં ભાવ-સંપ્રેષણનો ગુણ વિશેષપણે ષ્ટિગોચર થાય છે.

દાવા-દલીલની સચોટતાનાં ઉદાહરણો એમની શેરિયતનાં વ્યાવર્તક લક્ષણો રૂપે જોવા મળે છે. વળી કલ્પનાની અપૂર્વતા-તાજગી અને અર્થ-સૌંદર્યના પરિપ્રેક્ષ્યમાં એમના શેર માણવા જેવા હોય છે.

બેફામે મૃત્યુવિષયક અસંખ્ય મક્તા લખ્યા છે. મૃત્યુ જેવો અશુભ અને શુષ્ક વિષય એમની કલાત્મક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય નીવડ્યો છે. એમાંનું ચિંતન સરસ-સરળ બન્યું છે.

એમના રિન્દાના-મદિરાલક્ષી શેરો એની સૂક્ષ્મ વ્યંજનાને કારણે અનેક અર્થચ્છાયાઓ નિષ્પન્ન કરે છે.

પોતાના ગઝલસર્જન વિશે બેફામ એક શેરમાં અધિકારપૂર્વક જે વાત કરી છે તે યોગ્ય જ છે : ‘સિતારા આભે આપોઆપ કંઈ ઊગી નથી નીકળ્યા, અમે રાતોના જાગી જાગીને આ ધરતી ખેડી છે.’ (ઘટા, પૃ. 96)

રશીદ મીર