બેન્ઝ, કાર્લ ફ્રેડરિક (જ. 1844, કાર્લ્સરૂહ, જર્મની; અ. 1929) : નામી ઇજનેર અને મોટરનિર્માતા. 1877–79 દરમિયાન તેમણે 2 સ્ટ્રોકવાળું એન્જિન વિકસાવ્યું અને તેના ઉત્પાદન માટે એક ફૅક્ટરી ઊભી કરી. મોબાઇલ એન્જિનના ઉત્પાદન માટે નાણાંની જોગવાઈ કરવાની તેમના સાથી સમર્થકોએ ના પાડતાં તેમને એ યોજના 1883માં પડતી મૂકવી પડેલી.
તે પછી તેમણે બેન્ઝ ઍન્ડ કંપની નામની બીજી કંપની ઊભી કરી. તેમણે બનાવેલી પ્રથમ મોટરકાર 1885માં સંપૂર્ણપણે તૈયાર થઈ. પેટ્રૉલ-સંચાલિત આ કાર પ્રારંભિક ભૂમિકાની હતી. તે એક ફ્રેન્ચ ઉત્પાદકને વેચવામાં આવી. 1926માં તેમની કંપનીને ડેમલર – મૉટૉરન – ગૅશેલ શૅફ્ટ નામની અન્ય કંપની સાથે ભેળવી દેવામાં આવી અને ડેમલર – બેન્ઝ ઍન્ડ કંપનીની રચના કરવામાં આવી.
મહેશ ચોકસી